રાજકોટ જિલ્લા શ્રમયોગી વ્યવસ્થાપન સમીતીની સરાહનીય કામગીરી
રાજકોટ ઈન્ડસ્ટ્રીઝમાં બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમયોગીઓના વ્યવસ્થાપન માટે જિલ્લા કલેકટર દ્વારા કમિટી બનાવવામાં આવી છે. જેમાં ડી.બી મોણપરા, એસ. એ.ભપલ, કે.જી પંડ્યા, બી.પી. પંચાસરા, ટી.સી.બારમેડા, જતન ત્રિવેદી, આર.એન.પટેલ, રોનક મન્સૂરી અને મિતેષ જોષી જેવા પ્રદૂષણ, ઉદ્યોગ, બાંધકામ, શ્રમ વગેરે વિભાગના સરકારી અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. મજૂરોને રાશન સમયસર મળી રહે તથા તેમનો પગાર મળી રહે, તે બાબતો પર ધ્યાન રાખવા માટે આ સમિતિનું ગઠન કરાયું છે.
કોરોનાની મહામારી હેઠળ રાજકોટ જિલ્લામાં લોકડઉન દરમિયાન જિલ્લા સમિતિ દ્વારા ૩૦૦૩ સંસ્થાઓ પાસેથી કુલ ૬૯,૯૨૭ મજૂરોને અત્યાર સુધીમાં રૂ. ૯૭.૧૧ કરોડની રકમના પગારની ચુકવણી કરાવવામાં આવી છે. ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા શ્રમ વિભાગના ટોલ ફ્રી નંબર ૧૫૫૩૭૨ પર આવેલ તમામ ફરિયાદોનો દૈનિક ધોરણે નિકાલ કરવામાં આવે છે. ટીમ દ્વારા બિહારના રેસિડેન્સીયલ કમિશનર દ્વારા આપવામાં આવેલ ૨૬ ફરિયાદો, ઝારખંડ સરકાર દ્વારા આપવામાં આવેલ કુલ ૭૨ ફરિયાદો, રાજસ્થાન રેસિડેન્શિયલ કમિશનર તથા યુપી સરકાર દ્વારા આપવામાં આવેલ એક-એક ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યોછે. ઝારખંડ સરકારના રેવન્યુ સેક્રેટરી કે.કે.ઓમ દ્વારા એક જ દિવસમાં ૭૨ ફરિયાદોના નિકાલ બદલ સમિતિની પ્રશંસા પણ કરવામાં આવી છે.
મેટોડા જી.આઇ.ડી.સી.ના ૮૦૦૦, સાપર જી.આઇ.ડી.સી.ના ૫૦૦૦, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એરીયાના ૧૫૦૦૦, જેતપુર ઇન્ડસ્ટ્રીયલ એરીયાના ૧૫૦૦૦ અને અન્યબાંધકામ સાઇટ પર રહેતા લગભગ ૧૨,૦૦૦ મજૂરો માટે રાશનની વ્યવસ્થા કરવા કારખાનેદારો અને બિલ્ડરોને સૂચના આપવામાં આવી છે. મજૂરો માટે રાશન તથા પગારની બાબતોનું નિરાકરણ લાવવા માટે સમિતિ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વિઝીટ કરી લેબર કોલોનીમાં વસવાટ કરતા મજૂરોને મળી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ માટે સેવાભાવી મદદ પણ લેવામાં આવે છે. સર્વે દરમિયાન રાશન, રહેઠાણ, પગાર, સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરે બાબતોમાં ખામી જણાય ત્યાં જે-તે સંસ્થાના માલિકોને સૂચના આપવામાં આવે છે.
કલેકટર દ્વારા આપવામાં આવતી લોક ઇન કન્ડિશન ચેક કરી જરૂરી ભલામણ કરવામાં આવે છે, જેથી ઇન્ડસ્ટ્રીઝને લોક ઇન કન્ડિશનમાં પણ ચાલુ રાખી શકાય. રાજયસરકાર દ્વારા મંજૂરી અપાયેલ કારખાનાંઓની મુલાકાત લઈ ત્યાંની સેનીટેશન, સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરે બાબતોની વ્યવસ્થા જળવાઇ છે કે નહીં તે બધી બાબતો ચેક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે.
સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ, મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત સ્ટાફનો પગાર કરવા માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. દરેક ઓટોમોબાઇલ શો-રૂમને તેમના કર્મચારીઓનો પગાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. સમિતિ દ્વારા અંદાજિત ૨૫૦ જેટલાં કારખાનાઓ તથા ૮૦ જેટલી બાંધકામ સાઇટની મુલાકાત લઇ ત્યાં વસતા પરપ્રાંતીય મજૂરોનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો.