રાજકોટમાં ૫૯ કેસ, ૧ મૃત્યુ અને જામનગરમાં એક કેસ – મૃત્યુ છતાં બંને ઓરેન્જ ઝોનમાં
કોરોના વાયરસના સંદર્ભમાં જામનગર જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ થયો છે. ત્યારે આ બાબતે નગરજનોને ચિંતા નહીં કરવા જિલ્લા કલેક્ટ રે જણાવ્યું છે. રાજ્ય સરકાર આ બાબતે કેન્દ્ર સરકાર સામે પરામર્શ કરી રહી છે.
કોરોના વાયરસના નોંધાતા કેઈસ અન્વયે રાજ્યના જિલ્લાને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યાં છે. જેમાં જામનગરનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બાબતે જામનગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, ચિંતા કરવાની જરૃર નથી. આ બાબતે રાજય અને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા-વિચારણા થઈ રહી છે, અને રાજ્યના પ્રભારી મંત્રી સૌરભાઈ પટેલ દ્વારા આ મુદ્દે પરામર્શ ચાલી રહ્યો છે, અને જેમ બને તેમ ઝડપથી સુધારો થાય તે માટે પ્રયાસો થઈ રહ્યાં છે. ગ્રીન ઝોનને મળતા તમામ લાભો જામનગરને મળે તેવી આશા સાથે પ્રયત્નો થઈ રહ્યાં છે. ક્યાંક શરતચૂક થઈ હોય તો તે સુધરી જશે, રાજ્યના મંત્રી સૌરભભાઈ પટેલ પણ આ બાબતને પ્રાધાન્ય આપી રહ્યાં છે.
નવાઈની વાત એ છે કે રાજકોટ શહેરમાં જંગલેશ્વર જેવા વિસ્તારો સહિત કેટલાક વિસ્તારો રેડ ઝોનમાં છે, ત્યારે પચ્ચાસ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, એક મૃત્યુ પણ નોંધાયુ છે. તેમ છતાં રાજકોટ જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મુકાયો છે. છૂટછાટ મળે અને તકેદારી-સાવચેતી ન રાખવા માટે કોઈ ચર્ચા નથી. પણ જામનગર છેલ્લા ૨૫ દિવસમાં જો એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોધાયો હોય તો આ બંને જિલ્લામાં કડકમાં કડક જિલ્લા પ્રવેશબંધી કરી તેનો ગ્રીન ઝોન જાહેર કરવાની જરૃર હતી. અન્ય કોઈ પણ જિલ્લા કે અન્ય રાજ્યોમાંથી જિલ્લામાં પ્રવેશ કરે તો તેનું સંપૂર્ણ આરોગ્ય ચેકીંગ કરવું, તેને ફરજીયાત ૧૪ માટે ક્વોરન્ટાઈન કરવા જેવા પગલા લઈને આ જિલ્લાને સુરક્ષિત રાખી શકાય તેમ છે.
જામનગર જિલ્લાની જનતામાં લોકડાઉન ત્રીજા તબક્કામાં પણ લંબાય તો નિયમોનુસાર ગ્રીન ઝોન પ્રમાણેથી થોડી વધુ છુટછાટ મેળવે તેવી લાગણી પ્રવર્તે છે.
જામનગરની રાજકીય નેતાગીરી પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ અત્યાર સુધીનો આંકડાકીય વિગતો સાથે આ બાબતમાં રજુઆત કરી શકે છે. છુટછાટ કે આંશિક છુટછાટનો કોઈ ગેરલાભ લેવાની વાત નથી, પણ તેના કારણે અનેક લોકો રોજેરોજનું કમાતા થાય, સરકારી કે સંસ્થાની મદદથી કમ્પલસરી લાચારીમાંથી મુક્ત થાય જે વધુ છુટછાટ મળશે તેનું સન્માન કરી વધુ ચોક્કાસાઈ સાથે વહીવટી તંત્રને, પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપી ગેરલાભ લેવાના બદલે તેનો સંપૂર્ણ યોગ્ય લાભ લેવાનો સંકલ્પ પણ કરવો પડશે.
જિલ્લાને ગ્રીન ઝોનમાં રાખવામાં આવે તો ગરીબ અને મજૂર વર્ગને રાહત થઈ શકે
જામનગર જિલ્લામાં જામનગર શહેર નજીક દરેડ ગામમાં ચૌદ મહિનાના એક બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો અને એકાદ દિવસ પછી આ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બાળકના માતા-પિતા કે આસપાસના તમામ લોકોનું આરોગ્ય ચેકીંગ કરાયું હતું અને તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. એટલું જ નહીં, આ બાળક, તેના માતા-પિતાની કોઈપણ ટ્રાવેલીંગ હિસ્ટ્રી પણ ન હતી. તેમ છતાં આ બાળકને કોરોનાનો વાઈરસ કેવી રીતે ઈન્ફેક્ટેડ થયો તે પ્રશ્ન આજે પણ ચિંતાજનક બની રહ્યો છે. કોરોના સંક્રમણના આરંભથી અને ર૪ મી માર્ચથી શરૃ થયેલા દેશવ્યાપી લોકડાઉનના સમયગાળામાં દરેડના આ બાળકનો શંકાસ્પદ કહી શકાય તેવો મરણનો કિસ્સો તા. ૬/૭ એપ્રિલે બન્યો હતો. આ અપવાદરૃપ કિસ્સા સિવાય જામનગર શહેર અને સમગ્ર જિલ્લો તેમજ પાડોશના જૂનાગઢ જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સંપૂર્ણપણે કોરોના મુક્ત રહ્યા છે. આજે જાહેર થયેલ કેટેગરીમાં જામનગર જિલ્લાને બાળકના એક માત્ર મૃત્યુના કારણે જ કદાચ ગ્રીન ઝોનના બદલે ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યો છે જ્યારે જુનાગઢ, દ્વારકા અને અમરેલી જિલ્લાને ગ્રીન ઝોનમાં જાહેર કરાયા છે, કારણકે ત્યાં અત્યાર સુધીમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જો કે ૩જી મે પછી પણ દેશમાં લોકડાઉન લંબાવવામાં આવે તો આ ત્રીજા તબક્કામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ કેટેગરીમાં આવતા ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓને આંશિક કે થોડી વધુ છૂટછાટ મળે તેવી શક્યતા છે.