અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીનાં સંશોધકોને ઉધઈનો એક સદગુણ ધ્યાને આવ્યો છે. આ સદગુણ એવો છે કે કદાચ ભવિષ્યમાં ખાસ કરીને જયાં રણની સરહદ સમાપ્ત થતી હોય અને આંશિક રણ અને આંશિક ભીનાશવાળી જમીન હોય ત્યાં રણને આગેકૂચ કરતું અટકાવવા ઉધઈના રાફડા સામે ચાલીને વસાવવાના વિકલ્પ પણ વિચારવામાં આવે તો નવાઈ નહીં.
કચ્છનું નાનું રણ અમદાવાદ નજીકના વિરમગામથી ખાસ દૂર નથી અને જે રીતે હરિયાળી ઘટી રહી છે તથા ભુગર્ભજળ પણ ખારું બની રહ્યું છે તે જોતાં ભવિષ્યમાં આ રણ અમદાવાદની દિશામાં આગળ વધી શકે છે. પરંતુ પ્રિન્સટન યુનિવર્સિટીનાં સંશોધનને જોતા એવું પણ બની શકે કે ભવિષ્યમાં કચ્છના રણને આગળ વધતું અટકાવવા ઉધઈની મદદ લેવામાં આવે.
ઉધઈના રાફડા જે તે વિસ્તારની જમીનો પર કલાઈમેટ ચેન્જની તીવ્રતા ઘટાડે છે. આફ્રિકા, સાઉથ અમેરિકા કે એશિયામાં ઘાસના મેદાનો કે સુકા પ્રદેશોમાં પણ એવું જોવા મળ્યું છે કે ઉધઈના રાફડા જમીનમાં પોષક પદાર્થો અને ભેજને સાચવી રાખે છે. બાદમાં આંતરિક માર્ગો દ્વારા તે આ જમીનને ભીંજવવા માટે પાણીને પણ પહોંચવા દે છે. તેના કારણે રણ વિસ્તારમાં ફેરવાઈ જવાનું જોખમ ધરાવતી જમીન પર પણ કંઈને કંઈ લીલોતરી ઉગતી રહે છે અને આ રીતે આ જમીન સાવ સુકકાભઠ્ઠ રણમાં ફેરવાય તે પ્રક્રિયા ધીમી પડી જાય છે. જે જગ્યા પર ઉધઈના રાફડા ના હોય તેની સરખામણીએ ઉધઈના રાફડા ધરાવતી જગ્યા પર નહીંવત વરસાદના સંજોગોમાં પણ જમીન સુકકી ભઠ્ઠ થતાં બચે છે.
પ્રિન્સટન યુનિવર્સિટીનાં ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશનરી બાયોલોજી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર કોરિના ટારનિટાના જણાવ્યા અનુસાર ઉધઈના રાફડા બીજ અને છોડમાં જીવન જાળવી રાખે છે. આથી, જયારે પણ વરસાદ પડે ત્યારે આસપાસના વિસ્તારોમાં લીલોતરીનો વ્યાપ ઝડપથી વધે છે. વરસાદ ઓછો વધતો પડયો હોય તો પણ ઉધઈના રાફડા વરસાદી પાણીને જમીનમાં વધુ સારી રીતે શોષાવા દે છે આથી આ રાફડા આસપાસ લીલોતરી એવી રીતે છવાય છે જાણે વધારે વરસાદ પડયો હોય.