કોરોના મહામારી રોકવા ખાસ અધિકારી ડો.વિનોદ રાવની અધ્યક્ષતામાં બેઠક
સુપર સ્પ્રેડર શાકભાજી વેચનારા ૨૫૦૦ લોકોને ત્રણ દિવસમાં પ્રો-એક્ટિવ સ્ક્રિનીંગ કરવા આદેશ: બાદમાં દર ત્રણ દિવસે સ્ક્રિનીંગ કરાવવું પડશે
વડોદરામાં ફેલાયેલા કોરોના રોગચાળાને રોકવા માટે શહેરમાં શાકભાજીનું વેચાણ કરનારા ૨૫૦૦ સુપર સ્પ્રેડર હોય અને તમામે ૩ દિવસમાં પ્રો.એક્ટિવ સ્ક્રિનીંગ કરાવી લેવાની તાકીદ કરાઈ છે. આ અંગે મ્યુ.તંત્રે આરોગ્ય તંત્રે તૈયારી કરી દીધી છે. વડોદરામાં કોરોનાનો પ્રસાર રોકવા માટે મુકાયેલા ખાસ અધિકારી ડો.વિનોદ રાવના અધ્યક્ષ સ્થાને જીઈબી ગેસ્ટ હાઉસ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. તેમાં આ નિર્ણય લેવાયો હતો. ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે વડોદરા શહેર અને જિલ્લાની કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિ તથા સંભવિત ભવિષ્યની પરિસ્થિતિની વિગતો આપી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું રણનીતિ હોવી જોઈએ તે બાબતે પણ તેમણે જાણકારી આપી. તેમણે દરેક સભ્ય પાસેથી ઉપરોક્ત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુચનો મળ્યા હતા. દરેક હાજર સભ્ય દ્વારા વિવિધ સુચનો આપવામાં આવ્યા જેની ઉપર ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી અને એ સુચનોના સારા અને નરસા પાસાઓની પણ વિચારણા કરવામાં આવી. ચર્ચાને અંતે રણનીતિ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ નક્કી કરવામાં આવી હતી.
સંભવિત સુપર સ્પ્રેડર તરીકે શાકભાજીનું વેચાણ કરતા ૨,૫૦૦ જેટલા લોકોએ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ ત્રણ દિવસમાં પ્રો-એક્ટિવ સ્ક્રિનીંગ કરાવી લેવાનું રહેશે અને જરૂર જણાય તો નમુના લેવામાં મેડીકલ ઓફિસરને સહકાર આપવા જણાવાયું છે. સ્ક્રિનીંગની કામગીરી બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી કરવામાં આવશે. સ્ક્રિનીંગ દરમિયાન શાકભાજી વેચાણ કરનાર હાઈ રિસ્ક ઈસમો જેઓ અન્ય બિમારી જેવી કે, ડાયાબિટીસ , હાઈપર ટેન્શન, કીડનની બિમારી, શ્ર્વાસની બીમારી ધરાવે છે તેમને હોમ કવોરન્ટાઈન કરવામાં આવશે અને તેમની પરવાનગી રદ્દ કરવામાં આવશે.
આ માટે દરેક યુપીએચસી ખાતે દરેક વ્યક્તિનું કાર્ડ રાખવામાં આવશે અને તે વ્યક્તિએ દર ત્રણ દિવસે જે તે યુપીએચસી ખાતે અચુક હાજર રહી સ્ક્રિનીંગ કરાવી લેવાનું રહેશે. જો વ્યક્તિ હાજર રહેવામાં નિષ્ફળ રહેશે તો તેને તેના વ્યવસાય માટે આપેલ પરવાનગી આપોઆપ રદ્દ થયેલ ગણાશે.
