ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરળ, સાલસ અને સજ્જન છે, એવું અનેક વખત આપણને જોવા મળ્યું છે. પરંતુ આજે એમણે ભલમનસાઈનું નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અમદાવાદના ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને તેમણે સામેથી ફોન કરી ને તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમની સ્વસ્થતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખેડાવાલાએ કોરોના રિપોર્ટ માટે સેમ્પલ આપ્યું હોવા છતાં તેઓ મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને પોતાની નાદુરસ્ત તબિયતની વિગતો છુપાવી હતી. આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિને ભયાનક ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરંતુ CM રૂપાણીએ ફરી એક વખત પુરવાર કર્યું કે તેઓ નખશીખ સજ્જન છે.
અમદાવાદ શહેરના અન્ય ધારાસભ્યો ગ્યાસુદિન શેખ અને શૈલેષભાઇ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી આ ધારાસભ્યોના ખબર પણ CM રૂપાણીએ પૂછ્યા હતા. આ બેઉ પણ ખેડાવાલાની સાથે જ મુખ્યમંત્રીને મળ્યા હતા. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બેય આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીએ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. નોંધનીય છે કે, ખેડાવાલાને મળ્યા હોવાથી જ મુખ્યમંત્રી આવનારા આઠેક દિવસ સુધી પોતાના નિવાસસ્થાનેથી જ રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે, તેવો નિર્ણય પણ તેમણે કર્યો છે.