“ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી અને ઈંગ્લીશ દારૂ ભરેલુ વાહન વિધાયકના ફાર્મહાઉસ નજીકથી પકડાયું, આખરે વિધાયકની ટિકિટ તો કપાઈ જ ગઈ!”
પીઆઈ જયદેવ રાજકોટ શહેરમાં બે ત્રણ વર્ષ પહેલા ગોધરા કાંડને અનુસંધાને થયેલ કોમી તોફાનોના ગુન્હાઓની ફેર તપાસની બનાવેલ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ સીટનો નોડલ ઓફીસર હતો. જયદેવની ટીમે કુલ ૧૯૦ ગુન્હાઓ પૈકી અમુક ગુન્હાઓમાં ફરિયાદ પક્ષે પૂરાવા રજૂ કરતા ફેર તપાસ અર્થે જેતે પોલીસ સ્ટેશનમાં તે તપાસો મોકલી આપેલી આમ તમામ ૧૯૦ ગુન્હાની ફેર તપાસ અન્વયે સીટની કાર્યવાહી પુરી થતા જયદેવે સીટના સભ્યો સાથે કરેલ કાર્યવાહીનો સંપૂર્ણ અહેવાલ રાજકોટ રેન્જના ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસને સોંપ્યો. આ કાર્યવાહી ખૂબ મહેનત અને ધગશથી કરી સમય મર્યાદામાં તપાસ પૂર્ણ કરવા અંગે રાજકોટ પોલીસ કમિશ્નરે જયદેવને પ્રશંસા પત્ર પણ એનાયત કરેલો.
ઠાકુર ખતરો કે ખીલાડી
એક દિવસ ડીસ્ટાફના કોન્સ્ટેબલ જગુભા ચેમ્બરમાં આવી જયદેવને મળ્યા અને કહ્યું કે એક મારવાડી બાબુસિંહ ઠાકુર (સોલંકી) હાલ રહેવાસી મોરબી પણમૂળ અમદાવાદ વાળાએ સાતમ આઠમના મેળાનાદિવસો દરમ્યાન રતનપર (મોરબી રોડ) ગામે અથવા ઈશ્ર્વરીયા મહાદેવ ઘંટેશ્ર્વર (જામનગર રોડ) ખાતે આનંદમેળામાં સ્ટોલ નાખવાની મંજૂરી માગી છે. પરંતુ આ મંજૂરી અંગે જરૂરી પોલીસ અભીપ્રાય માટે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા આવવા માગતો નથી અને બીજી વાતો કરે છે. આથી જયદેવ નવાઈ તો પામ્યો જ પણ સાથે કહ્યું કે તેને કેવા પ્રકારના સ્ટોલ નાખવા છે તે પૂરી વિગત લખાવવા માટે પોલીસ સ્ટેશને તો આવવું જ પડે. પરંતુ જયદેવને અચાનક યુકિત સુજી અને કોન્સ્ટેબલ જગુભા ને કહ્યું તમે અત્યારે એક કામ ક્રો આ ઠાકુર ને હાલ પૂરતો વિશ્ર્વાસ સંપાદન કરરી તેની ટોળીમાં સાથે ભળીજ જાવ, અને તેને જણાવો કે સાહેબ મંજૂરી તો મારા કહેવાથી આપી જ દેશે આ બે ત્રણ દિવસો દરમ્યાન તમે બાબુસિંહ ઠાકુર તથા તેના માણસો સાથે મોજ મજાની પાટીઓ કરો પાકો વિશ્ર્વાસ સંપાદન કરી ખાનગમાં જાણો કે આ ઠાકુરને પોલીસ સ્ટેશન નહિ આવવનું કારણ શું છે ?
જગુભાએ સૂચનાનો બરાબર અમલ કર્યો અને આ નાટક કંપનીમાં બરાબર ભળી ગયા. જયારે કોઈ બહારની વ્યકિત અંતરંગ મંડળમાં ભળીજાય પછી લગભગ કાંઈ ખાનગી રહેતું જ નથી આ બાબુસિંહના એક ટાયાએ દારૂપીને પમ્મર થઈ જગુભા પાસે વટાણા વેરી નાખ્યા.
વાત એમ હતી કે આ બાબુસિંહ આંતરરાજય ગુનેગાર હતો. ગુનેગાર તો ખરો જ પરંતુ રાજસ્થાન સ્ટેટનો એવો ખૂંખાર ગુનેગાર અને એવો મરજીવો હતોકે ગમે તેટલા પોલીસ જવાનો વચ્ચેથી ગમે તે રીતે છટકી જવાની આવડત વાળો હતો. જો ફસાઈ જાય અને છટકી શકાય તેમ નહોય તો પોલીસ પબ્લીક ઉપર હિંસક હુમલો કરીને પણ છટકી જવાની આદત વાળો હતો. મૂળ તો ઘરફોડ ચોરીનો અઠંગ ખેલાડી છેલ્લે તો રાજસ્થાનના વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીઓનો આતંક મચાવી હાહાકાર કરી દીધેલો. છેલ્લે જાલોર જીલ્લાના એહોર થાણા વિસ્તારમાં એક બંગલામાં ચોરી કરવા ઘૂંસ્યો અને કોઈકે પોલીસને જાણ કરી દીધી. બંગલાને પચાસ જેટલા પોલીસ જવાનો, અન્ય સલામતી રક્ષકો અને આમ જનતાએ ઘેરી લીધો, તેમ છતા આ મરજીવો બાબુસિંહ ઠાકુર આ ચક્રાવામાંથી છટકીને નાસી છૂટેલો રાજસ્થાન પોલીસની ભીંસ ખૂબ વધતા તેણે હવે કાર્યક્ષેત્ર ગુજરાતમાં ફેરવ્યું હતુ. સાથે સાથે જાકૂબીના ધંધામાં પરીવર્તન લાવી મેળામાં જુગાર કે ચોરીઓ, પીકપોકેટીંગ ચાલુ કરવાના હતા !
રાજસ્થાન રાજયમાં પચ્ચીસેક જેટલા ગુન્હાઓ તેના વિરૂધ્ધ નોંધાઈ ચૂકયા હતા. નોંધવાના બાકી હોય તે જુદા આ નોંધાયેલ ગુન્હાઓમાં તે કોર્ટ દ્વારા વોન્ટેડ જાહેર થઈ ચૂકયો હતો. જાલોર કોર્ટે તેના વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ફરતું વોરંટ જારી કર્યું હતુ. જેમાં એહોર થાણાના જ ચાર ગુન્હા હતા. જયદેવે અનુમાન લગાવ્યું કે આવી સ્થિતિ હોય પછી ઠાકુર પોલીસ સ્ટેશને કેમ આવે? જયદેવે જગુભાને સમજાવ્યું કે બાબુસિંહ ને કહો કે તે ભલે પોલીસ સ્ટેશને ન આવે પણ રાજકોટ જામટાવર પાસે આવે તો ત્યાં રસ્તામાં સાહેબની મુલાકાત થઈ જશે. બાબુસિંહ ઠાકુરનું ચક્ર ફર્યંુ હશે કે કોણ જાણે તે જગુભાની વાતમાં આવી ગયો.
