વિશ્વને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા વિકાસશીલ દેશોના રૂ.૭૫ લાખ કરોડનું દેણું માંડવળ કરવું જરૂરી

વિશ્વના ૬૪ દેશોના અર્થતંત્ર ઉપર તોળાતુ ભયંકર મંદીનું જોખમ : આર્થિક વ્યવસ્થા પડી ભાંગે તેવી દહેશત

મહામારી વચ્ચે વિકાસશીલ દેશોના અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. લાંબા સમયથી અર્થતંત્રને પાટે ચડાવવા મથામણ કરતા વિકાસશીલ દેશો ઉપર રૂ .૭૫ લાખ કરોડનું તોતીંગ દેવુ છે અને આ દેવુ કોઈપણ સંજોગોમાં ચૂકતે કરી શકાય તેમ નથી. પરિણામે આગામી સમયમાં વૈશ્ર્વિક અર્થતંત્રને મુશ્કેલીમાંથી બહાર કાઢવા આ રકમની માંડવાણ કરવી જરૂરી હોવાનું યુનાઈટેડ નેશનની યુએનસીટીએડી દ્વારા જણાવાયું છે.

લાંબા સમયથી વિકાસશીલ અર્થતંત્ર ઉપર દેવાનું ભારણ હતું. ઓઈલ અને કોમોડીટી એકસ્પોર્ટના કારણે સ્થાનિક કરન્સી ઉપર દબાણ સર્જાતું હતું. દરમિયાન હેલ્થકેર પાછળ વધુ ભંડોળ ખર્ચાઈ જતુ હતું. પરિણામે અર્થતંત્રના રક્ષણની મુશ્કેલીઓ ઉભી થઈ હતી. વિશ્ર્વમાં ૬૪ એવા દેશ છે જેમનો ખર્ચો તેમના દેણા કરતા પણ વધુ હતો. આવા સંજોગોમાં હવે કોરોના વાયરસના કારણે દેવામાં રહેલા દેશોની હાલત ખરાબ થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં મોટુ અર્થતંત્ર ધરાવતા વિકાસશીલ દેશોનો ખર્ચો ૨ થી ૨.૩ ટ્રીલીયન ડોલરે પહોંચી ગયું છે.

આગામી સમયમાં વૈશ્ર્વિક કક્ષાએ કથળેલી અર્થ વ્યવસ્થાને ફરીથી પાટે લાવવા માટે જી-૨૦ સહિતના સંગઠનો દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક પગલા લેવામાં આવે તે જરૂરી છે. જી-૨૦ને વિશ્ર્વના ૨૦ સમૃધ્ધ રાષ્ટ્રોનું સંગઠન ગણવામાં આવે છે. આવા સંગઠનો અથવા તો વિશ્ર્વ બેંક સહિતની બેંકો પાસેથી લોન લેનાર વિકાસશીલ દેશો ઉપર રૂ.૭૫ લાખ કરોડનું દેવું થઈ ચૂકયું છે. આગામી સમયમાં આ દેવુ માંડવાણ કરવાની જરૂર હોવાનું યુએનની એજન્સીનું કહેવું છે. કોરોનાના મહામારીના કારણે વિશ્ર્વના માત્ર વિકાસશીલ નહીં પરંતુ વિકસીત દેશો પણ આર્થિક સંકટમાં મુકાય તેવી ભીતિ છે. અમેરિકા જેવા જગત જમાદારને પણ કોરોના વાયરસે ઘુંટણીએ પાડી દીધું છે. બ્રિટનમાં પણ સ્થિતિ ખરાબ છે. વિશ્ર્વના સૌથી ઝડપી અર્થતંત્ર પૈકીના ચીન અને ભારતના અર્થતંત્રને ગંભીર નુકશાન કોરોનાએ પહોંચાડયું છે. આવા સંજોગોમાં લાંબા સમયથી દેવામાં રહેલ દેશોની હાલત વધુ કપરી થઈ ચૂકી છે. હવે દેવુ વસુલવાની જગ્યાએ માડવાણ કરવી જરૂ રી હોવાનું ટોચની સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.