રાજકોટના રાજવી, અગ્રણી ઉદ્યોગપતિ, લોકસાહિત્યકાર, ક્રિકેટર, કેળવણીકાર અને ભજનિકને પોલીસે સન્માનિત કરી બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા
કોરોના મહામારીના ચેપને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉનને તા.૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ રાજકોટમાં કોરોના વાયરસ વધુ પસરે નહી અને લોક ડાઉનનો સરળ રીતે પોલીસ અમલ કરાવી શકે તે હેતુસર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના જુદા જુદા ક્ષેત્રના શ્રેષ્ઠીઓનું સન્માન કરી તેઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.
પોલીસ હેડ કવાર્ટર ખાતે શહેરના આગેવાનોને પોલીસ દ્વારા આમંત્રણ આપી કોરોના સામેની લડાઇમાં સહયોગ આપવા કરાયેલી અપીલને પગલે રાજકોટ રાજવી માંધાતાસિંહજી જાડેજા, જ્યોતિ સીએનસીના ઓર્નર પરાક્રમસિંહ જાડેજા, રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, બાનલેબ્સના મૌલેશભાઇ ઉકાણી, કેળવણીકાર ડી.વી.મહેતા, ડો.કપીલ સંઘવી, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, બાલાજી વેફરના ચંદુભાઇ વીરાણી, મારવાડી કોલેજના કેતનભાઇ મારવાડી, દિવ્યેશભાઇ, બીપીનભાઇ હડવાણી, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, ડો.જય ધીરવાણી, કલ્પનાબેન, લોકસાહિત્યકાર ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, હાસ્ય કલાકાર સાંઇરામ દવે, ધીરૂભાઇ સરવૈયા,ભજનીક હેંમત હાણ, ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રધ્ધા ડાંગર, ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારા, જયદેવ શાહ, સિતાંશુ કોટક, ધમેન્દ્રસિંહ જાડેજા, અર્પિત વસાવડા એન્કર તેજશ શિશાંગીયા, આર. જે. આકાશ, આર. જે. વિનોદ, આર.જે.શિતલ ને આર.જે.આભાબેન ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ ક્ષેત્રનાઅગ્રણીઓનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડી.સી.પી.ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના હસ્તે સન્માન કરી કેપ અર્પણ કરી હતી. તેમજ તેઓને કોરો વાયરસને આગળ વધતો અટકાવવા શહેરીજનોને સંદેશો પાઠવવા જણાવ્યું હતુ. રાજવી માંધાતાસિંહજી જાડેજાએ લાખાજીરાજબાપુના સમયમાં આવેલા પલેગ અને ૧૯૭૯ થયેલી મોરબી હોનારત સમયે રાજકોટ રાજવી દ્વારા અસરગ્રસ્તોની વ્હારે આવ્યા હતા તે રીતે જ કોરોનાના કારણે દેશ માટે આવી પડેલી આપતિમાં રાજકોટ સ્ટેટ તમામ રીતે સહયોગ આપવા તત્પર રહેશે અને સરકાર દ્વારા કરાયેલા સુચનનું શહેરીજનોએ ચુસ્ત રીતે પાલન કરવા સંદેશો પાઠવ્યો હતો.
સાંઇરામ દવે, ધીરૂભાઇ સરવૈયાએ પોતાની માર્મીક ટકોર સાથે શહેરીને ઘરમા રહી સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો હતો. જ્યારે દેવાયત ખવડ, કિર્તીદાન ગઢવી અને ઓસમાણ મીરે પોતાની સાહિત્યની ભાષામાં કોરોના સામેનો જંગ જીતવા શહેરીજનોને અનુરોધ કર્યો હતો. બાનલેબ્સના મૌલેશભાઇ ઉકાણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે કોરોના સામેના જંગમાં તંત્રને પોતાના તન, મન, અને ધનથી સહયોગ આપવાની ખાતરી સાથે શહેરીજનોને લોક ડાઉનનો અમલ કરવા પર ભાર મુકયો હતો. બાલાજી વેફર્સના માલિક ચંદુભાઇ વિરાણી અને જાણીતા કેળવણીકાર ડી.વી.મહેતાએ લોક ડાઉનને અસરકારક બનાવી કોરોનાના ચેપને આગળ વધતો અટકાવવા શહેરીજનોને અનુરોધ કર્યો હતો.
ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારા, રિવાબા જાડેજા અને સિતાન્શુ કોટકે સરકાર દ્વારા અપાયેલા સુચન મુજબ તંત્રને સહકાર અને સહયોગ આપી કોરોના સામેની લડાઇ લડી જીત મેળવવા કહ્યું હતું. એન્કર તેજશ શિશાંગીયાએ પોલીસ પોતાના પરિવારથી દુર રહી શહેરીજનોને ઘરમાં રહેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેઓને સહકાર અને સહયોગ આપવા કહ્યું હતું.
