સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૨૫ લાખ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨૫ લાખની સેવા કરી
કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્ર્વમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેથી ધંધા-રોજગારને ખુબ જ માઠી અસર પહોંચી છે. આ તકે દેશનાં નામાંકિત લોકો સિને જગતના સિતારાઓ અને ખેલાડીઓ ઉદાર હાથે સહાય આપી રહ્યા છે તેમાં પણ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર સચિન તેંડુલકરે આગામી એક માસ સુધી પાંચ હજાર લોકોને જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ પુરી પાડવા માટેનો નિર્ધાર કર્યો છે. આ પૂર્વે સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૨૫ લાખ જયારે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨૫ લાખની સેવા કરી છે.
ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે આગામી એક મહિના સુધી ૫૦૦૦ લોકોની આંતરડી ઠારવાનો નિર્ધાર કર્યો છે જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અપનાલયા એનજીઓ સાથે સહભાગી થઈ આ કાર્ય કરવાનો નિર્ણય કર્યો છે જેને લઈ એનજીઓએ પણ ટવીટર પર ટવીટ કરી સચિન તેંડુલકરનો આભાર વ્યકત કર્યો હતો. એનજીઓના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી એક માસ સુધી પાંચ હજાર લોકોની જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓને સચિન તેંડુલકર પુરી પાડશે. ટવીટરનાં રિપ્લાયમાં સચિન તેંડુલકર દ્વારા રી-ટવીટ દ્વારા એનજીઓને આશ્ર્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, કોઈપણ જરૂરીયાત ઉભી થાય તો એનજીઓ તેમને અચુક કહે. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં સચિન તેંડુલકર દ્વારા ૫૧ લાખ રૂપિયાની સહાય કોરોનાના પગલે દેશ સેવા માટે આપ્યા છે જેમાં ૨૫ લાખ પ્રધાનમંત્રી રાહત ફંડ અને ૨૫ લાખ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા હોવાનું સામે આવ્યું છે.
કોરોના સામેની લડાઈમાં અનેકવિધ ખેલ જગતનાં ખેલાડીઓ પણ આગળ આવ્યા છે અને તેઓએ અનેકવિધ રીતે દેશને મદદ પણ કરી છે. આ તકે યુનિયન મિનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલફેર દ્વારા દેશમાં કોરોના પોઝીટીવનો આંકડો ૬૭૬૧ ગણાવ્યો હતો. જેમાંથી ૬૦૩૯ એકટીવ કેસો, ૫૦૧૬ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે જેમાં ૨૦૬ લોકોના કોરોનાના કારણે મોત નિપજયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.