અબતક, વૈવિધ્ય
નવા સોરઠનો ધણી રા’નવઘણ પોતાની દૂધબહેન જાહલને સિંઘના સુમરાનાં ત્રાસમાંથી ઉગારવા નવ લાખ ઘોડા લઈને ચડયો છે. તેને રસ્તામાં રોકીને, ચારણમાતા વરૂ ડીએ આખા સૈન્યને માત્ર કુરડીમાંથી ધાન નિપાવીને વડલાને પાંદડે ત્રણ ત્રણ ટંક જમાડયો. બીજે દિવસે નવઘણે હાથ જોડી વરૂ ડીની રજા માગી, વરૂ ડીએ પૂછયું, બાપ, કયે કેડે સિંઘ પોગવું છે?’
‘આઈ, સીંધે રસ્તે તો આડો સમદર છે. ફેરમાં જવુ પડશે’
‘અવધે પોગાશે?’
‘એજ વિમાસણ છે?’ નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા.
‘વીર નવઘણ?’ વરૂ ડીએ વારણાં લઈને સિંદુરનો ચાંદલો કરતા કરતાં કહ્યું; ‘ફેર ન જાશો, સીધે જ મારગે થોડા હાંકજો, સમદરને કાંઠે પહોચે ત્યારે અકે એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણી માથે જો કાળીદેવ્ય (દેવચકલી) આવીને બેસે તો તો બીક રાખ્યા વિના દરિયામાં ઘોડો નાખજે. તારા થોડા ઝપડાને પગે છબછબીયાં અને કટકના પગમાં ખેંપટ ઉડતી આવશે. કાળીદેવ દરિયો શોષી લેશે.
આશીર્વાદ લઈને કટક ઉપડયું, દરિયાકાંઠે જઈ ઉભા. દૈત્યની સેના સમા મોજા ત્રાડ પાડતા છલંગો મારે છે પલકમાં તો ગનનમાંથી ચીકાર કરતી મેઘવરણી, કાળદેવ્ય, જાણે કે કોઈ વાદળામાં બાંધેલ માળામાંથી આવીને નવઘણને ભાલે બેસી ગઈ.
‘જે જગદમ્મા!’ કહીને નવઘણે ઝપડાને જળમાં ઝીકયો. પાછળ આખી ફોજના ઘોડા ખાબકયા. મોજા બેય બાજુ ખસીને ઉભા. વચ્ચે કેડી ગઈ.
આ રીતે તો અનેક ચારણમાતાજીઓએ શરણે આવેલ રાજવીઓને વચન દીધાં. કહેવાય છે કે ‘તારે ભાલે કાળીદેવ્ય આવીને બેસે તો માનજે કે આઈ તારી ભેરે (સહાયે) છે. નહિ તો જાણજે કે કોઈ ડાકણ બોલી’તી. આવી કિવદંતી અનેક રાજપૂત રાજાઓ વિશે કહેવાય છે. કચ્છના ભૂજિયા ડુંગર ઉપર દારૂ ગોળાનો ભંડાર હતો. એના અધિકારીના તંબુડા ઉપર રોજ કાળીદેવ્ય આવીને બેસતી એ અધિકારી માનતા કે પાકિસ્તાનના બોમ્બમારાથી આ માતાજી જ અમને બચાવે છે આવી ઘણી દંતકથાઓ છે.
આ રીતે માતાજીના જ અન્ય સ્વરૂપ તરીકે સ્વીકાર પામેલ કાળીદેવ્ય: દેવચકલી આમજનતામાં તો એથીય આગળ વધીને શુભ શુકનના પ્રતીક તરીકે પણ સ્થાન પામી છે. કોઈ કામ કરવા જતી વખતે ઘરને મોંભારે બેઠેલી કાળીદેવ્ય દેખાય કે ઉડતી સામે મળે તો નિર્ધારેલ કામનો બેડો પાર થયો માનીને પૂરા વિશ્ર્વાસથી લોકો નીકળી પડે. આશુકન દર્શન પાછળ પછી લોકો તરંગે ચડયા અને એને સુચક વાર્તાઓ પણ ઘડી કાઢી એમાંની નીચેની વાર્તા દેવચકલીના શુકનમાં પ્રજા કેવી માન્યતાઓ ધરાવતી આવી છે. તેની ઘોતક બની રહેશે.
