દર્દીના સંપર્કમાં આવેલી વ્યકિતઓ તાત્કાલીક આવશ્યક પગલાં લઇ શકશે
વિશ્ર્વઆરોગ્ય સંસ્થાએ કોરોનાના રોગચાળાને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે. ભારતમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા કેન્દ્ર સરકારએ એપિડેમીક ડિસીઝ એકટ, ૧૮૮૭ અનુસાર આવશ્યક પગલાં લેવા રાજ્યોને આપેલ આદેશ અને રાજ્ય સરકારે આપેલી સૂચના અનુસાર આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ શહેરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં પ્રસિધ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. આજે આ અનુસંધાને કમિશનરે એક ઓર્ડર ઇસ્યુ કર્યો છે જેમાં જણાવાયા અનુસાર લોકો કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ જાહેર થવાથી વધુ સાવચેત રહી શકશે અને કોરોનાને પ્રસરતો અટકાવવામાં સહાયતા પ્રાપ્ત થશે.કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, કોરોનાના પોઝિટિવ દર્દીની ઓળખ જાહેર થવાથી નાગરિકોને એ પણ ખ્યાલ આવશે કે તેઓ જે તે દર્દીના સંપર્કમાં આવ્યા છે કે કેમ, તેમજ જો કોઈ પ્રકારે સંપર્ક થયો હોય તો તાત્કાલિક આવશ્યક તબીબી પગલાં લઇ શકાય.
કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં લોકોની જાણમાં મુકવામાં આવતા લોકો પોતે જ ઓથોરિટીને માહિતી આપી શકશે અને પોતાને પણ આઇસોલેટ કરી શકશે.
સાથોસાથ કમિશનરે જાહેર જનતાને એ બાબતે પણ વાકેફ કરેલ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર થયા બાદ તેઓની સાથે કે તેમના પરિવારના સભ્યો સાથે કોઈપણ પ્રકારનો સામાજિક ભેદભાવ આઈ.પી.સી.ની કલમ ૧૮૮ અને એપિડેમીક ડિસીઝ એકટ,૧૮૯૭ ની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર અપરાધ બને છે.
શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારના એક યુવાનને કોરોના પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કોરોના સંક્રમણને પ્રસરતો રોકવાના પ્રયાસના ભાગરૂપે એ દર્દી કઈ કઈ વ્યક્તિના સંપર્કમાં આવેલ છે તેની તપાસ શરૂ કરાવી દીધી છે.
કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, આ દર્દી સાથે જો કોઈ પ્રકારે અન્ય જે કોઈ વ્યક્તિ સંપર્કમાં આવેલ હોવાની વિગત મળશે તેઓને ગવર્નમેન્ટ કોરોન્ટાઇન કરવા માટે તાત્કાલિક આવશ્યક પગલાં લઇ લેવામાં આવી રહયા છે.