શેઇમ શેઈમ… સંવેદનશીલ કહેવાતી ગુજરાત સરકારની સંવેદનશીલતા ક્યાં ખોવાઈ?
કચ્છના તૃણા બંદરેથી છેલ્લા ત્રણ દિવસમાં ૧૨૫૦૦ ઘેટાં- બકરાની અખાતી દેશોમાં નિકાસ : પશુઓને ૧૪ દિવસ ક્વોરોન્ટાઇન કરવાનો પરિપત્ર છતાં તેનું ઉલ્લંઘન કરીને ૩ જહાજ મોકલાઈ, જીવદયા પ્રેમીઓએ સુપ્રીમમાં જવાની તૈયારી દર્શાવતા પરિપત્ર જ ફેરવી નખાયો
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ઘેટાં- બકરા ગુજરાતમાં લઇ આવવા હાલના સમયમાં અત્યંત જોખમી, બીજી બાજુ હૂંડિયામણની ભૂખ સંતોષવા આટલી મોટી સંખ્યામાં પશુઓની બલી :વિજયભાઈનો જીવદયા પ્રેમ ક્યાં વિસરાયો?
કચ્છના તૃણા બંદરેથી હાલની કોરોનાની મહામારી વચ્ચે પણ ઘેટાં બકરાની મોટાપાયે નિકાસ થઈ રહી છે. જેથી સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી તે કહેવત મુજબ રૂપાણી સરકારની માસ- મટનનો વેપલો કરવાની નીતિ સમગ્ર રાજ્ય માટે ખતરારૂપ બનવાની છે. હાલની મહામારીમાં સરકારે વિદેશી હૂંડીયામણની એવી શુ જરૂર પડી કે જીવતા પશુઓનો વેપલો નિયમોના ઉલ્લંઘન સાથે પ્રજાના આરોગ્યના ભોગે શરૂ કરવો પડ્યો. હાલ તો આ ઘટના અનેક તર્ક વિતર્ક સર્જી રહી છે. અને રૂપાણી સરકારની આ નીતિ સામે વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે.
કચ્છનાં તૃણાબંદરેથી છેલ્લા ઘણા સમયથી ઘેટા-બકરાની નિકાસ કરવામાં આવી રહી છે જેનાં વિરોધમાં જીવદયાપ્રેમીઓ ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે તેમ છતાં આ નિકાસ યથાવત રહી છે તેમાં પણ હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય આ નિકાસ સમગ્ર રાજયનાં લોકો માટે જોખમી નિવડે તેમ હોવા છતાં પણ આ નિકાસ ચાલુ રાખવામાં આવતા જીવદયાપ્રેમીઓ તેમજ જાગૃત નાગરિકોમાં ભારોભાર રોષની લાગણી પ્રવર્તીત છે. આ ઘટનાથી સંવેદનશીલનું બિરુદ ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંવેદનહિન ચિતરવામાં આવી રહ્યા છે.
જીવદયાપ્રેમીઓનાં જણાવ્યા મુજબ તૃણાબંદરેથી ઘેટા-બકરાની અઘાટી દેશોમાં નિકાસ કરવા અંગે ગત તા.૨૩નાં રોજ દિનદયાલ પોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે, જે પશુઓની નિકાસ કરવાની છે તેણે સલામતીનાં ભાગરૂપે ૧૪ દિવસ કોરોન્ટાઈન કરવાના રહેશે. આ સરકયુલેશનનું ઉલ્લંઘન કરીને ગત તા.૨૭નાં રોજ બે શીપમાં ૫ હજાર ઘેટા-બકરા તૃણાબંદરેથી રવાના કરવામાં આવ્યા હતા બાદમાં તા.૨૮નાં રોજ એક શીપમાં ૨૫૦૦ ઘેટા બકરા રવાના કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ જીવદયાપ્રેમીઓએ સુપ્રીમમાં જવાની ચીમકી ઉચ્ચારતા તુરંત જ સરકયુલેશનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો અને એવું જણાવાયું હતું કે, હવે ઘેટા-બકરાને નહીં પરંતુ જે ખલાસીઓ સહિતનો સ્ટાફ શીપમાં જાય તેને કોરોન્ટાઈન કરવાના રહેશે. આમ જીવદયાપ્રેમીઓનો વિરોધ ઉઠતા તુરંત જ સરકયુલેશનમાં ફેરફાર કરી દેવાયો હતો અને જુના સરકયુલેશનનું ઉલ્લંઘન કરીને ૭૫૦૦ જેટલા ઘેટા-બકરાઓની નિકાસ પણ કરી દેવામાં આવી હતી.
