હોસ્પિટલના નસીંગ સ્ટાફ, કબ્રસ્તાન અને સ્મશાનમાં કામ કરતા સ્ટાફને કઇ રીતે અંતિમ વિધિ કરવી તે અંગે તબીબી અધિક્ષક મનિષ મહેતાએ આપી સમજ
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસ લોક ડાઉન જાહેર કરવા છતાં કોરોના વાયરસ શેર બજારના ઇન્ડેકશની જેમ વધી રહ્યો હોવાથી કોરોના વાયરસ સામેની લડાઇમાં શુ તકેદારી રાખવી તે અંગેની વિસ્તૃત સમજ આપવા સિવિલ હોસ્પિટલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું તેમજ હોસ્પિટલના નસીંગ સ્ટાફ, પોલીસ અધિકારીઓ, કબ્રસ્તાન અને સ્મશાનના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટીવ દર્દીની સારવારમાં રોકાયેલા નસીંગ સ્ટાફે કંઇ રીતે સારવાર કરવી અને પોતાને ચેપ લાગુ ન પડે તે માટે શું કાળજી રાખવી, કોરોના પોઝિટીવ દર્દીનું મૃત્યુ નીપજે ત્યારે તેના સગા-સંબંધીઓને શુ તકેદારી રાખવી તે અંગે પોલીસ દ્વારા મૃતકના સગા-સંબંધીઓને સમજાવી અંતિમ યાત્રામાં ઓછી વ્યક્તિઓ જોડાય તે અંગેનું ધ્યાન રાખવા ઉપરાંત કબ્રસ્તાન અને સ્મશાનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પણ કોરોના પોઝિટીવ દર્દીના મૃત્યુ બાદ અંતિમ વિધી સમયે શું તકેદારી રાખવી તે અંગે સમજ આપતા સેમિનારનું સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતા અને આર.એમ.ઓ. ડો.મહેન્દ્ર ચાવડાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
ડો.મનિષ મહેતા અને ડો.મહેન્દ્ર ચાવડાએ કોરોના પોઝિટીવ દર્દીના મૃતદેહને ખાસ કીટ દ્વારા પેક કરવા અને અંતિમ વિધીમાં જોડાયેલા મૃતકના સગા-સંબંધીઓના કપડા સહિતની ચિજ વસ્તુનો નાશ થાય તે માટે સળગાવી દેવા જણાવ્યું હતું. તેમજ કબ્રસ્તાન અને સ્મશાનના સ્ટાફે પણ તેના કપડા સળગાવી ચોખા પાણીથી તત્કાલીક ન્હાવા સહિતની સમજ આપી હતી. રાજકોટમાં કોરોના પોઝિટીવ દર્દીના ૧૮ કેસ નોધાયા છે. સદનશીબે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી તેમ છતાં કોરોના પોઝિટીવ દર્દીનું મોત થાય તેવા સંજોગોમાં શુ તકેદારી રાખવી તે અંગેની આગોતરી તૈયારી કરવામાં આવી છે. સેમીનારમાં હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત પોલીસ અધિકારીઓ, કોર્પોરેશનના સ્ટાફ, કબ્રસ્તાન અને સ્મશાનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.