મોરબી પેપર મીલ એસોસિએશનનાં પ્રમુખને ઉધોગ માટે કોમન કલેકશનની જગ્યા ફાળવવા બાબતે આપેલા પત્રનો ભેજાબાજ શખ્સોએ દુર ઉપયોગ કરી લેપટોપમાં બોગસ મુકિત પાસ બનાવ્યો
તાજેતરમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસ ‘કોવિડ-૧૯’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલ હોય જે વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેની તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રથમ ૨૧ દિવસ ત્યારબાદ તાજેતરમાં જ સરકાર દ્વારા ૩જી મે સુધી લોકડાઉન જાહેર કર્યું હોય અને લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાતની આવશ્યક ચીજવસ્તુઓ તથા આવશ્યક સેવાઓ તથા સરકારે મંજુરી આપેલ ઉધોગ, ધંધો તથા માલવાહક વાહનો સિવાય તમામ વેપાર-ધંધા તથા યાતાયાતના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય તેમ છતાં મોરબીના ત્રણ ભેજાબાજ શખ્સોએ નાયબ મામલતદારની બોગસ સહીવાળા જાહેરનામાના મુકિત પાસ બનાવીને નિકળતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંઘ્યો છે.
આ અંગેની વિગત મુજબ મોરબીમાં મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર મહેસુલ તરીકે ફરજ બજાવતા અને મોરબીમાં અમી પેલેસમાં દલવાડી હોટલ સામે રહેતા શરદકુમાર જેરામભાઈ ઠુંમર (ઉ.વ.૩૩)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, મોરબીના રવાપર રોડ પર વાસ્તુ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો અર્જુન સવજી સીતાપરા, બોની પાર્કમાં રહેતો પ્રયાગ શાંતિલાલ આદ્રોજા, મોરબીમાં રહેતા મિહીર રમેશ રૈયાણી નામના ત્રણેય શખ્સોએ નાયબ મામલતદારની બોગસ સહી વાળા જાહેરનામાના મુકિત પાસ બનાવી ગુનો કરતા ત્રણેય સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નાયબ મામલતદાર શરદકુમાર ઠુંમરે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અગાઉ મોરબી પેપર મીલ એસોસીએશનનાં પ્રમુખને પેપર મીલ ઉધોગ માટે કોમન કલેકશનની જગ્યા ફાળવવા બાબતે એક પત્ર ઈન્ચાર્જ મામલતદાર તરીકે લખ્યો હતો જે પત્રમાં સહી કરી હોય તે પત્રમાં લેપટોપની મદદથી એડીટીંગ કરી ભેજાબાજ અર્જુન સવજી સીતાપરાએ જાહેરનામાનો મુકિત પાસ બનાવ્યો હતો અને આ મુકિત પાસનો ઉપયોગ તેના મિત્ર પ્રવિણ શાંતિલાલ આદ્રોજા અને મિહીર રમેશ રૈયાણીએ ઉપયોગ કરી ટંકારાના નવા સજનપર ગામેથી અમદાવાદ મુકવા જવા માટે ઉપયોગમાં લઈ ગુનો કરતા ટંકારા પોલીસમાં ત્રણેય શખ્સો વિરુઘ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.