હાલ એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ રૂપાણી સરકાર જીવતા પશુઓનો વેપલો કરીને વિદેશી હુંડિયામણ લાવવા મથી રહી છે જે સમગ્ર રાજયને કોરોનાનાં ખપ્પરમાં હોમી દે તેવી ભીતિ સેવાઈ રહી છે. સરકારની આ લાલચ રાજયનાં લોકો માટે જોખમરૂપ બની છે. એક સાથે ૫ હજાર ઘેટા બકરાઓ બીજા રાજયમાંથી લઈ આવવા તે જોખમી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ઘેટા બકરા જો કોરોનાથી સંક્રમિત થયેલા હોય તો કેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવે તેની કલ્પના કરવી પણ અશકય છે માટે જીવદયાપ્રેમીઓ ઉગ્ર રીતે માંગ ઉઠાવી રહ્યા છે કે, વિદેશી હુંડિયામણની લાલચે સરકાર દ્વારા કરવામાં આવી રહેલો જીવતા પશુઓનો વેપલો તુરંત બંધ કરવામાં આવે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખરાઅર્થમાં પોતાની સંવેદનશીલતાનો પરચો બતાવે.
૪ વ્યક્તિઓને ભેગા થવા તેમજ જિલ્લા ફેર ઉપર પ્રતિબંધ, બહારના રાજ્યમાંથી એક સાથે હજારો પશુઓ લઈ આવવાની છૂટ!!!
રાજયમાં ૪ વ્યકિતઓને ભેગા થવા ઉપર તેમજ જિલ્લા ફેર કરવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે પરંતુ બહારનાં રાજયોમાંથી એક સાથે હજારોની સંખ્યામાં પશુઓની અવર-જવર કરાવવા કોઈપણ જાતની રોક લગાવવામાં આવી નથી. સરકારનો આ મનઘડત નિર્ણય સમગ્ર રાજયને મોંઘો પડી શકે છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારી વચ્ચે આટલી મોટી સંખ્યામાં પશુઓની અન્ય રાજયોમાંથી હેર-ફેર કરાવવી સરકારની લાપરવાહી દર્શાવે છે.
પરિપત્રમાં કરાયેલો વિવાદીત ફેરફાર તપાસનો વિષય
દિનદયાલ પોર્ટ દ્વારા અગાઉ પશુઓને ૧૪ દિવસ કોરોન્ટાઈન કરવાનો સરકયુલેશન બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આ સરકયુલેશનનું ઉલ્લંઘન થતા જીવદયાપ્રેમીઓએ વિરોધ ઉઠાવ્યો હતો પરંતુ પશુઓની નિકાસ કરવાની ઉતાવળને કારણે પશુઓને ૧૪ દિવસ કોરોન્ટાઈન કરવાનું શકય ન હોય પોર્ટ દ્વારા તુરંત જ સરકયુલેશનને ફેરવી નાખીનેે પશુઓને બદલે શીપનાં સ્ટાફને કોરોન્ટાઈન કરવાનું જાહેર કરાયું હતું. આ સરકયુલેશનમાં વિવાદીત રીતે જે ફેરફાર કરવામાં આવ્યો તે પણ તપાસનો વિષય બને છે.
તૃણા બંદરેથી થતી પશુઓની નિકાસે રાજ્ય સરકારની સંવેદનશીલની છબી ઉપર લગાવ્યો દાગ
તૃણા બંદરેથી છેલ્લા ઘણા સમયથી જીવતા પશુઓની નિકાસ થઈ રહી છે. અખાતી દેશોમાં અહીંનાં ઘેટા-બકરાની ભારે ડિમાન્ડ હોય સરકાર પણ વિદેશી હુંડિયામણની લાલચમાં જીવતા પશુઓનો બેફામ વેપલો કરી રહી છે. જોકે અગાઉનાં અમુક નિર્ણયોનાં કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરુદ મળ્યું છે પરંતુ તૃણાબંદરની આ ઘટનાથી સંવેદનશીલ મુખ્યમંત્રીની સરકાર ઉપર મોટો દાગ લાગ્યો છે.
અખાતી દેશો પણ બુદ્ધિના બારદાન, અહીંના હેલ્થ સર્ટિફિકેટ ઉપર વિશ્ર્વાસ કરે છે!!
અખાતી દેશો પણ જાણે બુદ્ધિનાં બારદાન હોય તેમ કોરોનાની મહામારી વચ્ચે પણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ઘેટા-બકરાઓ મંગાવીને તેની મીઝબાની માણે છે.
આશ્ર્ચર્યની વાત તો એ છે કે અખાતી દેશો અહીંનાં હેલ્થ સર્ટીફીકેટનાં આધારે અહીંનાં ઘેટા-બકરાને તંદુરસ્ત માને છે. તેઓને હકિકત ખબર નથી કે અહીં બોગસ સર્ટીફીકેટ બનાવવાની માસ્ટરી છે. આમ કોરોનાનાં કહેર વચ્ચે અખાતી દેશો પોતાની પ્રજાનાં જીવને જોખમમાં મુકીને અહીંથી ઘેટા-બકરા મોટી સંખ્યામાં મંગાવીને તેને આરોગી રહ્યા છે.