એક ગામમાં આંધળો અને લુલો સાથે રહીને ખેડ કરતા હતા. આંધળો સશકત એટલે લુલો ચીંધે એ બધુ કામ કર્યે જાય એક વખત જમીન ખેડી વિસામો ખાતા હતા ત્યાં લૂલો બોલ્યો; એલા એક કોત્યક! હળની પોજીમાંથી (કોશા ભરાવવાના બાકારોમાંથી) ત્રણ વાર કાળીદેવ્ય નીકળી ગઈ.
‘હે સાચોસાચ?’ કહેતો શુકનમાં માનતો આંધળો બોલી ઉઠ્યો. ‘જો ખરેખર ત્રણ વાર નીકળી હોય તો તો ભારે શકન થયાં. બેડો પાર!’‘અરે, શું બેડો પાર!’કહેતો લૂલો એની મશ્કરી કરવા માંડયો. સાંજે ખેડ કરીને બંને પાછા ફરતા, વચ્ચે આવતા ગામે એક વેપારીની દુકાને ચીજ વસ્તુ ખરીદવા ગયા. વેપારીને દુકાનમાં ન જોયો. આંધળો લૂલાને કહે: ઉપાડી લે એનો ગલ્લો, દાળદર ફીટી જાય.
‘અરે પર તારો કાકો હમણા આવશે તો’
‘આવે નહિ, અને આવે તોયે શુકન થયાં છે એટલે વાંધો નહિ.’
બિચારા લૂલાએ બીતા બીતા ગલ્લો લીધો. વેપારી ઘરે ગયેલો ત્યાં કજિયો થતા મોડો મોડો દુકાને પાછો ફર્યો, ગલ્લો લૂંટાયેલો જોઈને વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ તરફથી બે સવાર ચોરનો પીછો લેવા દોડયા, પણ એ નીકળી ગયા ઓતરાદા, લુલો, અને આંધળો જતા હતા દખણાદા.
વાટમાં બે ગાડા ખેડુઓ હટાણું કરીને જતા હતા. તેમણે કહેવાથી બંને તેમના ગાડામાં બેઠા. મારગમાં કાંઈ વાતચીત થતા બેય ગાડા ખેડુઓ અંદર અંદર બાઝી પડયા. વાત બધી એટલે આડા લઈને ઉતરી પડયા અને થોડીવારમાં સામસામા કપાઈ મૂઆ…
આંધળો લૂલાને કહે; હાંકી લે ગાડાં, નહોતો કહેતો કે સારા શુકન થયા છે?’
‘પણ હમણા તારા કાકા કો’ક આવી પહોચશે !’ લૂલો બોલ્યો.
‘પોઈમાંથી કાળીદેવ્ય ત્રણ વાર નીકળી હતી ને? ત્યારે વાંધો નહિ. હાંકી લે તુ તારે.’
ભરચક ભરેલા ગાડાનો માલ જઈને પડખેને ગામે વેચી નાખ્યો. રોકડા નાણાં કોથળીએ બાંધીને ઘેર આવી પહોચ્યા ઘેર આવીને રાંધવાની તૈયારી કરી. આંધળો પડખેને કુવે પાણી ભરવા ગયો. વેપારીનો ગલ્લો અને બબ્બે ગાડાનાં ભરચક માલનાં વેચાણનાં નાણાં જોઈને એની દાનત બગડી થયું કે આંધળાનું કાસળ કાઢી નાખું તો નિરાંતે એકલો બધી દોલત ભોગવું એજ વખતે ત્યાંથી એરૂ નીકળ્યો. મરીને એનાં રીંગણા જેવડા બટકા કર્યાં, રીંગણાના શાકને નામે આંધળાને ખવરાવીને મારી નાખવાનો એણે પેતરો રચ્યો થોડીવારે આંધળો આવ્યો. લૂલો લાકડા લેવા ગયો ત્યાં શાકને કેટલીક વાર છે. તે તપાસવા આંધળો ચુલા પાસે ગયો.