જયદેવે જામટાવર સામે જૂની એસ.આર.પી. ઓફીસના મકાનમાં આવેલા તાલુકા પોલીસ સ્ટેશનની બાજુબાજુ ચુનંદા જવાનોને સાદા કપડામાં ગોઠવી દીધા આ બાજુ ગમે તે થયું બાબુસિંહ ઠાકુરને શું વિશ્ર્વાસ બેઠો કે તે જામટાવરતો ઠીક પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ સામે ચાલીને જ આવ્યો. પછી શું? ઝાળમાં આવેલી માછલીને પાછી છટકવા દે તેવો તો જયદેવ ન હતો. સામાન્ય ઝપાઝપીને અંતે પોલીસ જવાનો રણજીતસિંહ, હનીફ, ધર્મેન્દ્રસિંહ વિગેરેએ ઠાકુરને ચત કરી દીધો, તેની અંગ ઝડતીમાંથી મોટો ધારદાર છરો મળી આવ્યો. બાબુસિંહ ઠાકુરના બુમબરાડા થોડીવારમાં જ જયદેવે બંધ કરાવી દીધા અને તેની હવા કાઢી નાખી.
જયદેવે રાજસ્થાન પોલીસને આ વોન્ટેડ આરોપી પકડાયાની જાણ કરતા તૂર્ત જ બીજે દિવસે સવારે જાલોરની પોલીસ કલમ ૭૦ મુજબનું વોરંટ લઈને રાજકોટ આવી ગઈ.
જયદેવ જયારે ભૂજ (કચ્છ) સીટી પીઆઈ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે આવી અદભૂત કામગીરી કરવા સબબનો ‘પ્રશંસા પત્ર’ તેને મોકલેલો.
વિધાનસભા ચૂંટણી પધ્ધતિ અને પૂર્વ તૈયારીઓ !
આ દરમ્યાન રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ. ચૂંટણી કાર્યવાહી સાથે જે ગેજેટેડ (રાજયપત્રીત) અધિકારીઓ સંકળાયેલા હોય અને તેમને જેતે જીલ્લામાં ત્રણ વર્ષ કરતા વધારે નોકરીનો સમયપૂર્ણ થયેલ હોય તો ચૂંટણી આચાર સંહિતા મુજબ તેની જીલ્લા ફેર બદલી કરવામાં આવતી હોય છે. જયદેવની પણ કચ્છ જિલ્લામાં બદલી થઈ કેમકે તેને પણ રાજકોટ શહેરમાં ચાર વર્ષ થઈ ગયા હતા તે ખૂબજ ખુશ થયો. પોલીસ કમિશ્નરે આવી બદલી વાળા અધિકારીઓ પૈકી જેમનું પરફોર્મન્સ બરાબર ન હતુ કે ગુડબુકમાં ન હતા તેમને બદલી વાળી જગ્યાએ જવા તૂર્ત જ છૂટા કરી દીધા પરંતુ જયદેવનો વારો છૂટા કરવામાં આવ્યો નહિ જયદેવ તો તાત્કાલીક જ કચ્છ જવા માંગતો હતો.
જાહેર થયેલી ચૂંટણીના પડધમ, બેન્ડવાજા જોર જોરથી ચારે તરફ વાગવા લાગ્યા હતા સમાચાર પત્રો અને વિવિધ મીડીયાઓમાં આ બાબતે સઘન ચર્ચાઓ ચાલુ હતી. દરમ્યાન એક દિવસ પીસીબીના જમાદારે બાતમી આપી કે કુવાડવા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં થઈને સીમ વિસ્તારમાં જતા કાચા રસ્તે એક ગુડઝ વાહન મોટા પાયે ઈગ્લીશ દારૂ લઈ ને ઊભુ છે કયાંક માલ ઉતારવાની વેતરણમાં છે.
જયદેવે તાત્કાલીક પોતાના ચુનંદા જવાનોને જીપમાં લઈને રાજકોટથી કુવાડવા તરફ ઉપડયો પરંતુ વરસાદ એવો તડમ ઝીંક પડતો હતો અને સાથે હવા પણ એવી ચાલતી હતી કે પોલીસની જીપ ઝડપ જ પકડી શકતી નહતી તેમ છતા જયદેવ કુવાડવા જીઆઈડીસી પસાર કરી કાચા ગાડા કેડે આગળ વધતો ગયો, પહાડી વિસ્તારમાંથી પસાર થઈ એક નાની ધાર પાર કરી નીચે ઉતરતા ઢાળમાંજ એક વાહન રેઢૂ પડયું હતુ જયદેવે ખાત્રી કરી તો પૂરેપૂરૂ ઈગ્લીશ દારૂની બોટલોથી તે લદાયેલું હતુ અને કાદવમાં ખૂંચેલું હતુ, કાઢવા ખૂબ મથામણ કરેલી હશે પણ વરસાદ અને વજનને કારણે બરાબર જમીનમાં બેસી ગયું હતુ !
