મનપાના આસી. મેનેજર કાશ્મિરાબેન વાઢેરની ફરજનિષ્ઠાને મુકત કંઠે બિરદાવતા મ્યુ. કમિશનર અગ્રવાલ
મમ્મી અને પપ્પા જ્યારે ઘેરથી ઓફિસ જવા નીકળે અને એ વખતે બે સવા બે વર્ષનું સંતાન તેમને રોકે….રડવા લાગે….મમ્મી …મમ્મી ….પપ્પા …પપ્પા ની બૂમો પાડે પરંતુ માતા પિતાએ પોતાના હૃદય પર પથ્થર મુકીને તેમના કાળજાના કટકા સમા તેમના બાળકના રૂદનને નજરઅંદાજ કરી ગમે તેમ કરીને પણ સરકારી કચેરીમાં પોતાની ફરજ બજાવવા નીકળી જવું પડતું હોય ત્યારે આ દ્રશ્ય નિહાળનાર કોઇપણ પાષાણહૃદયી માનવીની આંખો પણ ભીની કરી નાંખે.
રાજકોટ મહાનગરપાલિકામાં નિષ્ઠાપૂર્વક કર્તવ્ય પાલનનું વધુ કે ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસી. મેનેજર કાશ્મીરા વાઢેર મનપામાં શરુ કરવામાં આવેલ કોરોના કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તરીકે પોતાની ફરજ નિભાવી રહયા છે અને એ પણ પોતાની જી.એ.ડી અને આરોગ્ય શાખાની મૂળ ફરજો ઉપરાંત વધારાની કામગીરી તરીકે. કાશ્મીરા વાઢેર સવા બે વર્ષની વયની પુત્રીના માતા છે અને તેઓના પતિ આશિષભાઈ રમેશભાઈ ડોડીયા પણ પી.જી.વી.સી.એલ.માં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને તેઓ પણ પી. જી. વી. એસ. એલ. ના કંટ્રોલ રૂમમાં જ…. જવાબદારી નિભાવી રહયા છે…!!!
હાલ તેઓ સવારે ૮:૦૦ વાગ્યાી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી કલેકટરના ઓર્ડરથી લોકડાઉનના સમયગાળા દરમ્યાન નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ અવરોધ વિના સરળતાથી મળી રહે તે માટે રાશન વિતરણની કામગીરીમાં પણ જોડાયેલ છે. કાશ્મિરા વાઢેર અને તેમના પતિ આશિષભાઈ તેમની સવા બે વર્ષની પુત્રીને ઘેર મુકીને હાલના સમયમાં રોજ દસથી બાર કલાક પોતપોતાની ફરજ બજાવી રહયા છે એ હકિકત ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ગંભીરતાની પરાકાષ્ટા બતાવે છે.
મનપાની જી.એ.ડી. અને આરોગ્ય શાખાની જવાબદારી સંભાળવા ઉપરાંત ઉપરાંત કંટ્રોલ રૂમની વધારાની અત્યંત ગંભીર જવાબદારી પણ શ્રી કાશ્મીરાબેન નિભાવે છે. કાશ્મીરા વાઢેરે ક્ધટ્રોલ રૂમ શરૂ થયાના શરૂઆતી દિવસો દરમ્યાન તો સવારે ૦૮:૩૦ થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી સતત કંટ્રોલ રૂમનું મોનીટરીંગ કર્યું હતું અને અત્યારે પણ દિવસ રાત જોયા વગર અને પોતાની સવા બે વર્ષની પુત્રીને ભૂલીને પણ આ ફરજ બજાવે છે. કાશ્મીરા વાઢેરની કર્તવ્યનિષ્ઠાને મ્યુનિ. કમિશનરએ મુક્ત કંઠે બિરદાવી હતી.