જંગલેશ્વરમાં આજથી રેપીડ ટેસ્ટ શરૂ : ૧૫થી ૨૦ મિનિટમાં મળી જશે પરિણામ
સાત દિવસથી શરદી – ઉધરસ- તાવ આવતા હોય તેવા અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોનો રેપીડ ટેસ્ટ કરાશે
રાજકોટના જંગલેશ્વરમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેથી આ વિસ્તારમાં કરફ્યુ પણ જાહેર કરાયો છે. આ વિસ્તારમાં કોરોનાગ્રસ્ત લોકો ત્વરિત સામે આવે અને ચેપ પ્રસરતો અટકે તે માટે તંત્ર દ્વારા આજથી અહીં રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ રેપીડ ટેસ્ટમાં રિપોર્ટ ૧૦થી ૧૫ મિનિટમાં આવી જશે જેથી દર્દીને કોરોના છે કે નહીં રે ત્વરિત ખબર પડી જશે.
હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં જેટ ઝડપે કોરોનાના નવા નવા કેસો સામે આવી રહ્યા હતા. જેથી સરકાર દ્વારા ઘણા સ્થળોએ કરફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાના ટેસ્ટમાં થોડો વિલંબ થતો હોય રાજ્ય સરકાર દ્વારા રાજકોટને ૬૦૦ રેપીડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી હતી. આ કીટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રણ- ચાર દિવસ પહેલા આવી પહોંચી હતી.
આ રેપીડ ટેસ્ટ કિટનો ઉપયોગ તંત્ર દ્વારા આજથી શરૂ કરવામાં આવનાર છે. આ રેપીડ ટેસ્ટ જંગલેશ્વર વિસ્તારના કોરોનાના પોઝિટિવ કેસો શોધવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અંગે મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ રેપીડ ટેસ્ટથી ૧૫ કે ૨૦ જ મિનિટમાં પરિણામ મળશે. પહેલા જે લોકો છેલ્લા ૭ દિવસથી શરદી, ઉધરસ અને તાવ જેવા કોરોનાના લક્ષણો ધરાવે છે તેઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. બાદમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ શંકાસ્પદ દર્દીનું સેમ્પલ લેવામાં આવે છે. આ નમૂનો લોહી, પ્લાઝમા કે સીસ્ટમના રૂપમાં હોઈ શકે છે. ત્યાર બાદ રેપીડ ટેસ્ટ માટે કિટમાં બતાવેલી જગ્યા પર નિશ્ચિત માત્રામાં સેમ્પલ નાખવામાં આવે છે.
૩ હવે ટેસ્ટ કિટમાં લોહીના નમૂના ઉપર ત્રણ ટીપા એક કેમીકલના નાખવામાં આવે છે.જો રેપિડ ટેસ્ટ કિટ પર માત્ર એક ગુલાબી લાઈન આવે તો આનો મતલબ છે કે વ્યકિત નેગેટીવ છે. ટેસ્ટ કિટ પર સી અને એમ ગુલાબી લાઈન આવે તો દર્દી આઈઝીટી એન્ટીબોડી સાથે પોઝીટીવ છે. જો કિટ પર જી અને એમ બન્ને લાઈન આવે તો દર્દી આઈજીજી અને આઈજીએમ એન્ટી બોડીની સાથે પોઝીટીવ છે.
જો રેપિડ ટેસ્ટ પોઝીટીવ આવે તો એવી શકયતા રહે છે કે દર્દી કોવિડ-૧૯નો દર્દી છે. પોઝીટીવ દર્દીને ઘર કે હોસ્પિટલમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે. જો રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે તો પછી શંકાસ્પદ દર્દીનો રીયલ્સ ટાઈમ પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.
રીયલ ટાઈમ પીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવે તો આવા દર્દી હોસ્પીટલ કે ઘરમાં આઈસોલેશનમાં રાખવામાં આવે છે. અને જો રીયલ ટાઈમ વીસીઆર ટેસ્ટ નેગેટીવ આવે તો એવુ માનવામાં આવે છે કે આ વ્યકિતમાં કોરોના વાયરસનુ સંક્રમણ નથી.