તમામ મોટા કેમિકલ સ્ટોરેજ યુનિટોમાં તપાસનાં આદેશ આપતું ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ

વિશાખાપટ્ટનમ ખાતે સ્ટાઈરીન ગેસ લીક થતા ૧૧ લોકોના મોત નિપજયા છે જેમાં બે બાળકોના મોત નિપજયા છે. એલ.જી. કેમિકલ કંપનીમાંથી સ્ટાઈરીન ગેસ લીક થતા ૩૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એલ.જી. ફેકટરીમાં ૫ કિલોમીટરનાં વિસ્તારમાં ૫ ગામ પ્રભાવિત થયા છે જેથી તે તમામ લોકોને સ્થળાંતરીત કરવાનું વિચારવામાં આવ્યું છે. આ ઘટના ઘટતા જ જીવ બચાવવા ભાગેલા લોકો રસ્તા પર બેભાન હાલતમાં પણ જોવા મળ્યા હતા.

આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધારે કેમિકલ પ્લાન્ટ્સ આવેલા છે. વિશાખાપટ્ટનમની જેમ આ બધા પ્લાન્ટ્સ પણ ઘણા સમયથી બંધ છે. તેમનું કામકાજ બંધ કરવા શું પ્રોસેસ ફોલો કરાઈ છે તેની કોઈ માહિતી સરકાર દ્વારા નથી અપાઈ. સ્ટાન્ડર્ડ પ્રોસેસ અનુસાર આ યુનિટ્સને બંધ કરવામાં એક મહિનો લાગી જાય તેમ એન્વાયર્મેન્ટ એક્ટિવિસ્ટ અને એન્જિનિયર એવા રોહિત પ્રજાપતિ જણાવે છે. અચાનક જ બંધ કરી દેવાયેલા આ પ્લાન્ટ્સનું જીપીસીબી કે ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા કોઈ ઈન્સ્પેક્શન પણ નથી કરાયું. આ યુનિટ્સની હાલમાં શું સ્થિતિ છે તેની કોઈને જાણ નથી. શું તેઓ વિશાખાપટ્ટનમ કે ભોપાલ ગેસ ટ્રેજેડી જેવી દુર્ઘટના સર્જી શકે તેમ છે કે નહીં તે પણ કોઈ નથી જાણતું. જે લોકો આવા પ્લાન્ટ્સની આસપાસ રહે છે તેઓ ભગવાન ભરોસે જ છે.

DISHના ડિરેક્ટર પીએમ શાહનું કહેવું છે કે, લોકડાઉન લાગુ કરાયું ત્યારે જોખમી કેમિકલનું ઉત્પાદન કરતાં યુનિટ્સને કામકાજ બંધ કરવા ૭૨ કલાકનો સમય અપાયો હતો. દરેક ફેક્ટરીને સેફ્ટી માટે સ્ટાફ તૈનાત રાખવાની પણ સૂચના અપાઈ છે. જે પ્લાન્ટ્સને બંધ કરી શકાય તેમ નથી તેમને કામ ચાલુ રાખવા પણ પરમિશન અપાઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મેનપાવરનો ઈશ્યૂ હોવાથી ૧૨ કલાકની શિફ્ટની પણ અનુમતી અપાઈ છે. વિશાખાપટ્ટનમની ઘટના બાદ તમામ કેમિકલ પ્લાન્ટ્સને સેફ્ટી માટેની સૂચનાઓ અપાશે. જીપીસીબી પણ આ અંગે એક્શન લઈ શકે છે. બીજી તરફ, જીપીસીબીના મેમ્બર સેક્રેટરી એવી શાહે કહ્યું હતું કે, જોખમી કેમિકલ પ્લાન્ટની સુરક્ષાની જવાબદારી ઉઈંજઇંની છે. અમારું કામ પ્રદૂષણ કંટ્રોલ કરવાનું છે. વિશાખાપટ્ટનમમાં જે થયું ત્યારબાદ તમામ મોટા કેમિકલ સ્ટોરેજ યુનિટને હાલની સ્થિતિ ચકાસવા આદેશ અપાયો છે. આ ઉપરાંત, ઉઈંજઇં અને સ્થાનિક તંત્રને પણ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી ચકાસવાની સૂચના અપાઈ છે.

હજુ ચારેક દિવસ પહેલા જ પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રાત્રે જાણે ગેસ લીક થયું હોય તેવી વાસ ફેલાતા લોકો સૂઈ નહોતા શક્યા. ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે અડાલજમાંથી આ વાસ આવી રહ્યું હોવાનું શોધી કાઢ્યું હતું. જોકે, ગઈકાલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયેલા ગેસ લિકેજની ઘટનાએ ગુજરાતમાં પણ આવું કંઈ થવાની કેટલી શક્યતા તે સવાલ ખડો કરી દીધો છે. રાજ્યમાં ૧૦,૦૦૦ જેટલા કેમિકલ યુનિટ્સ આવેલા છે અને તેમાંથી ૪૦૦ તો અત્યંત જોખમી યુનિટ્સની કેટેગરીમાં આવે છે. મોટાભાગના યુનિટ્સ લોકડાઉનને કારણે બંધ છે, અને તેવામાં આ પ્લાન્ટ્સમાં કેમિકલનો મોટો જથ્થો પણ સ્ટોર થયેલો છે. જેની પૂરતી કાળજી લેવાઈ રહી છે કે નહીં તે સ્પષ્ટ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.