હજુ જયદેવ નીરીક્ષણ જ કરતો હતો ત્યાં તેની ઉપર જુદી જુદી વ્યકિતઓના મોબાઈલ ફોનનો મારો ચાલુ થઈ ગયો. પત્રકારો, રાજકારણીઓ અને અધિકારીઓ, જયદેવને પૂછવા લાગ્યા કયાં છો? જયદેવે જે હતુ તે જણાવ્યું કે કુવાડવા ગામની સીમમાં, તો સામેથી પ્રશ્ર્ન આવતો કે સીમમાં શું છે? જોકે તમામને માહિતી મળી જ ગઈ હતી પણ તેઓ અજાણ્યા થઈ જયદેવનું પેટ લેતા હતા જયદેવે સ્પષ્ટ કહ્યું ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલુ વાહન પકડયું છે. વાત વાતમાં જાણવા મળ્યું કે રોડની બાજુમાં જ આવેલુ એક ફાર્મ હાઉસ સત્તાધારી, પાર્ટીના વિધાયકના ચિરંજીવીનું હતુ અને તમામ તે તરફ આંગળી ચિંધતા હતા.
આ મોબાઈલ ફોનના જમાનામાં આવા સમાચારો તો મીઠુ મરચુ ભભરાવીને વિજળી વેગે ફેલાઈ જતા હોય છે. આ સાંભળીને રાજય સરકારના ગૃહ પ્રધાનના કાન બઠ્ઠા થઈ ગયા કેમકે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. આચાર સંહિતા લાગુ પડી ગઈ હતી. ટીકીટોની વહેંચણી હજુ થઈ ન હતી તેમણે તેમના અંગત એવા રાજકોટ ગ્રામ્યના પોલીસ વડાને કહ્યું જો જો આ ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ને કયાંક વિરોધ પક્ષને હાથમાં હથીયાર આવી ન જાય નહિતો ચૂંટણીમાં જ પક્ષની આબરૂ ધૂળધાણી થઈ જશે. આથી તેમનો વિસ્તાર ન હોવા છતા તેમણે મોબાઈલ ફોન ઉપર જયદેવનો સંપર્ક કર્યો અને લાગણી વ્યકત કરી જયદેવે આ ગ્રામ્ય પોલીસ વડાને કહ્યું કે હજુ તો રોડ ઉપર વાહન પાસે અમે ઉભા છીએ ફાર્મ હાઉસમાં ગયા નથી પણ હવે જઈએ છીએ આથી તેમણે કહ્યું જો જો હો આબરૂ સાચવજો. જયદેવને મનમાં થયું કે આબરૂ કોની સાચવવાની વિધાયકની, સરકારની પક્ષની કે ભલામણ કરનારની ?
આ દરમ્યાન પોલીસ કમિશ્નરનો પણ ફોન આવ્યો તેમણે જયદેવને પૂછયું ‘શું કર્યંુ?’ જયદેવે જે હતુ તે કહ્યું અને હવે પોતે જવાનોને લઈને ફાર્મ હાઉસમાં જાય છે તેમ પણ કહ્યું આથી તેમણે પૂછયું કે તમે શું કરશો? જયદેવે કહ્યું કે જે હશે તે કાયદેસરની કાર્યવાહી થશે આથી તેમણે ફોન મૂકી દીધો. જયદેવ તેની ઉપર ફોન કરનારા તમામ વ્યકિતઓના મનોભાવનું પોતાની રીતે પૃથ્થકરણ મૂલ્યાંકન કર્યે જતો હતો જયદેવને તો ભૂતકાળમાં આવા રાજકીય કબાડાઓમાં શું કરવું તેનો બરાબર અનુભવ હતો જ.
