સહારન આફ્રિકન દેશોમાં નિપજતા મોત પૈકી ૯૪ ટકા જેટલા મોત મેલેરીયાથી : ૫ વર્ષથી નીચેના બાળકો પર ગંભીર ખતરો : વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી
વર્તમાન સમયે કોરોના વાયરસની મહામારીથી વિશ્ર્વ ધ્રુજી રહ્યું છે. અલબત કોરોનાની જેમ મેલેરીયા પણ વિશ્ર્વના આરોગ્ય સાથે ગંભીર પ્રકારનો ખતરો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ વર્તમાન સમયે મેલેરીયાના મુદ્દે વિશ્ર્વ આખાને ચેતવ્યું છે. સહારન આફ્રિકન દેશોમાં મેલેરીયાથી હજ્જારો લોકોના મોત થઈ ચૂકયા છે. આવી જ સ્થિતિ વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ઉદભવે નહીં તે માટે સજાગ રહેવાની જર છે. અત્યારે કોરોના વાયરસના કારણે જે રીતે વિશ્ર્વ પગલા લઈ રહ્યું છે તે જોતા મેલેરીયાનો રોગચાળો અનેકનો ભોગ લેશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.
તાજેતરમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ સહારન આફ્રિકન દેશોમાં મેલેરીયાના કારણે ૭.૬૯ લાખ લોકોના મોત નિપજી જશે. કોરોના પાછળ સમગ્ર ધ્યાન કેન્દ્રીત થતાં મેલેરીયા સામેની લડાઈમાં વિક્ષેપ ઉભો થશે. જેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આગામી ૨ વર્ષમાં લાખો લોકોના મોત મેલેરીયાના કારણે થઈ શકે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના વડાના મત અનુસાર આફ્રિકન દેશોમાં મેલેરીયાનો કાળો કહેર જોવા મળશે. આજે વિશ્ર્વ મેલેરીયા દિવસ છે ત્યારે મેલેરીયા દ્વારા ફેલાવાઈ રહેલા કાળા કહેરથી લોકોને માહિતગાર કરવાની જરીયાત ઉભી થઈ છે. આફ્રિકામાં અત્યારે કોવિડ-૧૯ના ૨૭૦૦૦ કેસ છે અને ૧૩૦૦ લોકોના મોત થયા છે. પરંતુ આફ્રિકામાં મેલેરીયાના કેસની સંખ્યા લાખોમાં છે અને અનેક પરિવારો મેલેરીયાનો શિકાર બની ચૂકયા છે. આગામી સમયમાં હજુ પણ મેલેરીયા કોહરામ મચાવશે તેવી ધારણા છે. મેલેરીયા સામાન્ય રીતે પાંચ વર્ષથી નીચેના બાળકોનો ભોગ લેતો હોવાથી સમસ્યા વધુ ગંભીર છે. કોરોના મહામારીના ગંભીર સમયમાં હવે મેલેરિયાના રોગચાળાએ પણ માથુ ઉંચકતા સમગ્ર વિશ્ર્વ સામે મોટી મુશ્કેલી આવીને ઉભી રહી છે. કોરોના ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રિત થશે તો મેલેરિયા અને મેલેરિયા જેવા રોગ લાખો લોકોનો ભોગ લેશે તેવી દહેશત છે.
- ૭.૬૯ લાખ લોકોને મેલેરીયા ભરખી જાય તેવી દહેશત
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરાયેલા આંકડો ચોંકાવનારા છે. સહારન આફ્રિકન દેશમાં કોરોના નહીં પરંતુ મેલેરીયાથી અનેકના મોત થઈ જશે. એક વર્ષના ટૂંકા સમયગાળામાં જો મેલેરીયા પર ધ્યાન નહીં આપવામાં આવે તો ૭.૬૯ લાખ જેટલા લોકોને મેલેરીયા ભરખી જાય તેવી સ્થિતિ છે. આખા વિશ્ર્વને મેલેરીયાના રોગચાળા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ સુચન કર્યું છે.