હડાળા ગામનો બનાવ: ઘરમાં ૧૫૦૦ કિલો ઘઉં, ૧૦ મણ લસણ, ૧૫ મણ ચણા અને ૧૫ મણ ડુંગળી સહિતનો જથ્થો હોવા છતાં વહિવટી તંત્ર પાસે કરગરીને રાશનની મદદ માંગી
શ્રમિક દંપતીને સરકારી રાશન પોતાના વતનમાં લઈ જઈને દિકરીના લગ્નમાં ઉપયોગમાં લેવું હોવાની કેફિયત: અધિકારીએ ઠપકો આપીને ચેતવ્યા
ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ ચોકસાઈ પૂર્વક યોગ્ય સહાય પૂરી પાડવા કલેકટરની અપીલ
રાજકોટ જીલ્લા કલેક્ટર રેમ્યા મોહનને ગઈકાલે અમદાવાદ બાંધકામ મજૂર સંગઠનમાંથી ફોન આવ્યો કે હડાળા ગામે ૧૫૦ થી વધુ ખેત મજુરોને તાત્કાલિક રાશનની જરૂરિયાત છે તો ત્વરિત મદદ કરશો.
કલેક્ટર રેમ્યા મોહનની સુચનાથી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સાથે તાલુકા વિકાસ અધિકારી પંકજભાઈ પરમાર, નાયબ મામલતદાર વી.વી.વસાણી, વિસ્તરણ અધિકારી કે.બી.જાડેજાની ટીમ તપાસાથે રાજકોટના હડાળા ગામે સ્થળ પર પહોંચી હતી. જરૂરિયાતમંદના ઘરમાં તપાસ કરતાં જ અધિકારીની આંખો પહોળી થઈ ગઈ હતી.
મજુરના ઘરમાં ૧૫૦૦ કિલો ઘઉં, ૧૦ મણ લસણ , ૧૫ મણ ચણા, ૧૫ મણ ડુંગળી સહિતનો રાશનનો જથ્થો ઉપલબ્ધ હતો. ખેતરના માલિકને પૂછતા તેમણે જણાવ્યું કે અમારે ત્યાં ભાગ્યા તરીકે ખેત મજુરી કામ કરતા પરિવારને રોકડ સહિત અમે ભાગ પણ આપી દીધેલો છે.
આ વાત સાંભળતા જ અધિકારીઓને આશ્ચર્ય સાથે આઘાત લાગે છે. આખા ગામને ચાલે તેટલું રાશન ઘરમા હોવા છતાં સરકારી રાશન અને રોકડનો લાભ લેવાની લાલચે તંત્રને ગેરમાગે દોર્યું હતું.
જ્યારે અધિકારીઓ દ્વારા શ્રમિક પરિવારને પૂછવામાં આવ્યું કે બાકીના ૧૫૦ જેટલા મજુરો ક્યાં છે તો તે તેમના સમથર્નમાં કોઈ સામે આવ્યું નહોતું. તથા કોઈના સમર્થન વગર અન્ય ખેત મજૂરોની રજુઆત પણ તેઓ કરતા હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે અધિકારીઓ દ્વારા તેમને પૂછવામાં આવેલુ કે આટલું બધું રાશન અને અન્ય ચીજો હોવા છતાં તેઓએ શું કામ મદદ માગી હતી ? ત્યારે તેઓએ કહ્યુ હતુ કે અમે આ બધું જ અનાજ અમારા વતન દાહોદ લઈ જઈ મારી દીકરીના લગ્નમાં વાપરીશું જે ખૂબજ આશ્ચર્ય પમાડે તેવી વાત હતી.આ સમગ્ર છેતરપિંડીનો કિસ્સો સામે આવતા અધિકારીઓ દ્વારા તેમને ઠપકો આપી હવે પછી મદદ માટે કોઈપણ સંસ્થાને ફોન ન કરવા તાકીદ કરી હતી.
કલેકટર રેમ્યા મોહન જણાવે છે કે, હાલના સમયે હેલ્પલાઇન પર આવા લેભાગુ તત્વો ખૂબ નીકળી પડયા હોય તંત્ર દ્વારા ખરાઈ કયાય બાદ ફક્ત જરૂરિયાત મંદ લોકોને જ મદદ કરવામાં આવે છે. આ સાથે તેઓએ સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરી છે કે ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ ચોકસાઈ પૂર્વક યોગ્ય સહાય પૂરી પાડવી જોઈએ. અને તંત્રને ગેરમાગે ન દોરવું.