ચાલુ વરસાદે જયદેવ પોતાનું દળકટક લઈને ફાર્મ હાઉસમાં દાખલ થયો, ફાર્મ હાઉસના ખૂણેખૂણા મકાનીની અગાસી બાથરૂમ સંડાસ, ઢોરની ગમાણો કુવા કુંડી વિગેરે તપાસ્યા પણ કાંઈ શંકાસ્પદ ચિજ વસ્તુ મળી નહિ દરમ્યાન ચાલુ વિધાયક દોડી આવ્યા નમ્રભાષામાં અને ચૂંટણી દરમ્યાન મતદારો પાસે જે રીતે હાથ જોડીને વિનવણીથી વાત કરે તેમ જયદેવ સાથે વાત કરી જયદેવને નવાઈ લાગી કે સામાન્ય રીતે પદાધિકારીઓ મતદાન પહેલા જે વિનમ્રતા મતદારો સમક્ષ દાખવે છે તેવી વિનમ્રતા વહીવટીતંત્રના કોઈ અધિકારી સાથે કયારેય દાખવતા નથી કેમકે તેમની પાસે ચૂંટણી પછી પણ ‘જોઈ લેશું’નું હથીયાર હાથ વગુ જ હોય છે. જયદેવે તેના જવાનોને ફરીથી એક વખત વિગતે તપાસ કરવા જણાવ્યું તેમ છતા ફાર્મ હાઉસમાંથી કાંઈ મળ્યું નહિ.
જયદેવે ફાર્મહાઉસ બહાર કાચા રોડ ઉપર ખૂંચેલા વાહનમાંથી આશરે રૂપીયા સાડા બાર લાખની તો ફકત ઈગ્લીશ દારૂની વિવિધ પ્રકારની બોટલો જ કબ્જે કરી અને વાહનની કિંમત અલગ !
રેઈડના આઘાત પ્રત્યાઘાત
ચૂંટણી જાહેર થયેલી હોય તે પછી આવા કિસ્સામાં સમાચાર પત્રો અને મીડીયા વાળા લખવામાં કાંઈ બાકી રાખે જ નહિ ને ! મરી મસાલો ભભરાવીને સ્વાદીષ્ટ વ્યંજનની માફક સમાચારો પીરસાતા હોય છે. અનેક પ્રશ્ર્નાર્થો સાથે શંકાઓ સાથે કે આ માલ ચૂંટણી દરમ્યાન વાપરવા માટે જ આવ્યો હતો વિગેરે વિગેરે…
આરોપીઓ માલ સહિત વાહન રેઢૂ મૂકીને નાસી ગયા હતા કેમકે વાહન કાદવમાંથી નીકળે તેમ ન હતુ હવે જયારે આરોપીઓ પકડાય ત્યારે ખબર પડે કે ખરેખર માલ કોનો હતો કોને ડીલીવરી આપવાની હતી કયાંથી આવ્યો હતો તે વિગેરે જાણી શકાય.
તેમ છતા રાજકીય પડધા અને પ્રત્યાઘાતો જે પડવાના હતા તે પડયા જ, આ તબકકે ભલે જાણી શકાયું નહિ કે આ ગુન્હામાં વિધાયક કે તેના કુટુબીજનો સંડોવાયેલા હતા કે નહિ. પરંતુ સત્તાધારી પાર્ટી તો પોતાને દૂધે ધોયેલી જ સાબિત કરવા મથે તે હકિકત હોઈ ચૂંટણીની આ ટીકીટમાં પક્ષે વિધાયકને કાપ્યા પરંતુ તેમના કુટુંબના સભ્યને ટીકીટ આપી મામલો જાળવી રાખ્યો. આનુ નામ રાજકારણ ‘સાપ મરી જાય અને લાકડી ભાંગે નહિ’ જો કે સતાધારી પાર્ટીની ધારણા મુજબ જનતાએ આ માજી વિધાયકના કુટુંબીજનને જ ચૂંટી કાઢેલા !
