વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
હાલના સમયમાં બાથ ફીટિંગ્સ અને એસેસરીઝ ક્ષેત્રના ઉદ્યોગોની પરિસ્થિતિનો ચિતાર મેળવવા અબતક મીડિયાની ટીમે સન ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી હતી જેમાં આ ઇન્ડસ્ટ્રી મોટાભાગે બંધ અવસ્થામાં જોવા મળી હતી. પરિસ્થિતિ વિશે અવગત કરાવતા સન ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડિરેકટર મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે લોક ડાઉન પૂર્વે અમારા ક્ષેત્રના ઉદ્યોગો સામે કોઈ મોટી સમસ્યા ન હતી.
રાબેતા મુજબ તમામ એકમો ધમધમી રહ્યા હતા પરંતુ હાલમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી જેથી કોઈ પણ ચીજ વસ્તુની આપ લે કરી શકાતી નથી, અમારા ક્ષેત્રનું રો મટીરીયલ મોટાભાગે મોટા શહેરોમાંથી આવતું હોય છે જ્યા હાલ રેડ ઝોન હોવાથી કોઈ પણ જાતની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેના પરિણામે રો મટીરીયલ પણ આવી શકતું નથી. એ ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમે તેમની વતન પરત ફરવાની વ્યવસ્થામાં અંગત રસ લઈ વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ. હાલ આંશિક છુટછાટ મળ્યા બાદ ફક્ત કર્મચારીઓના રોજ ભરાઈ રહે તે માટે ફક્ત એક અથવા બે કલાક એકમ શરૂ કરીએ છીએ અને ત્યારબાદ બંધ કરી દઈએ છીએ. તેમણે કહ્યું હતું કે હાલ પરિવહન, રો મટીરીયલની અછતને કારણે બાથ ફીટિંગ્સ ઉદ્યોગો હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે કહ્યું હતું બાથ ફીટિંગ્સ ક્ષેત્રના એકમો મોટાભાગે સૂક્ષ્મ ઉદ્યોગો હોય છે જેમણે નાના પાયે શરૂઆત કરી હોય છે, જે રીતે અચાનક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે પેમેન્ટ સાયકલ પણ થંભી ગઈ છે, લિકવિડીટી બિલકુલ તળિયે પહોંચી જવા પામી છે, કોઈ પણ જાતની આવક થતી નથી અને તેની સામે કર્મચારીઓના વેતન અને અન્ય વ્યવસ્થામાં જાવક શરૂ છે જેથી અમે હાલ આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હાલના સમયમાં બેંકો દ્વારા ઈન્સ્ટોલમેન્ટના વ્યાજમાંથી મુક્તિ આપવી જરૂરી છે તેમજ ઓછા વ્યાજદરે લોન મળી રહે તેવી વ્યવસ્થા થવી જરૂરી છે.