હાંડલાની ઢાંકણી ઉઘાડે ત્યાંતો અંદરની એરૂ ના ડીડલાંવાળી ઝેરી વરાળ તેની આંખે લાગતા તેની આંડના રતન આડે આવી ગયેલ પડદો તૂટી ગયો અને એ બરાબર દેખવા લાગ્યો. આ શું કૌતુક એમ વિમાસણમાં પડીને આંધળાને પાટિમાં જોયું તો એરૂ ના બટકા ‘ લૂલાની બદદાનત દેખીને એને ક્રોધ ચડયો લાકડા લઈને પાછા ફરતા લૂલાને એણ ઝીકીને પાટુ મારી પાટુ બરાબર ગોઠણ પર વાગતા ગોઠરેથી ઝલાઈ ગયેલા લૂલાના પગ છૂટા થઈ ગયા અને બેય પગે ઉભો થઈ ગયો બેય માંડયા બાઝવા, લોકોએ આવીને છૂટા પાડયા ગામલોકોએ આંધળો કેમ દેખતો થયો અને લૂલો કેમ દોડતો થયો એનો ખુલાસો પૂછતા આંધળો બોલ્યો; અરે, એ તો કાળીદેવ્યના કામ!
મારી માડીએ પોઈમાંથી ત્રણ વાર નીકળીને સારા શકન દીધેલા એ ન ફળે તો થઈ રહ્યું ને!એથીય આગળ વધીને કાળીચૌદશને દિવસે સર્પ, વીછી કે આધાશીશી ઉતારવાના જાપાતા મંત્રોમાં પણ કાળીદેવ્યને શકતિભકતોએ સ્થાન આપી દીધું છે,
કાળી ચકલી ચકચકે ને
ધોળીચકલી ધાય,
હનુમાનજી હાક મારે ત્યાં
આઘાશી ઉતરી જાય!
આટલું આટલુ જનતામાં માન અને સ્થાન પ્રાપ્ત કરનાર એ દેવચકલીને જોઈ છે? એના ઘાટનો દમામ જુઓ તો તમને પહેલી જ ક્ષણે લાગે કે ફાટેલ પિયાલા જેવા સ્વભાવ ધરાવનાર માતાજીઓએ પોતાના પ્રતીકરૂ પેઆ પંખીને સ્થાપવામાં જરાયે ભૂલ નથી કરી ૬-૭ ઈંચની અંદર પોતાના દેહને શમાવી દેનાર આ નાજૂક પંખીએ જાણે દેહમાં ભરચક દમામ ભરી દીધો છષ. પાતળા ચળકતા પગ, તે પર ટેકવી રાખેલ દેહને એણે ઉપરના ભાગે આછા કાળા રંગે અને ડોક, ગરદન, પેટ તથા નીચલા ભાગે ચળકતા કાળા રંગે રંગી નાખ્યો છે એ ચળકતા રંગમાં વાદળી ઝાંય ચળકારા મારે બંને પાંખમાં કાબરની પેઠે સફેદ પટ્ટા, બેઠી દડીના એ સુગઠીત ઘાટ, માથે ટેકવી રાખષલ કાળા રંગની એનીપૂછડી જાણે આભ ટેકવવા માટે કોઈ વીર પુરૂ ષે ભાલો ઉભો કરી, દીધો છે નાની સરખીયે છલાંગ મારતા જરાક નીચી નમેલ પુછડીને તરત જ એ ઉંચે આભ માથે ટેકવી દેવાની જાણે કેમ પોતે માતા સ્વરૂ પે આપેલ વચન પાળવા માટે ઓનિશ એ ભાલો ઉન્નત રાખવા ન માગી હોય ? એવી ઉન્નતશીલ પૂછડીના નીચલા ભાગે માતાના મઢ માથે ફરકતી નાની સરખી લાલ ધજા સમું એક પીછું ફરકતું હોય છે. એ પીછાથી માંડીને બે પગ વચ્ચેનું એનું પેટ થોડીક છાતી સુધી લાલ રંગે રંગેલું હોય છે. આ થયો દેવચકલીના નરના દેહનો રંગ. એની માદાનો ઘાટ તો નર જેવો જ માત્ર નરના ચળકતા કાળા રંગને સ્થાને ધુમાડિયો કાળો રંગ, પીછામાં સફેદ પટ્ટા નહિ અને પૂછડી તથા પેટ નીચેનો લાલ ભાગ પણ આછો.
