વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
કૃષિપ્રધાન દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન ઔદ્યોગિક એકમોની પરિસ્થિતિનો તાગ મેળવવા અબતક મિડિયાએ કેપ્ટન પોલી પ્લાસ્ટ લિમિટેડના ફાઉન્ડર ડિરેકટર રમેશભાઈ ખીચડિયાએ જણાવ્યું હતું કે લોક ડાઉન પૂર્વેની જો હું કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન ઉદ્યોગોની વાત કરું તો તે સમય દરમિયાન ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા હતા.
ગત ચોમાસુ સફળ રહેવાનાં કારણે ખેતી માટે ખૂબ સાનુકૂળ પરિસ્થિતિ છે જેના કારણે ઉદ્યોગોની પરિસ્થિતિ પણ ખૂબ સારી હતી પરંતુ લોક ડાઉન અમલી બન્યા બાદ આશરે ૪૦ દિવસ જેટલો સમય એકમો બંધ રહ્યા અને તે બાદ આંશિક છુટછાટ મળતા ફરીવાર એકમ ધમધમતા થયા છે. હાલ કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન ઉદ્યોગો માટે કુશળ કારીગરોની ઘટ્ટ સૌથી મોટો પડકાર છે. હાલના સમયમાં કુશળ કારીગરોએ વતન તરફ દોટ મૂકી છે જેના પરિણામે હાલ અમારી પાસે ફક્ત ૨૦% થી ૨૫% કર્મચારીવર્ગ એકમો પાસે હાજરમાં છે જેમના સહયોગથી અમે હાલ યુનિટને રાબેતા મુજબ શરૂ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ સિવાયના પડકારો વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રના ઔદ્યોગિક એકમોના ફિલ્ડ સ્ટાફે ખેડૂતોના ખેતરમાં પહોંચી વિવિધ વિષયોથી અવગત કરી ટેકનોલોજીનો કંઈ રીતે ઉપયોગ કરવો તે વિશે ટેક્નિકલ માહિતી આપવામાં આવે છે પરંતુ હાલ રેડ ઝોનના વિસ્તારોમાં પ્રવેશબંદી હોવાને કારણે અમારો ફિલ્ડ સ્ટાફ આંશિક કાર્યરત છે. વધુમાં તેમણે કહ્યું હતું હાલ અમારા વેન્ડરો બંધ હાલતમાં છે જેના કારણે રો માટીરીયલની ઉપલબ્ધતા પણ નથી જેથી અમે હાલ જે રો મટીરીયલ સ્ટોકમાં છે તેની મદદથી એકમની શરૂઆત કરી છે પણ સ્ટોક લાંબો સમય ચાલી શકે તેમ નથી તો જો નજીવા સમયમાં રો મટીરીયલની વ્યવસ્થા નહિ થાય તો ફરીવાર એકમ બંધ કરવાની ફરજ પડશે. તેમણે કહ્યું હતું કે પરિવહનની સમસ્યા પણ ખૂબ મોટી છે કેમકે એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી રો મટીરીયલની આપ લે અને ડિસ્ટ્રીબ્યુશન સંપૂર્ણપણે ઠપ્પ થયું છે તેમજ અમારો જે કર્મચારીવર્ગ અન્ય સ્થળોમાંથી આવે છે તેઓ રેડ ઝોનમાં હોવાને કારણે ઘરમાંથી બહાર પણ નીકળી શકતા નથી.
તેમણે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને ખજખઊ ના ઉદ્યોગોને આર્થિક માર પડી છે તો તેવા સમયે બેંકોએ જે ત્રણ મહિના સુધીના ઈન્સ્ટોલમેન્ટ એકસ્ટેન્ડ કર્યા છે તેની સમય મર્યાદા વધારીને ૬ મહિના કરવી જોઈએ તેમજ વ્યાજમુક્તિ આપવી જોઈએ જેથી નાના એકમો પણ ફરીવાર પગભર થઈ શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે લોક ડાઉન દરમિયાન પણ ઔદ્યોગિક એકમોએ તેમના કર્મચારીવર્ગને બેઠું વેતન ચૂકવ્યું છે અને આગળ પણ ચૂકવવા બંધાયેલા છે પરંતુ તમામ ઉદ્યોગો હાલ આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે તો તેવા સમયે રાજ્ય સરકાર – કેન્દ્ર સરકારે વેતનમાં સહયોગ આપવો જોઈએ. તેમણે વૈશ્વિક પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં હાલ ભારતીય ઉદ્યોગકારો માટે ખૂબ સારી તકોનું નિર્માણ થયું છે પરંતુ એ ભવિષ્યની વાત છે હાલ કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહેવું એ મોટો પડકાર ઔદ્યોગિક એકમો માટે છે.