સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ઉપર એક મહામાનવનો જન્મ થયો અને એ સંત જેવું જીવન જીવી ગયાં. એ મહામાનવ, દાનવીર, જૈન શ્રેષ્ઠિ, ભારત ભામાશા પુ. દીપચંદભાઇ ગારડીનો આજે ૧૦૬મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર આજે પણ તેને ભાવથી યાદ કરે છે. ૨૫ એપ્રિલ ૧૯૧૫માં પુ. દીપચંદભાઇનું વતન પડઘરી હતું પણ આ માને સમગ્ર ભારતને પોતાનું વતન ગણી જયાં જરૂર જણાય ત્યાં દીન દુ:ખીયાની સેવા કરી ભારતભરનાં અસંખ્ય રાજયોમાં આજે પણ પુ. દીપચંદભાઇની સેવા સતત ધબકે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સ્કૂલો, હોસ્પિટલો, મંદીરો, મસ્જિીદો, અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, ધર્મશાળાઓ, છાત્રાલાયો, શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરી પુ. દીપચદભાઇ એક મહામાનવ તરીકે ઉપસી આવ્યા. ગુજરાતનાં ૧૮ હજાર ગામડામાંથી ભાગ્યે જ કોઇ એવું ગામ હશે જયા દીપચંદભાઇ ગારડીએ પોતાના દાનની સરવાણી વહાણી ન હોય. એટલે જ ગુજરાત સરકારે તેને સ્ટેટ ગેસ્ટ જાહેર કરે. પ્રખર જીવદયા પ્રેમી પુ. દીપચંદભાઇ ગારડીનું સુત્ર હતુ જીવો અને જીવવા દો, કુદરતે આપેલ સંપતીનો ખરા અર્થમાં ઉપયોગ કરો, કોઇનાં આંસુ લુંછવામાં નિમીત બનો. આ મહામાનવનું એવું માનવુ હતુ કે સમાજને સુશિક્ષીત બનાવો સમાજ આપોઆપ સમૃધ્ધ બનશે, એટલે જ પુ. દીપચંદભાઇ ગારડીએ અસંખ્ય વિશ્ર્વ વિધાલયોમાં પણ દાનની સરવાણી વહાવી હતી.
મધ્યપ્રદેશનાં ઉજૈન ખાતે રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડીનાં નામની ૧૦૦૦ બેડની હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા પુ. દીપચંદભાઇ ગારડી દ્વારા ઉભી કરવામાં આવી છે. અતિ પછાત અને અંતરીયાળ વિસ્તારમાં મેડીકલ સુવિધા મળી રહે એ માટે ઉભી કરવામાં આવેલ આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. તમામ પ્રકારની સારવાર વિનામુલ્યે દર્દીઓને મળી રહે છે. કદાચ ભારતભરમાં આવી હોસ્પિટલ સૌ પ્રથમ હશે. આજે પણ આ હોસ્પિટલમાં તેમનાં જયેષ્ઠ પુત્ર ડો. રશ્મીકાંતભાઇ ગારડી પોતાની સેવા આપી રહ્યા છે. સૌરાષ્ટ્રનું વિશ્ર્વ વિદ્યાલય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની સખાવત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફોર સ્ટાર યુનિવર્સિટીનો દરજજો અપાવવામાં ગારડીનો સિંહ ફાળો છે. તત્કાલિન કુલપતિ ડો. કનુભાઇ માવાણી અને ત્યાર પછીના કુલપતિઓ સાથે રહી ગારડીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અસંખ્ય ભવનોનું નિર્માણ-આધુનિકરણ કરી કરોડો રૂપિયાનું સખાવત કરી હતી.
આજે કોરોનાનું વિશ્ર્વ વ્યાપી વિકટ પરિસ્થિતિ છે એવા સમયે પૂજય ગારડી હયાત હોય તો ગુજરાતના ગામડે ગામડે સખાવતો કરી પોતાની લક્ષ્મીને છુઠુ હાથે વહેંચી હોત.
સૌરાષ્ટ્રનાં માંગરોળ પાસે આવેલ શારદાગ્રામ સ્થિત ભવ્ય શૈક્ષણિક સંકુલ, મહારાષ્ટ્રનાં સોલાપુર પાસે આવેલ પ્રોસ્ટીટયુટનાં બાળકો માટે બનાવાયેલ આશ્રમ, અમદાવાદ, પુના અને મુંબઇ ખાતેનાં જૈન ભવનો સહીતનાં સેવા પ્રકલ્પો આજે પણ સતત પ્રવૃતિથી ધમધમતા રહે છે. કરોડો લોકોનાં આર્શીવાદ મેળવી ૯૮ વર્ષની જૈફ વયે છેલ્લે સુધી સતત પ્રવૃત રહી આવનારી પેઢીને નવો રાહ બતાડનાર પુ. દીપચંદભાઇ ગારડી આજે હયાત નથી પણ તેને ભાવી પેઢી વર્ષો સુધી યાદ કરશે એ હકકીત છે.
પુ. દીપકચંદભાઇ ગારડીનાં પુત્રો રશ્મીકાંતભાઇ, હસમુખભાઇ પુત્રવધુઓ ચંદ્રીકાબેન, સુરેખાબેન પૌત્રો બીનોય તેમજ હીતેનભાઇ અને સમગ્ર પરિવાર આજે પણ જયાં જરૂર પડે ત્યાં સેવાની જયોત જલતી રાખી તેને વારસામાં મળેલ સંસ્કારોને ઉજાગર કરે છે.
પુ. ગારડી સાથેનાં મારા વ્યક્તિગત વર્ષોનાં સંબધોને યાદ કરી આ યુગપુરૂષને શ્રધ્ધાસુમન કરી કોટી કોટી વંદન કરું છે.