જેઓએ લોકડાઉન સમય દરમિયાન ઉદ્યોગો, હેલ્થ કેર યુનિટ્સ, દુકાનો કે મોલ્સ વિગેરેને કાર્યરત રાખવા તેમજ શાકભાજી, ફળફળાદિના વેચાણ અર્થે અધિકૃત કક્ષાએથી પાસ મેળવેલ છે અને જેઓને સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી હોય તેવા તમામ વ્યક્તિઓએ પોતાનું સતત સેલ્ફ સ્ક્રિનીંગ કરવાનું રહેશે અને તેઓને તાવ, શરદી, ખાંસી, ગળાનો દુ:ખાવો, શ્ર્વાસ લેવામાં તકલીફ વિગેરે પૈકી કોઈપણ લક્ષણ જણાય તો તુરંત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનો ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૦૨૬૫ ઉપર જાણ કરવાની રહેશે અને પોતે હોમ આઈસોલેશનમાં રહેશે. તેમ નહીં કરે તો એપ્રિડેમિક એક્ટ ૧૮૯૭ અંતર્ગત એપ્રિડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અધિકૃત વેચાણ કરતા એકમો જેવા કે, દુકાનો અને મોલ્સના સંચાલકોને જણાવાયું છે કે, તેમને ત્યાં આવતા ગ્રાહકો પૈકી જે ગ્રાહકે માસ્ક ન પહેર્યું હોય, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ગ્રાહકને કોઈપણ ચીજ-વસ્તુનું વેચાણ કરવું નહીં અને તે ગ્રાહકની વિગત ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૦૨૬૫ ઉપર જણાવવાની રહેશે.
સામાજીક એડિટીંગના ભાગરૂપે શહેરના નાગરિકોને જણાવાયું છે કે, કોઈ વ્યક્તિ જાહેર જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવતું ન હોય અથવા માસ્ક ન પહેર્યું હોય તેમ જણાય તો તે અંગે કોઈપણ વ્યક્તિ ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકશે અથવા તેનો ફોટો પાહી ૯૯૧૩૧-૬૬૬૬૬ ઉપર વોટ્સએપ કરી શકશે તે અંગેની ફરિયાદના નિવારણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડ કક્ષાએ ક્વિડ રિસ્પેન્સ ટીમ બનાવવામાં આવશે. આ બાબતે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડી જનતાને જાણકારી આપવા માટે મ્યુનિસિપલ કમિશનરને સુચના અપાઈ હતી.
જીઈબી ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુ.કમિશનર નલિન ઉપાધ્યાય, કલેકટર શાલીની અગ્રવાલ, ડીડીઓ અશોક પટેલ, ડે.મ્યુ.કમિશનર સુધીર પટેલ, મ્યુ.આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલ, મ્યુ.ના આઈટી ડાયરેકટર મનિષ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં કોવિડ-૧૯ના સલાહકાર અને કમ્યુનિટીટી મેડિસીન ડિપાર્ટમેન્ટના નિવૃત હેડ અને પ્રો.ડો.મજમુદાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
દુકાનોમાં પડી રહેલ મીઠાઈ, ફરસાણ, ખાદ્ય સામગ્રીનો નાશ કરવા સુચના
વડોદરા શહેર વિસ્તારમાં હાલ કોવિડ-૧૯ને અનુલક્ષીને લોકડાઉન દરમિયાન જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકાનાં વિસ્તારમાં મીઠાઈ, ફરસાણ, દુધની બનાવટ તથા અન્ય ખાદ્યચીજો બગડી ગઈ હોય તેનો તાત્કાલિક ધોરણે સ્વૈચ્છાએ નાશ કરવા સુચના આપી છે. અગાઉથી પડી રહેલ દુધ અને દુધની બનાવટ મીઠાઈ કે અન્ય પેરીશેબલ ખાદ્યસામગ્રી અને તેનું રો-મટીરીયલ જેની શેલ્ફ લાઈફ ખુબ ઓછી હોઈ અને સંભવત: લોકડાઉન ખુલતા તે બગડી ગઈ બિનઆરોગ્યપ્રદ અવસ્થામાં હશે તેથી તેનો નાશ કરવા સુચના અપાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરની જુદી જુદી ચાર ટીમો દ્વારા શહેરના માંજલપુર, મકરપુરા, તરસાલી, ચોખંડી, રાવપુરા, દાંડીયાબજાર, સરદાર એસ્ટેટ, ઓ.પી.રોડ, મુજમહુડા, નિઝામપુરા, છાણી, સમા વગેરે તમામ વિસ્તારમાં ઈસ્પેકશનની કામગીરી ઘણા સમયથી કરવામાં આવી છે.
