અમદાવાદ: સરકાર દ્વારા લોકો આરોગ્યલક્ષી સમસ્યાનું સમાધાન તેમજ યોગ્ય માહિતી મેળવી શકે તે માટે 104 નંબરની કોરોના હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે, આ હેલ્પલાઇન પર 10 ટકા ફોન કોલ્સમાં લોકો નકામી તેમજ વિચિત્ર વાતો કરે છે. જ્યારે 30 ટકા ફોન કોલ્સમાં 200 ફોન કોલ્સ તો બાળકોના જ આવે છે.
આ બાળકો ફોન કોલ્સમાં અભ્યાસને લગતા તો ક્યારેક ચોકલેટ, આઈસક્રીમ, રમકડાં ક્યાંથી મળશે તેમજ મારા પેપર કેવા જશે વગેરે જેવા પ્રશ્નો પૂછતાં હોય છે. આ સમય દરમિયાન ઓપરેટર બાળકને સમજાવીને મમ્મી કે પપ્પાને ફોન આપવાનું કહેતાં બાળક ફોન મુકી દે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા અઠવાડીયાથી 104 નંબરની હેલ્પલાઇન પર કોલ્સની સંખ્યા 16 હજાર સુધી પહોચી ગઈ છે.
104 નંબરની હેલ્પલાઇન પર આ પ્રકારના ફોન કોલ્સ આવે છે….
બપોરના સમય દરમિયાન કેટલાંક લોકો ટાઇમ પાસ કરવા ફોન કરે છે અને ઓપરેટરને ઉખાણા જોક્સ કહે છે. તો કેટલીકવાર શાયરી પણ ફટકારી દે છે. વારંવાર સમજાવવા છતાં પણ ફોન ન મુકતા ઓપરેટર વાત કરવાનું ટાળી દે છે.
તો કેટલાક યુવાનો હેલ્પલાઇન પર કોલ કરીને મહિલા ઓપરેટર સમક્ષ અશ્લીલ માંગણી કરતા હોય છે. જેમાં તમે કેવા દેખાવો છો, તમારો અવાજ સરસ છે, જેવી વાતો કરે છે. ત્યારે મહિલા ઓપરેટર પુરુષ ઓપરેટરને ફોન ટ્રાન્સફર કરતાં સામે છેડેથી ફોન મૂકી દેતા હોય છે.
તો અમુક કિસ્સામાં ફોન કરીને સામે છેડેથી કોઇ બોલતું જ નથી, તેવા સમયે સામે છેડેથી જવાબ ન મળતાં ઓપરેટર ફોન મુકી દે છે. જયારે કેટલાંક લોકો લૉકડાઉનના સંજોગોમાં શહેરની વિવિધ જગ્યાએ જવા માટે કયા રસ્તે જવું જોઈએ તેની માહિતી માંગતા હોય છે.
આશ્ચર્યની બાબત તો એ છે કે, પતિ અને પત્નીના ઝઘડાને લઈને પણ ફોન આવતા હોય છે. જેમાં તેમના પ્રશ્નો પણ વિચિત્ર હોય છે, જેમ કે કેટલાંકને પરીક્ષામાં નાપાસ થઇ જવાનો ડર તો કેટલાકને મારી પત્ની જતી રહી છે શું કરું, મને તેના વિના ગમતુ નથી, એકલા એકલા કંટાળો આવે છે? જેવાં ફોન પણ હેલ્પલાઇનમાં આવતાં હોય છે.
અત્રે ઉલ્લ્ખેનીય છે કે, 104 નંબરની આ હેલ્પલાઇન લોકોને કોરોના અંગે જરૂરી માહિતી મેળવવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકો તેનો સદુપયોગ કરે તે મહત્વનુ બની જાય છે.