ગુજરાતમાં એક જ દિવસમાં ૩૮૦ નવા કેસ, ૨૮ના મોતથી ખળભળાટ : અમદાવાદમાં ૩૩ ટકા કેસ એક જ દિવસમાં વધતા સજ્જડ લોકડાઉન
કોરોના વાયરસનો ફેલાવો રોકવા લાદવામાં આવેલા લોકડાઉન વચ્ચે પણ મહામારીએ સકંજો વધુ કસ્યો છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં કોરોનાના કેસ બેકાબુ બની રહયાં હોવાનું આંકડા કહી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૩૮૦ નવા કેસ આવ્યા છે. જેમાંથી ૨૯૧ કેસ તો એકલા અમદાવાદના હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસનો શિકાર બન્યા હોય તેવા દર્દીની સંખ્યા ૬૬૨૫થી વધી ચૂકી છે. મોતનો આંકડો પણ દિન-પ્રતિદિન વધવા પામ્યો છે. દરમિયાન ૫૦ હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા હોય તેવા દેશોની યાદીમાં ભારતનો ક્રમ પાંચમો છે. ૫૪ દિવસની અંદર ભારતમાં ૫૦ હજાર કેસ નોંધાઈ ચૂકયા છે. આવા સંજોગોમાં આગામી સમયમાં દર ૩ દિવસે કોરોના ૧૦ હજાર લોકોને ટાર્ગેટ બનાવે તેવું ફલીત થાય છે.
આંકડા મુજબ છેલ્લા સાત દિવસમાં અમદાવાદમાં નોર્થ ઝોનમાં કોરોનાના કેસ ૧૦૦ ટકા વધ્યા છે. નોર્થ ઝોન એટલે કે, સરદારનગર, ક્રિષ્નનગર, નરોડા અને કુબેરનગરમાં કેસનું પ્રમાણ ખુબજ વધ્યું છે. બીજી તરફ સરખેજ, જોધપુર, વેજલપુર સહિતના સાઉથ વેસ્ટ વિસ્તારમાં પણ કોરોનાની તિવ્રતા વધી છે. ઈસ્ટ ઝોન ગણાતા વિરાટનગર, નિકોલ, ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ અને અમરાવાડીમાં કેસમાં ૭૭ ટકાનો વધારો થયો છે. ઘાટલોડીયા, ફલતેજ, ગોતા, બોળકદેવ અને ચાંદખેડામાં કેસ ૬૫ ટકા વધ્યા છે. અલબત ખાડીયા, જમાલપુર, દરિયાપુર અને શાહપુરમાં ૨૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બહેરામપુરા, દાણી લીમડા અને મણીનગરમાં ૩૩ ટકા કેસ વધ્યા છે.
ગઈકાલે આરોગ્ય વિભાગના સેક્રેટરી જયંતી રવિએ આપેલા આંકડા અનુસાર અમદાવાદમાં ૨૯૧ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૬૬૨૫થી વધી ચૂકી છે. જ્યારે એક જ દિવસમાં ૨૮ દર્દીના મોત થતાં કુલ મૃતાંક ૩૯૬ને પાર થઈ ગયો છેે. ગુજરાતમાં મૃત્યુદર ૫.૮ ટકા રહ્યો છે. જયંતી રવિના કહ્યાં મુજબ કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ જે લોકોના મોત થયા છે. તેમાં વૃદ્ધોનું પ્રમાણ વધુ છે. આ ઉપરાંત મહામારી પ્રત્યે બેદરકાર રહેલા લોકોના મોતનું પ્રમાણ પણ વધ્યું છે. બીજી તરફ રિકવરી રેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જો કે, એકાએક કોરોનાના કેસમાં થયેલા વધારા સામે રિકવરી રેટ પણ વધી જવા પામ્યો છે. અમદાવાદમાં નોર્થ ઈસ્ટ વિસ્તારમાં ૮૯ કેસ નોંધાયા છે. વેસ્ટમાં ૪૪ ટકાના ઉછાળા સાથે ૩૧૦, મધ્યમાં ૨૭ ટકાના ઉછાળા સાથે ૧૩૦૯, નોર્થમાં ૧૦૧ ટકાના ઉછાળા સાથે ૪૩૮, ઈસ્ટમાં ૭૬ ટકાના ઉછાળા સાથે ૩૧૩, સાઉથ વેસ્ટમાં ૧૦૧ ટકાના ઉછાળા સાથે ૧૦૯ અને સાઉથમાં ૩૩ ટકાના ઉછાળા સાથે ૮૩૦ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં ફાટી નીકળેલા કોરોનાના કેસને કાબુમાં લેવા માટે આજથી સજ્જડ લોકડાઉનની અમલવારી થઈ રહી છે. દૂધ અને દવાઓની દુકાન સીવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે ગઈકાલે જરૂ રીયાતની વસ્તુઓ લેવા માટે ટોળા એકત્ર થયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા. કોરોનાની તિવ્રતાના કારણે હોસ્પિટલોની સાથો સાથ હોટલમાં પણ તપાસ થઈ રહી છે. જે વિસ્તારનો કોરોનાની સારવાર માટે ઉપયોગ થઈ શકે તે તમામ વિસ્તારોમાં તપાસ થઈ છે. નરોડાની જીસીએસ હોસ્પિટલ, નિકોલની કોઠીયા, નવરંગપુરાની સુશ્રુષા, રખીયાલની નારાયણી, શ્યામલની પારેખ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલ તેમજ વાસણાની જીવરાજ મહેતાની ઈમારતોને ક્ધટેનમેન્ટ યુનિટ તરીકે કાર્યરત કરાઈ છે.
નોંધનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘સુપર સ્પ્રીડર’ એટલે કે, એક એવો દર્દી જેણે મોટી સંખ્યામાં કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું હોય તેને શોધવા કવાયત હાથ ધરાઈ છે. સામાન્ય રીતે સુપુર સ્પ્રીડર તરીકે શાકભાજી વેચનારાની ગણતરી થતી હોય છે. જેઓ જરૂ રીયાતની વસ્તુઓ ખરીદવા આવતા હજારો લોકોના સંપર્કમાં આવે છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકાએ ફેરીયાઓને હેલ્થકાર્ડ આપવાનો તખતો ઘડી કાઢ્યો છે. આવા ફેરીયાને સાત દિવસની માન્યતા ધરાવતું હેલ્થકાર્ડ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકડાઉનના કારણે અસરગ્રસ્ત થયેલા જરૂ રીયાતમંદોની વ્હારે સરકારની સાથો સાથ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ કદમ મિલાવી ચાલી રહી છે. હાલ નેશનલ ફૂડ સિક્યુરીટી એકટ (એનએફએસએ) હેઠળ દેશના દર ચાર વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિ નોંધાયેલો છે. આવા વ્યક્તિઓમાં સરકાર દ્વારા ૫ કિલો ચોખા અથવા ઘઉં વિનામુલ્યે આપવાની યોજના ઘડી કાઢી છે. આ ઉપરાંત કોરોના સામેની લડાઈમાં ઈન્ડિયન્સ કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) દ્વારા પણ તડામાર તૈયારી થઈ છે. હાલ સેન્ટર દ્વારા કોરોનાની દવા ગોતવા માટે ટ્રાયલ ચાલી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદમાં ફરીથી મહાનગરપાલિકાની કમાન સંભાળનાર નવા મ્યુનિ.કમિશનરે પણ સખત અમલવારી કરાવવાની તૈયારી કરી છે.
દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા કોરોના કેસ અંગે ચિંતા વ્યકત કરી છે. તાજેતરમાં હર્ષવર્ધન દ્વારા બેઠક દરમિયાન સેવર એક્યુટ રિસ્પીરેટરી ઈન્ફેકશન (સારી) અને ઈન્ફલુએન્જા લાઈક ઈલનેશ (આઈએલઆઈ)નો ઉપયોગ કરવાનું સુચન કર્યું હતું. જે વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં વધુને વધુ ટેસ્ટીંગ કરવામાં આવી ર્હયાં છે. સરકાર દ્વારા વર્તમાન સમયે થઈ રહેલી તૈયારી પરથી ફલીત થાય છે કે, આગામી સમયમાં કોરોના વાયરસ મુદ્દે વધુ તિવ્રતાથી ટેસ્ટીંગ કરવામાં આવશે. હાલ ભારતમાં દરરોજ ૨ લાખથી વધુ ટેસ્ટીંગ કીટનું ઉત્પાદન થઈ ર્હયું છે. મહારાષ્ટ્રમાં નવા ૧૨૩૩ કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા ૧૬૭૫૮ જેટલી થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં ૩૪ લોકોના મોત કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ થયા છે. દેશના પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન અને ત્રિપુરા, ઉત્તરપ્રદેશ તેમજ આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. તમિલનાડુમાં ૭૭૧, રાજસ્થાનમાં ૧૫૯, હરિયાણામાં ૪૬, ઉત્તરપ્રદેશમાં ૧૧૮, આંધ્ર પ્રદેશમાં ૬૦ કેસ નવા નોંધાયા છે. આ ઉપરાંત ત્રિપુરામાં ૨૨ બીએસએફના જવાનોને અને રાજસ્થાનમાં ૩૦ બીએસએફના જવાનોને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. દેશમાં કેરળ રાજ્યમાં કોરોના સામે સરકાર અને લોકોએ સાથે મળી લડાઇને લગભગ નિશ્ર્ચિત બનાવી દીધી છે. આવું જ અન્ય રાજ્યોમાં થાય તે જરૂ રી છે.