પણ બંને નરમાદાનો મુખ્ય રંગ તો શ્યામ જ કાળી લોબડી અને ગુઢા કાળા વસ્ત્રો વડે પોતાના તેજસ્વરૂ પને ઢાંકવા છતા જેમ માતાજીઓનાં અપરૂ પ આંતરિક તેજ અછતા રહી શકયા નથી, તેમ આ પંખીએ કાળી રંગ ઓઢવા છતાં એનો દમામ ઝાંખો પડયો નથી. ઉલટો કાળો રંગ તેજમૂર્તિ બનીને એને માથે શોભ્યો છે. એના આવા કાળા રંગને લીધે તો આમજનતાએને માતાજીનું પ્રતીક માનવા તરફ નહિ ખેંચાઈ હોય ? જનતા તો સામાન્ય રીતે નાનકડા પંખીને કાળી ચકલી કહી હશે, પણ ત્યાર બાદ એનું શુકનમાં સ્થાન અને માતાનું પ્રતીક સ્થાપ્યા પછી ‘કાળીદેવ્ય’ કે ‘દેવચકલી’ જ કહેવા માંડી લાગે છે.
પણ ચકલી શબ્દ જેના નામમાં આવે છે. એવી આ દેવચકલી અને આપણા આંગણામાં રખડતી બાળકોનાં ‘ચકોચકી’ની વાર્તામાં આવતી ચકલી વચ્ચે કેટલો બધો તફાવત છે? એક જ જાતનું નામ ધરાવે છે. તેથી રખે દેવચકલીને ચકલીની જ કોઈ જાત માની લે ‘ પક્ષીશાસ્ત્રની દ્રષ્ટિએ આ બંને પંખી તદ્ન જુદા જ વર્ગનાં અને જુદા જ આહાર વ્યવહાર ધરાવતા પંખીઓ છે. એના દેહ પર નજર નાખા તરત જ એ જુદા પણું તરી આવે તેવું છે.
એના સંવનનકાળે નર ગાન સાથે થનગનાટ પણ બતાવવાનો . ચારો મેળવતી માદાની આસપાસ તે આમ ફરે, છલાંગ મારી ઉંચી ચડી નીચે બેસે, હાંફળિયાતાંફાંફળીયા મારતો જાયઅને ગાન ગાતો જાય. એ હાંફળિયાં ફાંફળિયામાંથી એના ઉન્માનદું સ્પષ્ટ દર્શન દેખાઈ આવે.
પણ સંવનનકાળ પૂરો થયો એટલે એ શાંત બની જાય. છતા સવર કે સાંજને ઠંડે પહોર કોઈ મસ્જિદને કાંગરે કે ખંડેરની ટોચે બેસીને તે નિરાંતવે જીવે ગાન પરંપરા અવિરત વેર્યા કરે છે,એમાં શાંતિ અને ઠરેલાપણું હોય છે.
એના માળા એ ઘરની બખોલામાં, અવાવરૂ સ્થાનોના ખૂણા ખાંચરામાં કે બોરડી કેરડાનાં ઝુંડના મૂળમાં બનાવે ભચે. નાનકડી વાટકડી જેવો મુલાયમ માળો એ બનાવે છે અને તેમાં રૂ , મૂળિયા, ઘાસ, વાળ વગેરેની ગૂંથણી કરે છે. ઈંડા મૂકવાની જગ્યા ભારે મૂલાયમ બનાવે. આંગળી ફેરતાયે ગલગલિયા થાય એવી મૂલાયમ.
દેવચક્લીના માળામાં એક વિશિષ્ટતા નજરે પડી છે. એના ઘણાખરા માળાઓમાં સર્પની કાંચળી મળી આવે છે. જમીન પર જ માળાબાંધવાને કારણે ઈંડા ખાઈ જનારા ગરોળી, કાચડા કે અન્ય પંખીઓ એ કાંચળીથી ડરીને ભાગી જાય અને પોતાના ઈંડા સુરક્ષિત રહે એવી કોઈ સાહસિક વૃત્તિને કારણે દેવચલી પોતાના માળામાં કાંચળી મૂકતી મનાય છે. ઘરની પડખે જ માળો બાંધ્યો હોય, દિવસો સુધી નર -માદા ત્યાં જતા આવતા હોય છતાં માળો આપણી નજરે ન ચડે એટલી તકેદારી એ માળો સાચવવામાં રાખે. પણ લોકોની એના પર નજર પડીજાય તો એ સ્થાન છોડી જાય અને બીજે માળો બાંધે આ બધું જબરા કૌતુક સમુ છે. છતાં એનાં શુકનની બાબત ભલભલાને દંગ કરે છે એ નિર્વિવાદ છે!