તંત્ર દ્વારા ફાર્માસ્યુટીકલ કંપની સીલ કરી દેવાઈ
ગુજરાતમાં કોરોનાના વધતા જતા પોઝીટીવ કેસોમાં એપી સેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સતત ૧૦ દિવસથી ૨૦૦થી વધુ પોઝીટીવ કેસ અને ૧૦થી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદ કોરોના વાયરસ સામે લડતા યોદ્ધાઓમાં આરોગ્ય અધિકારી, પોલીસ કર્મચારી અને ધારાસભ્યો સહિતનાં લોકો ઝપટે ચડી ચુકયા છે ત્યારે આજરોજ અમદાવાદનાં ધોળકા તાલુકાનાં ત્રાસદ ગામે આવેલી ફાર્માસ્યુટીકલ કંપની કેડિલામાં બે દિવસ પહેલા ૩ કર્મચારીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વધુ ૩૦ કર્મચારીઓનાં સેમ્પલનાં ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જેમાંથી આજરોજ વધુ ૨૧ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત જાહેર થતા તંત્ર દ્વારા ફાર્માસ્યુટીકલ કેડિલા પ્લાન્ટને સીલ કરી દેવામાં આવ્યો છે.
ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડિલા કંપનીના ૨૧ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે ત્રણ કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમના સંપર્કથી આ તમામ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. સરકારે ગંભીર નોંધ લઈને પ્લાન્ટને સીલ કરી દેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા કેડિલા કંપનીમાં ફરજ બજાવતાં ૩ કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા ૩૦ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ૨૧ લોકો પોઝિટિવ આવ્યા છે. ધોળકા તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા ૪૦ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી દસક્રોઈ તાલુકામાં સૌથી વધુ ૪૦ કેસ હતા અને હવે ધોળકામાં પણ ૪૦ કેસ નોંધાઈ ગયા છે. ધોળકાના ત્રાસદ ગામમાં કેસો આવતા તેને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને બંધ કરાશે.
અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચી રહ્યો છે. શહેરની આસપાસનાં તાલુકાઓમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ૫૦૦૦ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે અને ૩૦૦ જેટલા મોત નિપજયા છે ત્યારે ફાર્માસ્યુટીકલ કંપનીનાં કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી જતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. બે દિવસ પહેલા કેડિલા કંપનીનાં ત્રણ કર્મચારીઓને પોઝીટીવ આવ્યા બાદ પણ પ્લાન્ટનું કામકાજ શરૂ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ કંપનીનાં વધુ ૩૦ કર્મચારીઓ જે પોઝીટીવ કર્મચારીનાં સંપર્કમાં આવ્યા હતા જેના રીપોર્ટ કરાવતા એક સાથે ૨૧ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.