સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.રાજદિપસિંહ જાડેજાની ડીઈઓને લેખિતમાં રજૂઆત: ભવિષ્યમાં વિદ્યાર્થી કે વાલી પાસેથી નવા સત્રની ફી મંગાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી
ભારત દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલુ હોય તેવામાં દેશ સંપૂર્ણપર્ણે લોકડાઉન થયેલ હોય તે પરિસ્થિતિમાં રાજકોટ શહેરની અમુક ખાનગી શાળાઓએ ફી ચૂકવવા ફરમાન કરતા વાલીઓમાં દેકારો બોલી ગયો છે. કર્મચારીઓના પગાર કરવાના બહાને અગાઉના બાકી અને નવા શરૂ થતાં શૈક્ષણિક વર્ષની ફી ચૂકવવા મેસેજ કરતા ચકચાર જાગી છે. શાળાઓ બંધ છતાં ફીના ઉઘરાણાથી સવાલ ઉઠ્યા છે. ત્યારે મસમોટી ફી ઉઘરાવી તગડી કમાણી કરતી શાળાઓને પગારના સાંસાની વાત ગણે ઉતરતી નથી. ત્યારે રાજકોટની નામાંકીત ગણાતી મોદી સ્કૂલ અને માસુમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સ્કૂલ ફીની ઉઘરાણી કરી અંગેની ફરિયાદો છેલ્લા દોઢ માસથી મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજાએ આ મામલે ડીઈઓ આર. એસ. ઉપાધ્યાયને લેખિતમાં રજૂઆત કરી હતી અને નવા સત્રમાં ૫૦ ટકા સ્કૂલ ફી માફી આપવી, તેમજ કોઈપણ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ફી માટે દબાણ ન કરે તેવી માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા લોકડાઉનના કારણે એક મહિના કરતા પણ વધુ સમયથી સરકારી સાથો સાથ ખાનગી શાળાઓ પણ બંધ છે. શાળામાં અભ્યાસ સહિતની પ્રવૃતિ બંધ છે. આ સ્થિતિમાં શહેરની જુજ ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. આમ છતાં શહેરની મોટાભાગની ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સમક્ષ વોટ્સએપ તેમજ ટેકસ મેસેજ દ્વારા પુરા થતાં સત્રની બાકી રહેલી ફી અને આવતા સપ્ટેમ્બર માસ સુધીની ફી ચૂકવવાનું ફરમાન કર્યું હોવાની ફરિયાદ મળી છે. આટલું જ નહીં અમુક સ્કૂલોએ તો લોકડાઉન ખુલ્યુ ન હોવા છતાં અને વેકેશન પણ બાકી હોય વર્ષ ૨૦૨૧ની ફી ચૂકવવાનું પણ ફરમાન કરતા વાલીઓમાં દેકારા સાથે ભારે રોષની લાગણી ફેલાઈ છે. ડીઈઓ કચેરી દ્વારા વાલીઓના આ પ્રશ્ર્ન સામે પગલા લેવાશે કે કેમ, શહેરમાં કાર્યરત મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા શિક્ષકો અને વહીવટી સ્ટાફને રૂા.૬ હજારથી ૯ હજાર સુધીનો પગાર ચૂકવવામાં આવે છે પરંતુ કાગળ પર કર્મચારીને મસમોટો પગાર ચૂકવવામાં આવતો હોવાનું દર્શાવી તંત્રની આંખમાં ધુળ નાખવાનું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે. ત્યારે તગડી કમાણી કરતી ખાનગી શાળા પાસે કર્મચારીને નજીવો પગાર ચૂકવવાના પણ નાણા ન હોય તે સવાલ તપાસનો વિષય બન્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમે ડીઈઓને લેખીતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, ચાલુ વર્ષની અને નવા સત્રમાં પણ ૫૦ ટકા સ્કૂલ માફી આપવી જોઈએ. તેમજ આવી લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા શાળાઓએ છ મહિના સુધી ફી નહીં વસુલ કરવા અને માસીક હપ્તે ફી ભરવાનો વિકલ્પ આપ્યો છે તેનું પાલન થતું નથી પરંતુ સ્કૂલ સંચાલકો દ્વારા પણ રાજકોટ શહેરની કોઈપણ ખાનગી શાળાઓ ફી માટે વિદ્યાર્થી કે વાલીઓને દબાણ ન કરે તે માટે પગલા લેવા જોઈએ અને કોઈપણ સેલ્ફ ફાયનાન્સ સંસ્થા ફી માટે દબાણ કરે તો ડો. રાજદિપસિંહ જાડેજા (મો.નં.૯૮૨૪ ૩ ૦૦૦૦૭) પર સંપર્ક કરવો. અને જો ભવિષ્યમાં પણ આવી કોઈ ફરિયાદો મળશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આ બાબતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.