બેંક તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨૧ લાખ, પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧૧ લાખ તથા તમામ કર્મીના એક દિવસનો પગાર મળી કુલ ૫૧.૫૧ લાખનું માતબર અનુદાન
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટના જનરલ મેનેજર વી.એમ.સખીયાની યાદીમાં જણાવેલ કે, હાલ વિશ્ર્વનાં મોટા ભાગના દેશોની સાથે સાથે ભારત દેશ પણ કોવિડ-૧૯નાં સંક્રમણનાં કારણે મહામારીનો સામનો કરી રહેલ છે જે આફતના સમયમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર ભગીરથ કાર્ય કરી રહેલ છે અને લોકડાઉનનાં કારણે અસરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવા સહિતની સરકાર તરફથી અનેક સહાય યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપે રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપેરટીવ બેંકનાં ચેરમેન અને ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, બેંકના મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા અને બેંકના ડિરેકટરોની પ્રેરણાથી આ બેંક તરફથી મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂા.૨૧ લાખ, વડાપ્રધાનના રાહત ફંડમાં રૂા.૧૧ લાખ તથા બેંકનાં તમામ કર્મચારીઓના એક દિવસનાં પગારની રકમ રૂા.૧૯.પ૧ લાખ મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપી એકંદરે રૂા.૫૧.૫૧ લાખની માતબર રકમ દાન પેટે આપેલ છે. આ દાનની રકમના ચેકો બેંકનાં ચેરમેન જયેશભાઈ રાદડિયા તરફથી જીલ્લા કલેકટર-રાજકોટને અર્પણ કરવામાં આવેલ છે.