રાજ્યમાં વધુ ૧૯ કોરોનાગ્રસ્ત દર્દીએ દમ તોડયા : દેશના ૧૯% મોત માત્ર ગુજરાતમાં
અમદાવાદમાં સતત પોઝિટિવ કેસ અને મૃત્યુના આંકડાઓમાં વધારો : એક દિવસમાં ૧૬૪ પોઝિટિવ, ૧૯ ના મોત
રેડઝોન જાહેર કરાયેલા સિવાયના જિલ્લામાં પણ કોરોના બેકાબુ : આણંદમાં વધુ ૧૨ પોઝિટિવ
રાજકોટ શહેરમાં રેડઝોન તરીકે ઉભરેલા જંગલેશ્વર વિસ્તારમાં કોરોના જોખમી ગતિએ વધી રહ્યો છે. ગઈ કાલે એક સાથે ૮ પોઝિટિવ કેસ આવ્યા બાદ આજ રોજ વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૫૯ પર પહોંચી છે. રાજ્યમાં કોરોનાએ ફફડાટ મચાવી છે. દેશના કુલ મૃત્યુના ૧૯% મૃત્યુ માત્ર ગુજરાતમાં જ નોંધાયા છે.અત્યાર સુધી રાજ્યમાં ૧૮૧ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં ગઈ કાલે માત્ર અમદાવાદમાં જ ૧૯ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓએ દમ તોડ્યા હતા. અમદાવાદમાં ગઈ કાલે વધુ ૧૬૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૧૨૮ લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૪૦ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી રજા અપાઈ હતી. અત્યાર સુધી કુલ ૪૩૪ લોકો સાજા થયા છે. આણંદમાં એક જ દિવસમાં વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૭૭ પર પહોંચી છે.
રાજકોટમાં કોરોના વાયરસના સતત વધતા જતા કેસને ધ્યાન માં રાખી જંગલેશ્વર વિસ્તારને રેડઝોનમાં સામીલ કરવામાં આવ્યો છે. જંગલેશ્વર કોરોના જોખમી ગતિએ સતત વધતા જતા પોઝિટિવ કેસ સામે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. રેડઝોન વિસ્તારમાંથી ૬૦ જેટલા લોકોને કોરેન્ટાઇન કરી તેમના સેમ્પલ લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાંના ૮ લોકો ગઈ કાલે પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજ રોજ આવેલા રિપોર્ટ માં વધુ ૩ લોકોને કોરોના પોઝિટિવ આવતા તેમને ફેસિલિટી આઇશોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૯ પર પહોંચી છે. યુનિવર્સિટી રોડ પર સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઇન કરવામાં આવેલા ૧૦૦થી વધુ લોકોમાંથી સતત કોરોના પોઝિટિવ નો આંકડો વધતો રહ્યો છે. બે દિવસમાં કોરેન્ટાઇન કરાયેલા લોકોના સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા વધુ ૧૦ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.અત્યાર સુધી રાજકોટમાં ૧૫ કોરોનાગ્રસ્ત લોકોએ વાયરસને મ્હાત આપી છે.
રાજકોટમાં આજ રોજ આવેલા વધુ ૩ પોઝિટિવ કેસમાં જંગલેશ્વરના ગત તા. ૧૮ના કોરોના પોઝિટિવ દર્દી અને સામાજિક કાર્યકર્તા હબીબમિયા સૈયદના સંક્રમણમાં આવતા તેમના પત્ની રેશ્માબેન પણ કોરોનાની ઝપટમાં આવી જતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વધુ બે દર્દીઓમાં જંગલેશ્વરના જ ૫૫ વર્ષીય ઇબ્રાહિમભાઈ કાસમભાઈ બાડી અને ૧૪ વર્ષનો તરૂણ પરવેઝ હુસૈનભાઈ પટાણી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મોતમાં સતત વધારો થતો રહ્યો છે. ગઈ કાલેથી રાજ્યમાં વધુ ૨૪૪ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૭૯૨ સુધી પહોંચી છે. જ્યારે એક દિવસમાં વધુ ૧૯ લોકોના કોરોનામાં ભોગ બનતા કુલ મૃત્યુઆંક ૧૮૧ પર પહોંચ્યો છે. જે ભારતભરમાં નોંધાયેલા કુલ ૯૩૭ મોત માંથી માત્ર ગુજરાતમાં જ ૧૮૧ એટલે કે ૧૯% મોત નોંધાયા છે. રાજ્યમાં હાલ અમદાવાદ, સુરત અને વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતી રહી છે. ત્રણ મહાનગરોમાં જ પોઝિટિવ કેસ ૩૩૦૦ જેટલા આવ્યા છે. જ્યારે હોટસ્પોટ જાહેર કરાયેલા પાંચ જિલ્લાઓ પૈકી આણંદ માં પણ સતત પોઝિટિવ કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે. ગઈ કાલે આણંદમાં વધુ ૯ અને આજ રોજ વધુ ૧૨ પોઝિટિવ કેસ સાથે કુલ ૭૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં પણ પોઝિટિવ કેસમાં વધારો થતાં કુલ આંક ૬૦૦ની નજીક પહોંચવા આવ્યો છે. વડોદરામાં વધુ ૧૫ કેસ પોઝિટિવ સાથે આંકડો ૨૫૦ને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ ૯ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદ કોરોના કોવિડ ૧૯ ના એપિસેન્ટર બની જતા છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં રોજ ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. ગઈ કાલે વધુ ૧૬૪ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા ૩૭૮૦ કેસમાંથી માત્ર અમદાવાદમાં જ ૨૫૪૩ કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કોરનાની પરિસ્થિતિ બેકાબુ થઈ હોય તેમ લોકડાઉન, કરફ્યુ, સધન સર્વેલન્સ અને વધુ ને વધુ ટેસ્ટ કરાવા છતાં પણ અમદાવાદમાં પોઝિટિવ કેસ અને મૃત્યુનો આંકડો સતત વધતો રહ્યો છે. ગઈ કાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૧૯ દર્દીઓના મોત થી હાહાકાર મચી જવા પામ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા વ્યાપ સાથે અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ અને ભાવનગરને રેડઝોનમાં જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ પરિસ્થિતિ વધુ વણસી રહી હોય તેમ રેડઝોનમાં ન આવતા આણંદમાં પણ કોરોનામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી રહી છે. ગઈ કાલે ૯ પોઝિટિવ કેસ બાદ આજ રોજ વધુ ૧૨ કોરોના વાયરસની ઝપેટમાં આવતા કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૭૭ પર પહોંચી છે.