- અમદાવાદમાં કોરોનાનો ઉછાળો : લોકડાઉનનો ગાળીયો કસાયો
અમદાવાદમાં કોરોનામાં ફક્ત રાજ્યમાં નહીં પરંતુ દેશભરના સૌથી વધુ પોઝિટિવ કેસ અને મૃત્યુના દરમાં વધારો થતાં કોરોનાની આફત બેકાબુ બની છે. રાજ્યમાં નોંધાયેલા કુલ ૬૬૨૫ પોઝિટિવ કેસ અને ૩૯૬ મૃત્યુ માંથી ૪૭૩૫ પોઝિટિવ કેસ અને ૨૯૮ મોત માત્ર અમદાવાદમાં નોંધાતા કોરોનામાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક માં ભારે ઉછાળો થતા અમદાવાદ પર લોકડાઉન ગાળિયો ફસાયો છે. અમદાવાદમાં છેલ્લા ૧૦ દિવસથી ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ અને ૨૦ની આસપાસ મોત નિપજતા હાલત બેકાબુ બની છે. કોરોના સામે લડતા યોદ્ધાઓમાં જેમ કે તબીબો, પોલીસ સ્ટાફ, અધિકારીઓ, માહિતી ખાતાના કર્મચારી, કોર્પોરેટરો અને ધારાસભ્યો સહિતના લોકો કોરોના સંક્રમણમાં ફસાતા અમદાવાદની પરિસ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે.
- પશ્ર્ચિમ બંગાળમાં કોરોના બોમ્બ ફાટશે? કોરોના જેવા લક્ષ્ણો ધરાવતા ૯૨ હજાર દર્દીઓ ઓળખાયા
પં.બંગાળમાં કોરોના વાયરસની મહામારી હજ્જારો લોકોનો ભોગ લે તેવી દહેશત સેવાઈ છે. વર્તમાન સમયે કોરોના વાયરસના સંક્રમણનો ચેપ લાગ્યો હોય તેવા સંક્રમણો ધરાવતા ૯૨૦૦૦ દર્દીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. બંગાળમાં મમતા બેનર્જીએ ૫.૫ કરોડ પરિવારો સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. જેના અનુસંધાને ૭ એપ્રીલથી ૩ મે સુધીમાં ૫.૫૭ કરોડ પરિવારોનું ચેકઅપ થયું છે. જેમાંથી ૮૭૨ ક્ધફર્મ કેસ મળ્યા છે. જ્યારે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવા લક્ષણો ધરાવતા ૯૧૫૧૫ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કલકતામાં વાયરસના સંક્રમણને લઈ સરકારે મેડિકલ કોલેજમાં ૫૦૦ બેડની સુવિધા ઉભી કરી છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ સારવાર માટે કામગીરી થઈ રહી છે.
- પરપ્રાંતીયો ટ્રેનમાં પણ અકળાયા : ફૂડ પેકેટને લઇ બથોબથ આવી ગયા!!!
પોતાના વતન જવા અધીરા બની ટ્રેનમાં સવાર થયેલા પરપ્રાંતિયો અંદરો અંદર ઝઘડ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ફૂડ પેકેટ ન મળ્યા હોવાના મામલે અકળાઈ ઉઠી અંદરો-અંદર બાજી પડ્યા હતા. આ બનાવ બિહાર જતી ટ્રેનમાં બન્યો હતો. ઝઘડામાં પરપ્રાંતિયો ફૂડ પેકેટ ઝુટવી લેવા એક સીટથી બીજી સીટ પર કુદતા હતા. જેમાં કેટલાકને ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવે છે. વર્તમાન સમયે આ વીડિયો વાયરલ થઈ ચૂકયો છે. મામલો થાળે પાડવા રેલવે પોલીસને કાર્યવાહી કરવી પડી હતી. નોંધનીય છે કે, હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો પોતાના વતન જઈ રહ્યાં છે. ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાય છે. ઘરે જતી વખતે પણ થઈ રહેલા ઝઘડાનો વિડીયો વાયરલ થયો છે.
- કોરોનાની સારવારમાં એચઆઇવીની દવાની મંજૂરી
કોવિડ-૧૯થી રક્ષણ આપતી દવા હજુ શોધાઈ નથી. આવી સ્થિતિમાં એચઆઈવી એઈડ્સની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાનો કોરોના વાયરસના ઈલાજ મુદ્દે મંજૂરી અપાઈ છે. એઈડ્સની દવાના ૯૪ ટકા ડોઝને વાપરવાની હિમાયત થઈ છે. અગાઉ ઈબોલા વાયરસની મહામારીના સમયે પણ એઈડ્સની દવાનો ઉપયોગ થયો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલા મેલેરીયા સામે રક્ષણ આપતી દવાથી કોરોનાનો ઈલાજ કરવાનું જોખમ લેવાયું હતું. ત્યારબાદ હવે ફરીથી એઈડ્સની દવાનો ઉપયોગની વાત ચાલી રહી છે. સામાન્ય રીતે દર્દી પર આવી દવાના પરિક્ષણથી આડઅસરો પણ ઉભી થાય છે અને દર્દીના જીવ ઉપર જોખમ પણ આવી શકે છે.