સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું ફરજીયાત તમામ આયોજનની ખાતરી બાદ સમિતિ નક્કી કરે તે તારીખે યાર્ડ ચાલુ કરાશે
ખરીદીની પ્રક્રિયા માટે અગાઉથી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉનના કારણે જામનગર સહીત રાજયભરમાં માર્કેટ યાર્ડ બંધ છે. પરંતુ લોકડાઉનમાં વધારો થતાં આ સમયગાળામાં રવિ સીઝન બાદ ખેડૂતોની જણસો પડી હોય આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. બીજી બાજુ આ કપરી સ્થિતિમાં જીવન જરૂરિયાતની અનાજ, કરીયાણું ચીજ વસ્તુ મળી રહે તે પણ જરૂરી છે, ત્યારે રાજયના ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકે કોરોના વાયરસ સંક્રમણ વકરે નહીં તે માટે જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરી ફરજીયાત સામાજીક અંતર જળવાય રહે તથા અન્ય તમામ જરૂરી વ્યવસ્થા કરી માર્કેટ યાર્ડ શરૂ કરવા આદેશ કરતો પરિપત્ર કર્યો છે. જેમાં સ્થાનિક પરિસ્થિતિ, જરૂરિયાત, મજૂરોની પ્રાપ્યતા, વેપારી, કમીશન એજન્ટ અને ખેડૂતોની સંખ્યા સહીત તમામ આયોજનની ખાતરી કરી સમાજીક અંતર જળવાય તે રીતે સમિતિ નકકી કરે તે તારીખે યાર્ડ ચાલુ કરવા જણાવ્યું છે. આટલું જ નહીં સમિતિએ પધ્ધતિ નકકી કરી ખરીદીની પ્રક્રિયા માટે અગાઉથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી છે.
જામનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસીની હરરાજી શરૂ કરવાના નિયામકના પરિપત્રના અનુસંધાને જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જેની પ્રથમ બેઠક બુધવારે સવારે ૧૧ કલાકે જામનગર હાપા યાર્ડમાં રાખવામાં આવી છે. જેમાં ખરીદીની પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશનની પધ્ધતિ નકકી કરવા, ખરીદીની વ્યવસ્થા, હરરાજીની કાર્ય પધ્ધતિ, જણસી પ્રમાણે દિવસ,વાર નકકી કરી જાહેર હરરાજી કરવા, સુચારૂ વ્યવસ્થા દેખરેખ માટે અધિકારી કર્મચારીની નિમણૂંક, સામાજીક અંતર, માસ્ક, સેનેટાઇઝર વગેરે બાબતે સાવચેતીની વ્યવસ્થાની ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે.
આ સમિતિમાં પાંચ સભ્યની જેમાં જિલ્લા રજીસ્ટ્રાર ચેરમેન,જિલ્લા ખેતીવાડી અધિકારી-સભ્ય, જિલ્લા બાગાયત અધિકારી-સભ્ય,સંબધિત બજાર સમિતિના ચેરમેન,સેક્રેટરી-સભ્ય,સહકારી અધિકારી(બજાર)-સભ્ય સચિવફરજ બજાવસે .
જેમાં ગાઈડ લાઇન મુજબ જિલ્લા સમિતિએ અધિકારીની નિમણૂંક, ખેડૂતોની સંખ્યા, ક્રમાનુસાર હરરાજી, સેનિટાઇઝીંગ, માસ્ક, ગ્લોઝની વ્યવસ્થા કરાવવાની રહેશેઅનાજ માર્કેટયાર્ડ માટે જિલ્લા રજીસ્ટ્રાર, ખેતીવાડી અને બાગાયત અધિકારીએ સંયુકત રીતે બજાર સમિતિમાં જિલ્લાકક્ષાએથી અધિકારી,કર્મચારીની નિમણૂંક કરવાની રહેશે.બજાર સમિતિએ ખરીદીની પ્રક્રિયા માટે અગાઉ થી ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી આ માટેની પધ્ધતિ નકકી કરવાની રહેશે. નોંધણી બાદ તારીખ અને વાર મુજબ નિશ્ચિત કરેલી સંખ્યામાં ખેડૂતોને યાર્ડમાં બોલાવાના રહેશે.
સમિતિએ પ્રત્યેક બજાર સમિતિ માટે તેઓના કાર્યક્ષેત્ર, વર્ગ, બજાર વિસ્તારને ધ્યાને લઇ રજીસ્ટર થયેલા ખેડૂતો પૈકી દરરોજ કેટલા ખેડૂતો વેચાણ માટે આવી શકશે તેની સંખ્યા નકકી કરવાની રહેશે.
રજીસ્ટ્રેશન બાદ નકકી કરેલી તારીખ અને સમયે ખેડૂતો પોતાની ખેત ઉત્પાદનનું સેમ્પલ લઇ યાર્ડમાં આવે ત્યાં તેના ભાવ નકકી થાય અને પછી વેપારી ખેડૂતના ખેતરેથી જ તે ખેત ઉત્પાદન અથવા ખેડૂત વેપારી દ્વારા પરસ્પર સમજૂતીથી નકકી કરેલા ગોડાઉન અથવા ફેકટરી કે જગ્યા પર તે પહોંચાડે તે મુજબ વ્યવસ્થા કરી શકશે.જો સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તો જ ખેડૂતો પોતાની જણસ યાર્ડમાં લઇને આવે અને ખેડૂત પોતાના વાહનમાં રહે તથા વેપારીઓ ક્રમાનુસાર હરરાજીથી માલની ખરીદી કરે તે મુજબની પધ્ધતિ અપનાવાની રહેશે.માસ્ક ન પહેરનાર તથા સેનીટાઇઝરનો ઉપયોગ ન કરનાર વ્યકિતને અનાજ માર્કેટ યાર્ડ કે સબયાર્ડમાં પ્રવેશ ન કરે તેની જવાબદારી બજાર સમિતિ અને અધિકૃત કરેલા અધિકારી, કર્મચારીની રહેશે.બજાર સમિતિએ પોતાના વિસ્તારની મુખ્ય જણસો કંઇ કઇ છે તે અલગ પાડી જણસ પ્રમાણે દિવસ,વાર નકકી કરી અલગ અલગ જણસ માટે અલગ દિવસ નકકી કરી ખેડૂતોને બોલાવી શકાય જેથી ભીડ ન થાય.બજાર સમિતિમાં કામ કરતા વેપારી,કમિશન એજન્ટ, હમાલ, તોલાટ, અન્ય કર્મચારીઓ તથા વેચાણ અર્થે આવતા ખેડૂતોનું સંપૂર્ણપણે સેનેટાઇઝીંગ,માસ્ક, ગ્લોઝની પૂરતી વ્યવસ્થા અને અમલીકરણ કરવાનું રહેશે તેમજ દરેક વ્યકિતની ડીઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન દ્વારા આરોગ્યની ચકાસણી કરવાની રહેશે.સોશ્યલ ડીસ્ટન્સીંગનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.અનાજ માર્કેટ યાર્ડ, સબયાર્ડમાં પ્રવેશનાર દરેક વ્યકિત સેનીટાઇઝરનો ઉપયોગ કરી પ્રવેશ કરે અને માસ્ક સિવાય પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. સમિતિએ પધ્ધતિ નકકી કરી ખરીદીની પ્રક્રિયા માટે અગાઉથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.જે માર્કેટ યાર્ડમાં શાકભાજી અને અનાજ બજાર એક જ જગ્યાએ હોય તે યાર્ડમાં શાકભાજી અને અનાજ ખરીદ વેચાણ માટે અલગ સમય નકકી કરવાનો રહેશે.