જામનગરમાં આજથી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ફળ વિધિ કરી આ ટેકાના ભાવની ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.સોશિયલ ડિસ્ટન્સ જાળવી આ સંપૂર્ણ ખરીદી જામનગર તાલુકા ખાતે જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ હસ્તક કામગીરી  કરવામાં આવશે.

આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,કેંદ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હંમેશા ખેડુતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને અનુસંધાને  ગુજરાતમાં ૧લી મેથી ચણા અને રાયડાની ખરીદીનો અમરેલી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં ચણા અને રાયડાની ખરીદીની પ્રક્રિયા ચાલુ થઇ છે. જામનગરમાં આજે આ ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલ છે. જામનગરમાં આશરે ૪૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે જેમની જણસની ખરીદી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમંત્રીએ યાર્ડ ખાતે હાલમાં થઈ રહેલી ઘઉંની ખરીદીની સમીક્ષા પણ કરી હતી.

આ  પ્રસંગે  શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, જામનગર માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન ધીરુભાઈ કારીયા, હાપા માર્કેટીંગ યાર્ડના ડીરેકટર પ્રવિણસિંહ ઝાલા, જાડાના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા, ડો.વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, ડો મુકુંદભાઈ સભાયા અને જયેન્દ્રભાઈ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૬૦.૮૦ લાખનું અનુદાન

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચેક અર્પણ કરાયો શિક્ષકો અને કર્મચારીઓની સેવા ભાવનાને બિરદાવી

meter 2

હાલમાં સમગ્ર ભારત કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ અનુદાન આપીને આ લડાઈમાં સહભાગી બની રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગર દ્વારા કોવિડ-૧૯ મહામારી માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં અનુદાન આપવાની અપીલ કરવામાં આવી હતી. જેના સફળ પ્રતિસાદરૂપે જામનગર જિલ્લા પંચાયતની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક દિવસનો પગાર રૂ. ૬૦,૮૦,૯૪૯ મુખ્યમંત્રી રાહત નિધિમાં આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગને જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા,  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, જિલ્લા પંચાયત કર્મચારી સંઘ જામનગરના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર  તથા તમામ તાલુકા સંઘના પ્રમુખ  અને મહામંત્રીઓ દ્વારા  જિલ્લાના તમામ સરકારી પ્રાથમિક શિક્ષકો વતી અર્પણ કર્યા હતા.

આ તકે, રાજયમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાની મહામારી સામે લડવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ લોકોને જે આર્થિક સહયોગ આપવા યોગદાન આપવા અપીલ કરી હતી તેને વધાવીને જામનગર જિલ્લા પંચાયત અને જામનગર જિલ્લાના શિક્ષકો દ્વારા આશરે ૬૩ લાખ જેટલું માતબર ફંડ આપવામાં આવેલ છે. સાથે જ જ્યારે જ્યારે પણ કોઇ મુશ્કેલી આવી છે ત્યારે જિલ્લા પંચાયત જામનગરના કર્મચારીઓ દરેક રીતે સહયોગમાં રહ્યા છે તે બદલ રાજ્ય સરકારવતી અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત  જિલ્લા પંચાયત કર્મચારી સંઘના સભ્યો દ્વારા રૂ. ૨,૨૩,૩૭૭ અને જામજોધપુરના શિક્ષક જયવીરસિંહ રાણા તરફથી રૂ.૧૧,૧૧૧ પણ મુખ્યમંત્રી રાહત નિધિમાં અનુદાનિત કરાયા હતા.

આમ, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને  જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને કુલ રૂ. ૬૩,૧૫,૪૩૭ મુખ્યમંત્રી રાહત નિધિ માટે  અર્પણ કરાયા હતા. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શિક્ષકો અને કર્મચારીઓની આ સેવાની ભાવનાને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.