રોકાણકારોના નાણા બ્લોક: મહામારીના કારણે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેશ પર અસર પડી હોવાનો નિષ્ણાંતોનો મત

ટોચની મ્યુચ્યુઅલ ફંડ કંપની ફ્રેન્કલીન ટેંપલટન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ભારતમાં કોરોના મહામારીના કારણે ૬ ક્રેડીટ ફંડોની સ્કીમ બંધ કરવાનો નિર્ણય લેવાતા રોકાણકારો મુંઝાયા છે. ફ્રેન્કલીન ઈન્ડિયા લોડયુરેશન ફંડ, ફ્રેન્કલીન ઈન્ડિયા ડાયનામીક એક્રુઅલ ફંડ, ફ્રેન્કલીન ઈન્ડિયા ક્રેડીટ રિસ્ક ફંડ, ફ્રેન્કલીન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈન્કમ પ્લાન, ફ્રેન્કલીન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલીન ઈન્ડિયા ઈન્કમ અપોચ્યુર્નીટી ફંડને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

તમામ છ સ્કીમની કુલ એસેટ એટલે કે, એયુએમ રૂા.૨૮૦૦૦ કરોડ જેટલી થાય છે. કંપનીના નિર્ણય બાદ હવે રોકાણકારો અત્યારે નાણા ઉપાડી શકશે નહીં. હા વર્તમાન સમયે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં પૈસા ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. બીજી તરફ કેટલાક સ્થળે ખોટા રોકાણ થયાનો આક્ષેપ થાય છે. પરિણામે કંપનીએ મહત્વની સ્કીમ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

વર્તમાન સમયે દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ટોચની ૪૦ કંપનીઓમાં ફ્રેન્કલીન ટેમ્પલેટનનો ૮મો ક્રમ છે. જેની કુલ એયુએમ ૧૧.૬ લાખ કરોડ રૂપિયા છે. અલબત ૬ સ્કીમ બંધ કરવાના કારણે એયુએમમાં ૨૮૦૦૦ કરોડનો ઘટાડો થઈ રહ્યો છે. આ ૬ સ્કીમ સીવાય અને તમામ ફંડ, ઈક્વિટી, આઈબ્રીડ સહિતના રોકાણોમાં કોઈપણ જાતનો પ્રભાવ પડશે નહીં. તા.૨૩ એપ્રીલથી જ કંપનીએ પોતાનો કેટલોક કારોબાર સંકેલી લીધો હતો.

રોકાણકારોના નાણા લોક

ફ્રેન્કલીન ટેંપલટન ફિકસ ઈન્કમ ઈન્ડિયાના સીઈઓ સંતોષ કામોથના કહેવા મુજબ વર્તમાન સમયે મ્યુચ્યુઅલ ફંડની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ છે. અંડર લાઈન સિક્યુરીટી મજબૂત બને તેની તાતી જરૂર છે. વર્તમાન સમયે કંપનીના નિર્ણયના કારણે રોકાણકારોના નાણા લોક થઈ ચૂકયા છે. ટૂંક સમયમાં ફ્રેન્કલીન ટેંપલટન હાઉસ દ્વારા આ નાણા ચૂકવવામાં આવશે તેવું જાણવા મળે છે.

કંપનીનું રોકાણ વોડાફોન-આઈડિયા અને યશ બેંકમાં હતું !

કંપની દ્વારા ૬૨.૮ ટકા એસેટ એ રેટીંગ ધરાવતા બોન્ડમાં રોકી રખાઈ હતી. જ્યારે અન્ય ૪૫.૭૬ ટકા એસેટ ડબલ એ રેટીંગ ધરાવતા બોન્ડમાં રોકાઈ હતી. પરિણામે વર્તમાન સમયે લીકવીડીટીની સમસ્યા ઉભી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ફંડના પોર્ટફોલીયો વેલ્યુમાં ઘટાડો થતા કંપની ઉપર મુશ્કેલીના વાદળો ઘેરાયા હતા. કંપનીનું રોકાણ વોડાફોન, આઈડીયા અને યશ બેંક જેવા શેરમાં પણ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.