કુલ ચાર દર્દીઓની કોરોના વાયરસને પરાસ્ત કરી સ્વસ્થ ઘર વાપસી કરી
ભયભીત માહોલમાં પણ હોસ્પિટલના સ્ટાફે હિંમતભરી કામગીરી દાખવી
કોરોના કોવિડ ૧૯ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે સાથે કોરોનાને મ્હાત આપી સાજા થતા દર્દીઓની પણ સંખ્યા વધતા રાજકોટવાસીઓમાં રાહતનો શ્વાસ લેવાયો છે. એ જ રીતે રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ધરતીબેન હાપલીયાએ પણ ૧૯ દિવસની સારવાર બાદ કોરોનાના સેમ્પલ ચકાસતા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સાથે સિનર્જી હોસ્પિટલમાંથી અત્યાર સુધી કુલ ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ઘર વાપસી કરી હતી.રાજકોટમાં તા. ૧૮મી માર્ચ થી શરૂ થયેલો કોરોના પોઝિટિવ નો સિલસિલો હાલ કુલ ૧૮ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં દુબઇ થી આવેલા બિલ્ડર યુવાનના સંપર્કમાં આવેલા દંપતીને પણ કોરોનાનો ચેપ લાગતા ગત તા.૨૭મી માર્ચના રોજ ધરતીબેન રાકેશભાઈ હાપલીયાના સેમ્પલ મેળવી તપાસ કરાવતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પતિના પોઝિટિવ રિપોર્ટ બાદ પત્નિનો રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને શહેરની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૧૯ દિવસની તબીબો અને હોસ્પિટલ સ્ટાફની સધન મહેનતે ત્રણ દર્દીઓને રજા આપી હતી. ત્યાર બાદ ફરી વધુ એક કોરોના પોઝિટિવ દર્દીને રજા આપતા હોસ્પિટલમાં રહેલા ચારેય દર્દીઓએ કોરોનાબે મ્હાત આપી સ્વસ્થ ઘર વાપસી કરી છે.શહેરની સિનર્જી હોસ્પિટલમાં ડો. વિજય ડોબરીયા અને તેમની ટીમે તમામ દર્દીઓ સાથે ફક્ત દર્દીના જ નહીં પરંતુ તેમને પારિવારિક સબંધ કેળવી કોરોના સામે લડવાની હિંમત પણ પાઠવી છે. સિનર્જી હોસ્પિટલમાં અત્યાર સુધી મયુરધ્વજસિંહ, પ્રિયદર્શનસિંહ, રાકેશ હાપલીયા બાદ હવે ધરતી હાપલીયાનો પણ રિપોર્ટ નેગેટિવ આવતા તેમને પણ સ્વસ્થ ઘર વાપસી કરી છે.
હોસ્પિટલ સ્ટાફ અને પરિવારની પ્રેરણા દ્વારા જિંદગીનો જંગ જીતી : ધરતી હાપલીયા
પતિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ માનવામાં ન હોતું આવતું. રિપોર્ટ પોઝિટિવ આવતા ભયભીત થઈ ગઈ હતી. થોડા દિવસ જમવાનું પણ ત્યાગી દીધું હતું. પરંતુ પરિવાર ના સહયોગ અને સિનર્જી હોસ્પિટલના સ્ટાફની પ્રેરણા સાથે મળી કોરોના વાયરસ સામે લડવાની હિંમત આવી હતી. ડો. વિજયભાઈ ડોબરીયા અને તેમની ટીમે ૧૯ દિવસની મહામહેનતે અને લાગણી સબર સારવારથી આજ રોજ મેં જિંદગીની જંગ જીતી છે. સાથે લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ ડરવાની જરૂર નથી. હિંમત સાથે સ્વસ્થ રહી કોઈ પણ સારું પરિણામ મેળવી શકે છે.
કોરોનાં વાયરસને હાર આપવામાં સિનર્જી હોસ્પિટલનું ૧૦૦ ટકા પરિણામ : ડો. વિજય ડોબરીયા
વિશ્વભરમાં મહામારી સર્જનાર કોરોના વાયરસના ચાર દર્દીઓ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંના ચારેય દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા સિનર્જી હોસ્પિટલ દ્વારા ૧૦૦ ટકા પરિણામ આપ્યું છે. વધુમાં જણાવતા ડો. વિજય ડોબરીયાએ કહ્યું હતું કે હોસ્પિટલના તબીબો સહિત તમામ કર્મચારીઓ કોરોના વાયરસને મ્હાત આપવા ૨૪ કલાક મહેનત કરે છે. જાન લેવા વાયરસ માંથી દર્દીઓને સાજા કરવા માટે સ્ટાફ દ્વારા નિડર રહી દર્દીઓ સાથે પારિવારિક સબંધ સાધ્વી સહયોગ પૂરો પાડવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા સતત ચાર દર્દીઓના સ્વસ્થ બચાવના કારણે સ્ટાફમાં ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે. વધુમાં સંદેશો પાઠવતા ડો. વિજય ડોબરીયાએ લોકોને હિંમત સાથે કાળજી રાખવાનું જણાવ્યું હતું.