ફેસબુક જિયોમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ પછી જિયોમાં ફેસબુકનો હિસ્સો 9.99% થઈ જશે. ભારતીય ટેક્નોલોજી સેક્ટરમાં આ સૌથી મોટું વિદેશી રોકાણ છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ પછી જિયોનું વેલ્યુએશન 4.62 લાખ કરોડ થઈ જશે. આ મૂલ્યાંકન ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત 70 માનીને કરવામાં આવ્યું છે. નિયામકની મંજૂરી મળ્યા પછી ફેસબુક, જિયોમાં સૌથી મોટી માઈનોરિટી શેરહોલ્ડર બની જશે.
ભારતમાં અંદાજે 100 કરોડ મોબાઈલ યુઝર્સ છે. ફેસબુક માટે પણ ભારત સૌથી મોટું વેપાર કેન્દ્ર છે. ફેસબુકની સબસિડીયર વોટ્સએપના પણ ભારતમાં 40 કરોડ યુઝર્સ છે. રિલાયન્સ જિયોના દેશમાં 38.8 કરોડ યુઝર્સ છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલાયન્સે તેમની દરેક ડિજીટલ ઈનીશિએટિવ અને એપ્સને સિંગલ એન્ટિટિ અંતર્ગત લાવવા માટે નવી સબસિડીયર બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી કંપનીમાં રિલાયન્સે 1.08 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ વગેરેને આ નવી કંપની અંતર્ગત લાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સંભવિત રોકાણકારો માટે સ્ટ્રક્ચર પણ સિમ્પલ બનાવાવમાં આવ્યું છે. 18 માર્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ જિયોનું અમુક દેવુ તેમના માથે લઈ લીધુ છે. જોકે નુકસાનની આ રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.