સ્મોલકેપ અને મિડકેપમાં લેવાલી: લાંબા સમયે તેજીનું જોર વધતા રોકાણકારોએ રાહતનો શ્ર્વાસ લીધો
મહામારીના પગલે લાંબા સમયથી ઐતિહાસિક કડાકાઓના સાક્ષી બનેલા શેરબજારમાં આજે તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્રણ થી ચાર મહિના પહેલા ૪૪૦૦૦ની સપાટીએ પહોંચેલ સેન્સેકસ વર્તમાન સમયે ૩૧૫૦૦ની સપાટીએ છે.
પરંતુ આગામી સમયમાં ફરીથી રિકવર થશે તેવી આશાઓ સાથે બજારમાં આજે ૮૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨.૭૦ ટકા એટલે કે ૮૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
બીજી તરફ નિફટી-ફીફટીમાં પણ તેજી જોવા મળી રહી છે. આ લખાય છે ત્યારે નિફટી-ફીફટી ૨૫૭ પોઈન્ટ એટલે કે, ૨.૮૬ ટકાના ઉછાળા સાથે ૯૨૫૧ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.
બેંક નિફટીમાં પણ ૫૯૭ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. મિડકેપના શેરમાં પણ તોફાની તેજી આજે જોવા મળી રહી છે.
મીડકેપના ગ્લેનમાર્ક, દાલમીયા ભારત, અશોક લેલન્ડ, ગોદરેજ, એસ્કોટ અને મેકસ ફાયનાન્સ જેવા શેરમાં ૧૧ ટકા સુધીનો ઉછાળો આજે જોવા મળ્યો છે.
બીજી તરફ આજે ટોપ ગેનર્સમાં વર્તમાન સમયે યુપીએલ ૧૩.૮૬, ઈન્ડુસીન્ડ બેંક ૬.૯૬, એકસીસ બેંક ૬.૭૬, આઈસીઆઈસી બેંક ૬.૧૧, આઈટીસી ૫.૭૩ અને એનટીપીસી ૫.૭૬ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
નિફટી-ફિફીમાં અત્યારે ટોપ લુઝર્સમાં અત્યારે કોટક મહિન્દ્રા અને ભારતી એરટેલનો જ સમાવેશ થયો છે.
આજે એચડીએફસી બેંક, એકસીસ બેંક, બજાર ફાયનાન્સ, રિલાયન્સ અને સનફાર્મા સહિતના શેરમાં મોટા પ્રમાણમાં વોલ્યુમ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર પડી ભાંગ્યું છે. આવા સંજોગોમાં ભારતીય શેરબજાર પર પણ લાંબા સમય સુધી માઠી અસર જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં મસમોટા ગાબડા પડ્યા હતા. ત્યારબાદ સરકારે અર્થતંત્રને રાહત મળી રહે તે પ્રકારના પગલા લેતા બજારમાં રાહત થઈ છે.