મહામારી બાદ અર્થતંત્રને શ્ર્વાસ લેતું રાખવા તરલતાનો પ્રશ્ર્ન નાણાં છાપવાથી ઉકેલાઇ શકે પરંતુ ફૂગાવો સંતુલીત રાખવો, એનપીએ નિયંત્રીત રાખવું, ખાદ્ય વધવા ન દેવી તે સહિતના પડકારો
કોરોનાની મહામારી જેટલી જ ભયંકર આવનારી આર્થિક પરિસ્થિતિ રહેશે. બજારોમાં તરલતા નહીં રહે તેવો ભય છે. આ પ્રશ્ર્નને ઉકેલવા માટે સરકાર, રિઝર્વ બેંક દ્વારા નોટ છાપવાનું કારખાનું ધમધમતુ કરવાનો વિકલ્પ છે. અલબત માત્ર નોટ છાપવાથી અર્થતંત્રમાં તરલતા આવશે નહીં. નાણા ક્યાં અને કેવી રીતે ઠાલવાય છે તે પણ પડકાર છે. જરૂર કરતા વધુ પ્રમાણમાં નોટ છાપવાથી તરલતાનો પ્રશ્ર્ન તો દૂર થાય પરંતુ ફૂગાવો સંતુલીત રાખવો, એનપીએ નિયંત્રીત રાખવુ, ખાદ્ય વધવા ન દેવી તેનું પણ ધ્યાન રાખવું પડશે.
વર્તમાન સમયે અમેરિકા, યુરોપના દેશો અને જાપાન પણ પોતાના અર્થતંત્રને બચાવવા ઝઝુમી રહ્યાં છે. આ દેશોએ પણ યેનકેન પ્રકારે પોતાના અર્થતંત્રમાં ભંડોળ ફાળવવાનું શરૂ કરી દીધું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ ૧૯૮૦માં નોટો છાપવા મુદ્દે કેટલાક ધારા-ધોરણો ઘડ્યા હતા. ત્યારબાદ ખાદ્યને ધ્યાનમાં રાખી વર્ષ ૧૯૯૦માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કરાયા હતા. વર્તમાન સમયે સરકાર ઈચ્છે એટલી ચલણી નોટો છાપી શકે છે. પરંતુ અર્થતંત્રમાં કેવી રીતે નાખવી તે એફઆરબીએમ એકટ ૨૦૦૩ મુજબ જ નિર્ણય લઈ શકાય છે. નોટો છાપવા ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સરકારના ડેબ્ટ અને બોન્ડ ખરીદવાનો વિકલ્પ પસંદ કરી શકે જેનાથી અર્થતંત્રમાં ભંડોળ ઠલવાશે. આ ઉપરાંત આરબીઆઈ કોર્પોરેટ ક્ષેત્રના બોન્ડ પણ ખરીદી શકે. જેનાથી મંદીમાં પડતર થયેલી મિલકતો છુટી થશે અને તરલતા વધશે. જો કે, નોટ છાપવા સહિતના વિકલ્પોના ફાયદા-ગેરફાયદા અંગે છણાવટ હજુ થઈ રહી છે. નોટ છાપીને બજારમાં ઠલવાશે તો બજારમાં માંગ અને તેની પુરતીના વિકલ્પો ઉભા થશે. ધંધા-રોજગારને ઉભા
- કરવામાં સફળતા રહેશે. પડતર થઈ ગયેલા વેપાર-ધંધાઓમાં ફરી પ્રાણ ફૂંકાશે.
નોંધનીય છે કે, વધુ પ્રમાણમાં નોટ છાપવાથી ફૂગાવો વધી શકે છે. અલબત અમુક ટકાનો ફૂગાવો પણ દેશ માટે જરૂ રી છે. વર્ષો પહેલા જાપાનમાં ફૂગાવો ઝીરો ટકા થઈ ગયો હતો જેના પરિણામે જાપાન સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે વધુ પ્રમાણમાં ભંડોળ અર્થતંત્રમાં ઠાલવી આગામી સમયમાં કેસ રિઝર્વ રેશિયો વધારવાનો નિર્ણય લઈ શકાય જેનાથી અત્યારે જે ભંડોળ અર્થતંત્રમાં ગયું છે તે બેંકમાં પરત ફરે ત્યારે તેને રિઝર્વ રાખી શકાય. આ ઉપરાંત સરકાર રેપોરેટ પણ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. અનેક રીતે અર્થતંત્ર ઉપર થનારી અસરોને ટાળી શકાય છે.
