ડોલર સામે રૂપિયો મજબૂત: મિડ અને સ્મોલ કેપમાં લેવાલી; સતત ત્રીજા દિવસે તેજીથી રોકાણકારોને હાશકારો
કોરોના મહામારી વચ્ચે દેશના અર્થતંત્ર સુધારવા સરકાર દ્વારા લેવાયેલા પગલાના કારણે શેરબજારમાં હાશકારો જોવા મળે છે. પરિણામે સતત ત્રીજા દિવસે પણ બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૮૨૨ પોઈન્ટ એટલે કે ૨.૫૩ ટકાના ઉછાળા સાથે ૩૩૫૫૫ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. આજે સેન્સેકસ ૩૩૭૭૮ની સપાટીને ટચ થયો હતો. દરમિયાન નિફટીમાં પણ તેજી છે.
વર્તમાન સમયે નિફટી-ફીફટી ૨૪૯ પોઈન્ટ એટલ કે ૨.૬૧ ટકાના ઉછાળા સાથે ૯૮૦૧ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બેંક નિફટીમાં પણ ૩.૬૨ ટકા એટલે કે, ૭૬૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. બેંક નિફટી હાલ ૨૧૮૫૬ની સપાટીએ ટ્રેડ થઈ છે. આજે મિડકેપ, સ્મોલકેપમાં ભારે લેવાલી જોવા મળી છે. નિફટી-ફીફટીના ટોચના શેરોમાં ટાટા મોટર્સ (૧૬ ટકા), હિરો મોટોકોપ (૮.૨૭ ટકા), હિન્દાલકો (૯.૭૨ ટકા), એચસીએલ ટેક (૭.૩૩ ટકા) અને વેદાન્તા (૯.૯૮ ટકા) સહિતના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટસ, એચયુએલ અને સનફાર્મા સહિતના શેરમાં નરમાશ જણાય રહી છે.
આજે બેન્કિંગ અને ફાયનાન્સ સેકટરમાં ઉછાળો જોવા મળ્યો છે. ટેકનોલોજી તથા ઓઈલ એન્ડ ગેસમાં પણ લાંબા સમયે લેવાલીનો માહોલ સર્જાયો છે. પરિણામે શેરબજાર આજે ૧૦૦૦ પોઈન્ટ સુધી ઉછળવામાં સફળ રહ્યું છે.
શેરબજારમાં લાંબા સમયે સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્ર્વિક સ્તરે કોરોના મહામારીના સંક્રમણના કારણે ભયંકર મંદી જોવા મળી રહી હતી. ચીન, અમેરિકા સહિતના દેશોના અર્થતંત્ર પર કોરોના વાયરસે ગંભીર અસરો પાડી હતી. ઈમ્પોર્ટ, એકસ્પોર્ટ સેકટર તો જાણે સદંતર બંધ થઈ ગયું હોય તેવા હાલ છે. આવા સંજોગોમાં પણ આગામી સમયમાં ભારતીય અર્થતંત્ર માટે રહેલી તકોની દુરંદેશીના કારણે શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યાં છે. ઉપરાંત ડોલર સામે રૂપિયો પણ આજે મજબૂત થયો છે.