સાચા સમયે લોકડાઉનનો નિર્ણય સરાહનીય: માંધાતાસિંહજી જાડેજા
રાજકોટનાં રાજા માંધાતાસિંહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મોદીજી દ્વારા લોકડાઉનનો ખુબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે જેના દ્વારા સુખદ ફળ મળી શકે છે. તેથી સૌ કોઈએ સાથે મળી લોકડાઉનને અનુસરવું જોઈએ. જેનાથી આપણે કોરોનાને મ્હાત આપી શકીશું તેથી સૌએ સાથે મળી લડત આપવી જરૂરી બની છે.
‘આઘો મર’ હાલ સાર્થક થઈ રહ્યું છે: સાંઈરામ દવે
હાસ્યકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આપણી ગુજરાતી ભાષાની કહેવત છે કે, ‘આઘો મર’ તે હાલ ખરાઅર્થમાં સોશિયલ ડિસ્ટન્સથી સાર્થક થઈ છે. હાલમાં કોરોનાથી બચવાનો સરળ ઈલાજ સોશિયલ ડિસ્ટન્સ જ છે ત્યારે ખાસ આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ.
કોરોનાને મ્હાત આપવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી: મૌલેશભાઈ ઉકાણી
બાન લેબ્સનાં મૌલેશભાઈ ઉકાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં જે કોરોના કહેર સમગ્ર વિશ્ર્વમાં છપાયો છે ત્યારે ભારત દ્વારા તેને લડત આપવામાં આવી રહી છે ત્યારે સર્વે કોઈએ સાથે મળી કોરોનાને લડત આપવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ જેનાથી આપણે કોરોનાને મ્હાત આપી શકીશું.
આપણી સલામતી આપણે જ રાખીએ: ચેતેશ્ર્વર પૂજારા
ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સૌ કોઈને નમ્ર વિનંતી છે કે, હાલનાં સમયમાં ઘરે રહેવું ખુબ જ જરૂરી છે. તેથી લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવો જોઈએ અને ખાસ ઘરની અંદર રહીને આપણે આપણી સેફટી વિચારીને ઘરમાં રહી સહકાર આપવો જોઈએ.
સરકારને સહકાર આપી કોરોનાને ભગાડી શકાશે: દેવાયતભાઈ ખવડ
સાહિત્યકાર દેવાયતભાઈ ખવડએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલનાં સમયમાં જે વિકરાળ સમસ્યા ઉદભવી છે ત્યારે દેશનાં એક નાગરિક અને સાહિત્યકાર તરીકે તમામ લોકોને નિવેદન આપ્યું હતું છે. સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ. ઘરે રહી સુરક્ષિત રહીને જ દેશ સેવા કરી શકાશે. સરકારને આપણે સહકાર આપીશું તો કોરોનાને ભગાડી શકાશે.
હાલમાં લોકડાઉન શારીરિક છે, માનસિક નહીં: ડી.વી.મહેતા
ડી.વી.મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેવો શિક્ષણ જગતમાંથી આવે છે ત્યારે હાલમાં માત્ર શારીરિક લોકડાઉન છે માનસિક નહીં. વિદ્યાર્થીઓએ માત્ર પોતાના શિક્ષકો સાથે કનેકટ રહી ઓનલાઈન શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેથી સૌકોઈએ માનસિક રીતે અલગ-અલગ પ્રવૃતિઓમાં જોડાવું જોઈએ.
રાજકોટ શહેર પોલીસનો આ પ્રયાસ સરાહનીય છે: જયદેવ શાહ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં પ્રેસિડેન્ટ જયદેવ શાહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પોલીસ દ્વારા અલગ-અલગ વ્યકિતઓને નિમિ નિવેદનો આપવામાં આવી રહ્યા છે આ બાબત સરાહનીય છે. ખાસ તો હાલમાં જે રીતે કોરોના વિકટ સમસ્યા બની છે ત્યારે તેને નિવારવા માટે સૌએ ઘરે રહી લોકડાઉન પાળવું જોઈએ.
ઘરે રહી સુરક્ષિત રહેવું: હેમંત ચૌહાણ
ભજનીક હેમંત ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં કોરોનાને લડત આપવા સમગ્ર દેશ કાર્યરત છે ત્યારે ખાસ તો રાજકોટ શહેર પોલીસ દ્વારા તેઓને સહરક્ષક તરીકે નિમવામાં આવ્યા છે. તેથી તેવો પણ તેમની ફરજ બજાવી લોકોને ઘરે રહી સુરક્ષિત રહેવા નિવેદન પાઠવ્યું હતું.
લોકડાઉનનું પૂર્ણ પાલન કરી મહામારીનો નિકાલ આવી શકશે: કિર્તીદાન ગઢવી
ગાયક કિર્તીદાન ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેવોને પોલીસ સહરક્ષક તરીકે નિમવામાં આવ્યા છે ત્યારે પોલીસની સાથો સાથ તેવોએ પણ પ્રજાને અપીલ કરી હતી કે, લોકડાઉનને પૂર્ણ સહકાર આપી ઘરમાં જ રહી પાલન કરવું જોઈએ તો જલ્દીથી આ મહામારીનો નિકાલ આવી શકશે.