આવશ્યક સેવાઓ માટેના પાસ રિન્યુ કરવાની જરૂર નથી, મુદત ૩ મે સુધી વધારાઈ: જે વિસ્તારમાં કોરોનાના કેસ નથી તે વિસ્તારમાં શરતી છુટછાટ અપાય તેવી ધારણા
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રથમ તબક્કે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ સરકાર દ્વારા ફરીથી ૩ મે સુધીની લોકડાઉનની અમલવારી કરાવવામાં આવી રહી છે. આ લોકડાઉનની જાહેરાત ગઈકાલે વડાપ્રધાન મોદી દ્વારા થઈ હતી. તેમણે આગામી ૨૦મી બાદ શરતોને આધીન લોકડાઉનમાં છુટછાટ મળશે તેવા સંકેતો પણ આપ્યા હતા. જેના અનુસંધાને ગુજરાત સરકારની કેબીનેટ દ્વારા ટૂંક સમયમાં ૨૦મી એપ્રીલ બાદ છુટછાટ અપાય તેવી કવાયત હાથ ધરાઈ છે.
બીજી તરફ આવશ્યક સેવાઓ માટેના પાસ જેમણે લીધા છે તેમને હવે રિન્યુ કરાવવાની જરૂરીયાત ન હોવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. લોકડાઉન માટે હલન-ચલન માટેના પાસની મુદત આગામી તા.૩ મે સુધી વધારવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. જેના કારણે પાસ રિન્યુ કરાવવાની માથાકૂટમાંથી લોકોને છુટકારો મળશે. આગામી સમયમાં કેબીનેટ દ્વારા લોકડાઉનને હળવો કરવા મુદ્દે પણ નિર્ણય લેવાશે. વર્તમાન સમયે રાજયના ત્રણ ઝોનમાં ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રીન ઝોન એટલે કે, જ્યાં એકપણ કેસ નથી અથવા તો સાવ ઓછી સંખ્યામાં કેસ છે અને હોટસ્પોટની રચના થઈ નથી તેવા ગ્રીન ઝોનમાં આગામી સમયમાં છુટછાટ મળે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ અને બરોડા સહિતના મોટા શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. સંક્રમણના કેસને રોકવા માટે સરકારે લોકડાઉનની કડક અમલવારી કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, રાજકોટ અને બરોડા સહિતના શહેરોમાં નાગરિકોને માસ્ક વગર બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. માસ્ક વગર ઘરની બહાર આંટાફેરા કરનાર લોકો પાસેથી કડક દંડ વસુલવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં જ્યાં જ્યાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઓછી છે ત્યાં મહદઅંશે લોકડાઉનની મુક્તિ આપવામાં આવશે. નાના ધંધા-રોજગાર ફરીથી ધમધમે તેવી શકયતા છે. અલબત સરકાર દ્વારા લોકડાઉનમાં આપવામાં આવનાર મુક્તિ શરતી હશે. જો જે તે વિસ્તારમાંથી કોરોનાના કેસની સંખ્યા વધશે અથવા હોટસ્પોટ ઉભુ થશે તો સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિ પરત ખેંચી લેવામાં આવશે.
દરમિયાન સરકાર દ્વારા આવશ્યક સેવાઓ વિઘ્ન વગર સતત ચાલુ રહે તે માટે પાસની ફાળવણી કરવામાં આવી હતી. આ પાસ લોકડાઉન પૂરું થાય ત્યારે અમાન્ય ઠરવાના હતા. અલબત વડાપ્રધાન મોદીએ ૨૧ દિવસના લોકડાઉનને વધારી દીધું છે અને આગામી તા.૩ મે સુધી દેશભરમાં લોકડાઉન રહેશે. પરિણામે પાસની મુદત પણ આગામી ૩ મે સુધી વધારવામાં આવી છે.
નોંધનોીય છે કે લોકડાઉનની જાહેરાત ગઈકાલે વડાપ્રધાન મોદી દ્વારા થઈ હતી. તેમણે આગામી ૨૦મી બાદ શરતોને આધીન લોકડાઉનમાં છુટછાટ મળશે તેવા સંકેતો પણ આપ્યા હતા. જેના અનુસંધાને ગુજરાત સરકારની કેબીનેટ દ્વારા ટૂંક સમયમાં ૨૦મી એપ્રીલ બાદ છુટછાટ અપાય તેવી કવાયત હાથ ધરાઈ છે.