જીટીયુની વિશિષ્ઠ કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની અથાગ મહેનતનું આ પરિણામ છે: આગામી દિવસોમાં પણ અમે જીટીયુના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું: કુલપતિ ડો. નવિન શેઠ
યુનિરેન્ક એક આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક માર્ગદર્શિકા છે, જે વિશ્વભરની યુનિવર્સિટીઓ વિશે વિવિધ સંશોધનો હાથ ધરીને ૨૦૦ યુનિવર્સિટીઓની યાદી પ્રકાશિત કરે છે, જેમાં એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ એમ વિવિધ ખંડ આધારિત તેમજ દેશ આધારિત શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદી મે, ૨૦૦૫થી ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવે છે. મોઝ ડોમેન ઓથોરિટી, એલેક્ઝા ગ્લોબલ રેન્ક, સમાન વેબ ગ્લોબલ રેન્ક, મેજેસ્ટીક રેફરિંગ ડોમેન્સ અને મેજેસ્ટીક ટ્રસ્ટ ફ્લો એવાં પાંચ નિષ્પક્ષ અને સ્વતંત્ર વેબ-મેટ્રિક્સ સહિતના એલ્ગોરિધમ આધારિત યુનિરેન્ક દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવે છે.
તદાનુસાર તાજેતરમાં યુનિરેન્ક દ્વારા ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી(જીટીયુ) ૨૮મા ક્રમે આવી છે. તથા શ્રેષ્ઠ ૨૦૦ ક્રમમાં રાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રથમ ૫૦મા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. ઇચ્છુક લોકો https://www.4icu. org/in/public/ પર આ યાદી જોઈ શકે છે.
આ વિશે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ’આ વિગતો સાચે જ આનંદપ્રદ છે કે જીટીયુએ હવે રાજ્ય નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ આંતરરાષ્ટ્રીય સર્વે મુજબ શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે નામના મેળવી છે. જીટીયુની કાર્યપદ્ધતિ અન્ય યુનિવર્સિટીઓ કરતાં ઘણી અલગ છે. અમે વિદ્યાર્થીહિતમાં સતત સજાગ રહીએ છીએ અને અમારા વિદ્યાર્થી-વાલી સંપર્કમાં ટેક્નોલોજીનો ઉપયોગ મહત્તમ છે. ઓછા સમયમાં વધારે કામ કરીને અમે ભાવિ પેઢીનું માત્ર શૈક્ષણિક નહીં, પણ સામાજિક સ્તરે પણ ઘડતર કરવા કટિબદ્ધ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ૪૦૦થી વધુ કોલેજો અને ૫ લાખથી વધારે વિદ્યાર્થીઓ સાથે રાજ્યની સહુથી મોટી યુનિવર્સિટી હોવાનું ગૌરવ ધરાવે છે. એટલું જ નહીં, કુલપતિ પ્રો. ડો. નવીન શેઠના કાર્યકાળમાં જીટીયુ દિવસ-રાત સતત પ્રગતિના પંથે અગ્રસર રહી છે. રાજ્ય સરકારે આપેલી સો એકર જમીનમાં હાલ જીટીયુનાં વિવિધ ભવનો નિર્માણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે એવામાં આ સમાચારે જીટીયુના અધિકારીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે. સામાન્ય સ્થિતિમાં પણ જીટીયુ હંમેશાં લોકોપયોગી કામોથી લોકચાહનામાં અવ્વલ ક્રમે હતી જ, પરંતુ હાલ લોકડાઉનના સમયમાં પણ વિવિધ ઓનલાઇન વેબિનાર, મેન્ટલ હેલ્થ કાઉન્સિલિંગ, કોરોનાયોદ્ધાઓ માટે માસ્ક અને સેનેટાઇઝર વિતરણ, સંગીત અને સ્વાસ્થ્યનાં કાર્યક્રમો એમ વિવિધ રીતે સતત સમાજ માટે સહાયરૂપ થઈ છે. આમ, શિક્ષણ અને સમાજ એમ બંને પલ્લા સરખાં રાખી તંદુરસ્ત રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતી જીટીયુનું આ મૂલ્યાંકન યથાર્થ છે.