એપિડેમિક દરમિયાન મૃત્યુના કારણની તપાસ માટે ખાસ સમિતિ
તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગરના તા.૪-૪-૨૦ના કોવિડ-૧૯ અંગેના ડેથ ઓડીટ અન્વયે થયેલ પરિપત્ર મુજબ કોવિડ-૧૯ એપીડેમીક દરમિયાન થયેલ મૃત્યુના કારણોની તપાસ અને વિવિધ પાસાઓના સર્વગ્રાહી અભ્યાસ થવો આવશ્યક હોઇ દરેક મેડીકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ ખાતે ડેથ ઓડિટ કમિટીના રચના કરવામાં આવી છે.
જેના સભ્યો કોમ્યુનિટી મેડીસીન એક્ષપર્ટ, કલીનીકલ એક્ષપર્ટ (મેડીસીન/પીડીયાટ્રીક), ક્રિટીકલ કેર એક્ષપર્ટ હશે.
કોવિડ-૧૯ અંતર્ગત મૃત્યુ પામનાર દરેક દર્દીઓનું મેડીકલ કોલેજ (એસ.એસ.જી), વડોદરા અને ગોત્રી મેડીકલ કોલેજની એક્ષપર્ટ કમિટી દ્વારા ડેથ ઓડીટ થયા બાદ જે રીતે એચ૧ એન ૧ (સીઝનલ ફલુ)માં રાજય સરકારને સુપ્રત કરવામાં આવે છે તેજ રીતે કોવિડ-૧૯ અંતર્ગત ડેથ ઓડિટ રિપોર્ટ રાજય સરકાર સાથે પરામર્શમાં રહી સંપૂર્ણ અભ્યાસ બાદ સત્તાવાર મૃત્યુની જાહેરાત કરવામાં આવશે. તેમ જણાવા મળે છે.
દરરોજ હર્બલ ટી આપવા આરોગ્ય મંત્રાલયનું સુચન
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાયરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર કોવિડ-૧૯ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ અવાર નવાર દેશ વાસીઓને રોગ પ્રતિકારક શકિત વધારવા આયુષ મંત્રાલયના સૂચવેલા ઉપાયો અપનાવવા અનુરોધ કરતા રહે છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકોની રોગ પ્રતિકારક શકિત વધે તેવી આદતો અને આયુર્વેદ ઉપાયો જે આયુષ મંત્રાલયે સૂચવ્યા છે તે માટે પ્રજાજનોમાં વ્યાપક જાગૃતિ લાવવા તંત્રને પ્રેરિત કર્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ-૧૯ની સારવાર લઈ રહેલા દર્દીઓને તદનુસાર રાજ્ય સરકાર દ્વારા તા.૩૦ એપ્રિલથી સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા-હર્બલ ટીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો?
૧૦૦ મિલી ચા માટે તજ ૧ ગ્રામ, મરી ૩ નંગ, સૂંઠ ૧ ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ ૧૦ નંગ, તુલસી/ફૂદીનાનાં પાન ૨૦ નંગ, દેશી ગોળ ૫ ગ્રામ, લીંબુ અડધી ચમચી. આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
શહેરમાં વધુ ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીના કુલ કેર ૪૭૬ નોંધાયા છે. જેમાં ૧૧ કેસ ગ્રામ્ય વિસ્તારોના છે. ર૪ કલાકમાં કુલ ૧૮૦ નમુના લેવાયા હતા. જેમાં ૧૯ કેસ પોઝિટીવ હતા.
