કોરોના રૂપી વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીઓ ખભે – ખભા મિલાવી લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તન-મન-ધનથી યોગદાન આપી રહ્યા છે. તેવા સમયે ઝાલાવાડના નામે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના સમાહર્તા કે. રાજેશએ પણ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટેના નિષ્ઠાવાન કાર્યની સાથે તેમના એક મહિનાના પગારની રૂપિયા ૧ લાખથી વધુની રકમ મુખ્યમંત્રીના રાહતફંડમા આપીને સાચા અર્થમાં તેમની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેઓ ગુજરાતના જ નહીં પરંતુ સંભવત: સમગ્ર દેશના ભારતીય પ્રશાસનિક સેવાના પ્રથમ અધિકારી બન્યા છે કે, જેણે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીના રાહત ફંડમાં અર્પણ કર્યો હોય.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશએ મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપેલ અનુદાન બાબતે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સમયમાં વડાપ્રધાન સહિતના સાંસદઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યઓ દ્વારા તેમના પગારની ૩૦ ટકા રકમ રાહત ફંડમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી મને પણ થયું કે, હું પણ મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીના રાહતફંડમા આપી સરકારની કોરોના સામેની લડાઈના કાર્યમાં આર્થિક રીતે સહભાગી બનું. સરકારમાં રહેલા ભારતીય પ્રશાસનિય સેવાના આવા અધિકારીની કર્મશીલ યજ્ઞકાર્યના પરિણામે જ સરકારની સંવેદનશીલતાના દર્શન સાચા અર્થમાં લોકોને થતા હોય છે.