આ પછી તો આચાર સંહિતામાં રાજકાટના પોલીસ કમિશ્નર પણ બદલાયા અને નવા આવ્યા એક પછી એક બદલી થયેલા અધિકારીઓ છૂટા થઈને તેમની બદલી વાળી જગ્યાએ જતા હતા પરંતુ જયદેવને નવા પોલીસ કમિશ્નર પણ છૂટા કરતા નહતા.
દરમ્યાન એક દિવસ ડેપ્યુટી પોલીસ કમિશ્નરે જયદેવને પૂછયું તમને બદલી વાળી જગ્યાએ જવા કેમ છૂટા કરતા નથી? જયદેવે કહ્યું આ બાબત તમો વહીવટી અધિકારીઓ બરાબર સમજી શકો અને પોલીસ કમિશ્નરને સીધુ પૂછી પણ શકો છો આથી તેમણે કહ્યું કે કદાચ આજે સાંજે તમારો હુકમ થઈ જશે કેમકે જાણવા મળ્યું છે કે આજે ગાંધીનગર ચૂંટણી કમિશ્નરની મીટીંગમાં આજ બાબતે રાજકોટ સીપીને ચૂંટણી કમિશ્નરે જાહેરમાં કડક શબ્દોમાં જણાવ્યું છે. જયદેવ ખુશ થયો કે હવે પોતે એક નવી જગ્યાએ નવા હવા પાણી વાળી દૂનિયામાં (કચ્છ) જશે અને કદાચ ત્યાંથી જ ફરજ નિવૃત થશે. પણ આતો પોલીસ ડીપાર્ટમેન્ટ છે કાંઈ નકકી નહી!
કચ્છમાં બદલી અને ફેરવેલ પાર્ટી!
જયદેવ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી છૂટો થયો પોલીસ સ્ટેશનનાં રાયટરે કહ્યું કે સાહેબ અમારે તમારા માટે ફેરવેલ પાર્ટી કે વિદાય સમારંભ યોજવો છે. પણ તમામ જવાનો આ જાહેર થયેલ ચૂંટણીને કારણે આચાર સંહિતાથી ડરે છે. જયદેવના મિત્રો પણ ફેરવેલ પાર્ટી આપવા થનગની રહ્યા હતા. જયદેવે આચાર સંહિતાની વાત કરી પણ વકીલ મિત્રોએ કહ્યું કે અમે રાજકારણી નથી અને તમે પણ રાજકારણી નથી તો પછી શું આચારસંહિતા હોય ?
આખરે મિત્રો અને તાલુકા પોલીસ દળના જવાનો એ મળીને કાલાવડ રોડ ઉપર હોટલમાં એક જ જબરદસ્ત ફેરવેલ પાર્ટીનો યાદગાર કાર્યક્રમ યોજી જ દીધો.
બીજે જ દિવસે જયદેવ ભૂજ જવા રવાના થયો તે રસ્તામાં બાવીસ વર્ષ પહેલા એરફોર્સના એરડીસ્પ્લેના કાર્યક્રમના બંદોબસ્તમાં ભૂજ ગયેલો અને ત્યાંથી મિત્ર અધિકારીઓ સાથે નારાયણ સરોવર કોટેશ્ર્વર ફરવા ગયેલો અને ત્યાં થયેલા અદ્ભૂત અનુભવો ને યાદ કરતો જતો હતો. જૂઓ પ્રકરણ ૨૭ ધન્યધરા કચ્છની અને પ્રકરણ ૨૮.૨૯ રણકાંધીએ રાત ૧-૨