ભાવનગર જિલ્લામાં પણ અચાનક વાતાવરણ પલ્ટાયુ: બાબરા, કોટડાપીઠા, વલ્લભીપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે ઝાપટા
એકબાજુ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાતા રાજ્યભરમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી સક્રિય થઈ છે. આજે અમરેલી, ભાવનગર, સાવરકુંડલા સહિતના પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને બાબરા તેમજ સાવરકુંડલાના વંડા ગામે બપોરે વરસાદ વરસ્યો હતો.
એકાએક વાતાવરણમાં પલટો આવતા કાળા વાદળો છવાયા હતા. અને સાવરકુંડલાના વંડા ગામે તો રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા બે દિવસ પહેલા સૌરાષ્ટ્રના ઘણાખરા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આગાહી કરી હતી. જે મુજબ આજે અમરેલી, ભાવનગર અને સાવરકુંડલા સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેમજ વલ્લભીપુરમાં પણ આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ આજે બપોરના ૨ વાગ્યા બાદ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિતના પંથકમાં વાતાવરણમાં પલ્ટો થતાં એકાએક કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને બાબરા તેમજ વંડા ગામે વરસાદી છાંટા અનુભવાયા હતા તેમજ મહુવા ગામે પણ છાંટા જોવા મળ્યા હતા. ભારે પવન સાથે અચાનક જ વરસાદ વરસી પડતા લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી હતી.
એકબાજુ કોરોનાનો કહેર અને બીજીબાજુ અસહ્ય ગરમીથી લોકો ત્રાસી ગયા છે ત્યારે અચાનક ભાવનગર, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા લોકો ખુશ ખુશાલ થયા હતા અને કોટડાપીઠા, પીડ અને વલ્લભીપુર પંથક તેમજ મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ વખતે વરસાદી સારો થાય તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને એપ્રિલ માસમાં જ પ્રિ-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થઈ ચૂકયો હોય તેથી વધુ વરસાદ થવાને લીધે જગના તાતને પણ આર્થિક રીતે ફાયદો થાય તેવી શકયતા વર્તાઈ રહી છે.