લોકડાઉન ખુલતાની સાથે જ જે સમસ્યાનો સામનો કરવાનો થશે તેનો સૌથી સરળ ઈલાજ નાણાને અર્થતંત્રમાં ઠાલવવાનો છે. નાણા અર્થતંત્રમાં ઠાલવવા માટે વધુ પ્રમાણમાં નોટ છાપવી પડશે જેની આડઅસર લાંબાગાળે જોવા મળશે. જો કે, તે અસરને ખાળવા માટે પણ ઉપાયો છે.
- લોકડાઉનની અસર ઓછી કરવા ૬ લાખ કરોડના પેકેજની તૈયારી કરવી પડશે
મહામારી સામે લડવા માટે લાદવામાં આવેલા લોકડાઉનની ઘેરી અસરો દેશના ઉદ્યોગ-ધંધાને થઈ છે. આ અસરોનો પ્રભાવ લોકડાઉન ઉઠાવી લીધા બાદ પણ લાંબા સમય સુધી રહેશે. માટે સરકાર આગામી સમયમાં ૬ લાખ કરોડ રૂ પિયાના પેકેજની તૈયારી કરી રહી હોય તેવું જાણવા મળે છે. તાજેતરમાં એસોકેમના સેક્રેટરી જનરલ દિપક સુડ દ્વારા પણ અર્થતંત્રને નવા પેકેજની જરૂ ર હોવાના સંકેતો અપાયા હતા. હાલ દેશના કેટલાક વિસ્તારોમાં ફરીથી ઉત્પાદન એકમો શરૂ થઈ શકે તે માટેની કવાયત થઈ રહી છે. અલબત લોકડાઉન ખુલ્યા બાદ જે અસરો ઉદ્યોગો પર થશે તેને ખાળવી પણ જરૂ રી છે. શ્રમિકોને ફરીથી જોડવા, ક્રેડીટ વધારવી, ફરીથી વ્યવસ્થાઓ ગોઠવવા પાછળ લાગનારો સમય તમામ દિશાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બની ગયું છે.
- ‘બેક ટુ બિઝનેસ’ સામે ઘણા પડકારો પણ આર્થિક રણનીતિ સફળતા અપાવે તેવી આશા
મહામારીને દેશવટો આપ્યા બાદ ઉદ્યોગોની સ્થિતિ થાળે પડતા વાર લાગશે. વર્ક ફોર્સ (શ્રમિકો)નો પ્રશ્ર્ન ઉભો થશે. આ ઉપરાંત માંગ અને ઉત્પાદન વચ્ચે રહેલો ગેપ પણ મહદઅંશે અસર કરશે. લોકો લાંબા સમયથી વર્ક ફોર્મ હોમ કરી રહ્યાં છે. અલબત વર્ક ફોર્મ હોમ તમામ સેકટરમાં શકય બન્યું નથી. લોકડાઉન બાદ માંગમાં ઘટાડો થઈ શકે તેવું પણ માનવામાં આવે છે. આવા સમયે મહામારીને નાબૂદ કર્યાના થોડા સમયમાં ઉદ્યોગોને ઉભા થવું મુશ્કેલ છે. જો કે, આ મુશ્કેલી આર્થિક રણનીતિ ઘડીને ઓછી કરી શકાય છે. દવાઓ, સેલફોન, મોબાઈલ ટેરીફ અને હાઈઝેનિક પ્રોડકટ સહિતના કેટલાક ક્ષેત્રો એવા છે. જેની માંગ તો બરકરાર રહેશે પરંતુ અમુક સેકટર એવા છે જેની માંગ તુરંત ઉભી થશે નહીં, લાંબો સમય લાગશે.
- ટોચના અર્થતંત્રો પણ તરલતા લાવવા કરી રહ્યાં છે મથામણ
અમેરિકાના ફેડ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૦૮ની મંદી સમયે સુધારાના જે નિર્ણય લેવાયા હતા તેવા નિર્ણય ફરીથી લેવાશે તેવી ધારણા છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે વર્તમાન સમયે બોન્ડ ખરીદી માટેના ધારા-ધોરણો સદંતર હળવા કરી દીધા છે. હવે યુરો ઝોનનો કોઈપણ દેશ બોન્ડની ખરીદી કરી શકે છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા સરકારને થોડા સમય માટે નાણા ધીરવાની તૈયારી બતાવાઈ છે. આ ઉપરાંત બેંક ઓફ જાપાન પણ ત્યાંની સરકારના ગમે તેેટલા બોન્ડ ખરીદવા તૈયાર થઈ ચૂકી છે. એકંદરે ટોચના દેશોની સરકારો પોતાના અર્થતંત્રને બચાવવા માટે ઉંધામાથે થઈ હોવાનો ઘાટ ઘડાયો છે.