વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
જયદીપ કોટન ફાયબર પ્રા.લી. ના પાર્ટનર અરવિંદભાઇ પાણે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા ઉઘોગ યોગ્ય રીતે ચાલતો હતો.
લોકડાઉન દરમ્યાન પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્યામાં હિજરત કરી ગયા છે. હાલમાં રપ થી ૩૦ ટકા શ્રમિકો જ રહ્યા છે વતનમાં ગયેલા આ શ્રમિકો પરત આવવા ઇચ્છુક છે. જો જેઓ આવી જાય તો ઉઘોગો પણ ધમધમવા લાગે, લોકડાઉનના કારણે ઉઘોગોને નુકશાન ગયું છે જો ઉઘોગો ઝડપથી ધમધમવા લાગે તો નુકશાનનું વળતર મળી શકે અને નુકશાનીને ભરપાઇ કરી શકાય. બિઝનેસ માટે જરૂરી આર્થિક મદદ કરવામાં મહત્વનો ભાગ બેન્કો જ ભજવે છે બેન્કોમાં ઉઘોગકારોને મળતી સી.સી. લોન વગેરેમાં સરકાર હપ્તા ભરવાથી લઇને વ્યાજદર ચડી ગયા છે જેમાં રાહત આપે તો ખુબ ફાયદો થઇ શકે તેમ છે. બે માસ ફેકટરી બંધ રહેવાથી ખેડૂતો પાસે કપાસ ખુબ મોટા પ્રમાણમાં પડયો છે. હવે ચોમાસુ નજીક છે અને કપાસના બજાર ભાવ નીચા હોવાથી ખેડુતો સીસીઆઇમાં કપાસ વેંચવા જાય છે પરંતુ સી.સી.આઇ. ની ખરીદીની મર્યાદા હોય ખેડુતોને પણ નુકશાનની સંભાવના છે. તેનાથી જીનીંગને પણ નુકશાન થઇ રહ્યું છે. અમો કપાસ ભરવા જાય ત્યારે દસ મજુરો જોઇતા હોય છે એક ગાડી ભરવા માટે જે મજુરો જઇ શકતા નથી. ઉપરાંત મોટાભાગના ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી ખુબ અગવડ છે માલનું પરિવહન થઇ શકતું નથી.