વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
જ્યારે તમામ ઉદ્યોગોની વાત થતી હોય ત્યારે સોલાર એનર્જીનો ઉપયોગ કરી વિજબીલમાં રાહત આપતી મશીનારીના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોની સ્થતિનો ચિતાર મેળવવો પણ ખૂબ જરૂરી છે. ત્યારે આ અંગે સમગ્ર સૌરાષ્ટ્રમાં સોલાર ક્ષેત્રે પ્રથમ ક્રમાંક ધરાવતા જેજે પીવી સોલાર પ્રા.લી.ના મેનેજીંગ ડિરેકટર રાજેશભાઇ જોશીએ જણાવ્યું હતું કે હાલ અમે સોલાર રુફટોપ સિસ્ટમ સહિતની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીએ છીએ. તેમણે ઔદ્યોગિક એકમોની કલ આજ ઔર કલની પરિસ્થિતિ વિશે જણાવતાં કહ્યું હતું કે અગાઉ સામાન્ય પરિસ્થિતિમાં આશરે રૂપિયા ચાર થી પાંચ કરોડનું ટર્નઓવર થતું હતું પરંતુ માર્ચ એપ્રિલ મહિનામાં પરિસ્થિતિ બિલકુલ વિપરીત બની.
એપ્રિલ માસમાં તો એક પણ ઇનવોઇસ બન્યા નથી. ત્યારબાદ મેં માસમાં આંશિક છુટછાટ આપવામાં આવી જેના કારણે ફરીવાર એકમોની શરૂઆત થઈ છે પરંતુ આ સમયગાળા દરમિયાન અનેક પડકારોનો સામનો ઉદ્યોગકારો કરી રહ્યા છે. જેમાં કર્મચારી અને શ્રમિકોની ઘટટની સમસ્યા ખૂબ મોટી છે. હાલ સરેરાશ ૫૦% થી માંડી ૭૦% સુધી કર્મચારીવર્ગની અછત છે જેના કારણે એક્યુરેસી આવી શકતી નથી. તેમણે અન્ય પડકારો વિશે જણાવતાં કહ્યું હતું કે હાલ ફિઝિકલ મુવમેન્ટ કરી શકાતી નથી, જેના કારણે રો મટીરીયલ લાવી શકાતું નથી. અમારા ક્ષેત્રમાં મોટાભાગે રો મટીરીયલ અન્ય રાજ્યોમાંથી આવતું હોય છે પરંતુ પરિવહનની કોઈ છૂટછાટ નહીં હોવાથી રો મટીરીયલ મળતું નથી. તે ઉપરાંત સોલાર ક્ષેત્રના ઉદ્યોગોએ સબસીડી મેળવવા ફિઝિકલ બિલ મુકવાના હોય છે જે પરિવહનની સમસ્યાને કારણે મૂકી શકાય તેવી પરિસ્થિતિ નથી જેના પરિણામે આર્થિક ભીંસ નો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે હાલ ફક્ત ૩૫% જેટલો કર્મચારીવર્ગ જ એકમ સુધી પહોંચી શકે છે જેના પરિણામે આશરે ૧૫% જેટલું જ પ્રોડક્શન કરી શકાય છે. તેમણે આ સમયગાળા દરમિયાન રાહત વિશે જણાવતાં કહ્યું હતું કે હાલ પીજીવીસીએલ દ્વારા મિનિમમ વીજ બિલમાં રાહત આપવામાં આવી છે તે પ્રકારે બેંકોએ વ્યાજમાફી આપવી જોઈએ તેમજ કોઈ પણ લોન ઓછા વ્યાજદરે મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ સમયસર સબસીડીની રકમ મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.