પ્રજાના રક્ષકની જ્યારે વાત આવે ત્યારે ‘પોલીસ’ શબ્દ સૌના મગજમાં આવતો જ હોય છે. હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન અમલી છે ત્યારે લોક ડાઉન સંપૂર્ણપણે સફળ બને તે હેતુસર પોલીસ અધિકારી – કર્મચારી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. પોલીસકર્મીઓ નિષ્ઠાપૂર્વક પોતાના કર્તવ્યનું તો નિર્વહન કરી જ રહ્યા છે પરંતુ પોલીસ ખરા અર્થમાં પ્રજાની રક્ષક છે તેવા દ્રશ્યો રાજકોટ ખાતે સામે આવ્યા છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારને હોટ સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે તેમજ વિસ્તારને સીલ કરી દેવાયો છે ત્યારે રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સ્પેકટર સુખવીંદરસિંઘ ગડ્ડુની ખૂબ પ્રસંશનીય કામગીરી સામે આવી છે.
જંગલેશ્વર વિસ્તારના લોકો ભોજન માટે હાલાકી ન ભોગવે તેની ચિંતા કરી પીઆઇ સુખવીંદરસિંઘ ગડ્ડુએ લોકોની ચિંતા કરી અનેકવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આશરે ૩૩૦૦ લોકોને ભોજન પૂરું પાડ્યું હતું.
એ ઉપરાંત ઘરમાં રહેલા નાના બાળકો માટે દ્રાક્ષ અને મોસંબી જેવા ફળનું પીએન વિતરણ કરી ખરા અર્થમાં પ્રજાના રક્ષકની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખ્નિય છે કે પીઆઇ સુખવીંદરસિંઘ ગડ્ડુ અવાર નવાર આર્થિક પછાત લોકોની ચિંતા કરી અનેકવિધ સરાહનીય કામગીરી કરતાં રહે છે.