માસ્ક ન પહેરનારા ૬૬ દંડાયા
શહેરમાં જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું હોય ત્યારે આજે વહિવટી વોર્ડ મળી કુલ ૬૬ વ્યકિતઓને જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ કુલ ૬૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો. શહેરમાં વોર્ડ નં.૧૨માં જાહેર સ્થળે થુંકવા બદલ ૧ વ્યકિત પાસેથી રૂા.૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદથી જરૂરીયાતમંદોને કુલ ૨૭,૪૨૧ ફુડ પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨,૫૮૬ વ્યકિતને હાઈડ્રોકસીકલોરોકવીનનો ડોઝ અને કુલ ૨,૧૩,૦૬૦ વ્યકિતને હોમીયોપેથીક દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેની લડત માટે શહેરમાં આયુર્વેદિક ઉકાળા માટેની ૫૫૫૭ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ૬ જુદી જુદી જગ્યાઓ ઉપર માઈગ્રેટરી લેબર્સ અને શેલ્ટર હોમ ખાતે રહેલ કુલ ૨૧૫૫ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
શહેરની તમામ હોસ્પિટલો અને માં કાર્ડ પુન: ચાલુ કરાવો: કોર્પોરેટરની મુખ્યમંત્રીને રજૂઆત
વડોદરામાં તમામ ખાનગી હોસ્૫િટલો શરૂ કરાવવા મ્યુનિ. કોર્પોરેટર ગુલાબફરીદ યુસુફભાઇ લાખાજીવાલાએ મુખ્યમંત્રીને આવેદન પાઠવી રજુઆત કરી છે.
મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે ટેસ્ટ કરી શકે તે માટેની વ્યવસ્થા કરાવવામાં આવે જેથી કોરોનાના ટેસ્ટમાં પણ સરકારને મદદ મળે કોરોના સિવાયની બિમારીના તમામ નાગરીકોને ત્વરીત સારવાર મળે અને સારવારમાં થતા વિલંબને કારણે થતાં મૃત્યુ અટકી જાય.
હાલમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ મા કાર્ડ કોઇપણ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવતા નથી. જેથી ગરીબ નાગરીક જાય તો કયા જાય? સામાન્ય નાગરીક પાસે હોસ્પિટલ દ્વારા એક જ દિવસનજા રૂ. પ૦ હજાર થી એક લાખ જેવી માતબર રકમની માંગણી કરવામાં આવે છે તો સામાન્ય અને ગરીબ નાગરીક આવા લોકડાઉનના સમયમાં જયાં હાલમાં કોઇ ધંધો રોજગાર નથી તો કયાંથી નાણા લાવશે? ગોત્રી મેડીકલ અને એસએસજી હોસ્૫િટલ સિવાયની ૩ થી ૪ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્૫િટલો ચાલુ છે ત્યાં આ રીતે ખુબ જ મોટી રકમ લઇ નાગરીકોની સામે મજબુરીના નામે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવાય છે.
શહેરની તમામ હોસ્પિટલો અમદાવાદની જેમ ચાલુ કરવામાં આવે જેથી કોરોના સિવાયના તમામ બિમારીથી પીડાતા નાગરીકોને તાત્કાલીક સારવાર મળે તથા માઁ કાર્ડ પણ પાછુ રાબેતા મુજબ પહેલાની જેમ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
લોકો અફવાથી સાવચેત રહે: પોલીસ કમિશનર ગેહલોત
વડોદરામાં પણ અમદાવાદની જેમ જ દુધ, દવાઓ સિવાયની તમામ દુકાનો એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવશે તેવી શહેરમાં વહેતી થયેલી વાતોને વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આવી વાત માત્ર અફવા જ છે. લોકોએ ખરીદી માટે અન્ય કોઈ બાબત માટે દોડાદોડી કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. શહેરમાં કોઈપણ પ્રકારના વિશેષ પ્રતિબંધ લાદવામાં આવનાર નથી.