૨૧ દિવસના લોકડાઉન દરમિયાન
લોકડાઉનના પગલે પેટ્રોલ-ડિઝલ વપરાશમાં ૫૫ ટકાથી વધુનો ઘટાડો: રાંધણગેસની માંગમાં વધારો
કોરોનાને પગલે દેશમાં ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવતા પેટ્રોલ, ડિઝલની માંગમાં ૫૫ ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેલની માંગમાં મોટો ઘટાડો થતા તેલ કંપનીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. તેલ કંપનીઓને નુકશાનનો ડર સતાવી રહ્યો છે.
ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશને જણાવ્યું હતુ કે ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ડિઝલ અને પેટ્રોલના વેચાણમાં ૫૫ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
એચપીસીએલનાં ચેરમેન મુકેશ કુમાર સુરાનાએ જણાવ્યું હતુ કે રીફાઈનરીનું ઉત્પાદન ૭૦ ટકા ઘટાડી દેવાયું છે. બીપીસીએલના અધિકારી આર. રામચંદ્રન કહે છેકે રીફાઈનરીની ક્ષમતાના ૭૦ ટકાનો ઘટાડો કરાયો છે. અમારા પેટ્રોલ ડિઝલના વેચાણમાં ૬૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. વિમાનના ઈંધણની તો કોઈ જ માંગ નથી કારણ કે હવે માત્ર કેટલાક જ માલવાહક વિમાન ઉડે છે.
તેલ કંપનીઓનું વેચાણ ઘટતા નુકશાન થવાની ભીતિ સતાવે છે. રામચંદ્રન કહે છેકે માર્ચ એપ્રિલમાં તો નુકશાન નકકીજ છે. જયારે એચપીસીએલના ચેરમેન કે છે કે લોકડાઉન વધુ લંબાશે તો ઈંધણની નિકાસ કહીને નુકશાન ભરપાઈ કરવાની આશા વ્યકત કરી હતી.
લોકડાઉનના કારણે અમુક સ્થિતિને બાદ કરતા વિમાન ઉડ્ડયન અને ટ્રેનો બંધ છે તો કેટલાક માલગાડીઓની જ અવર જવર ચાલુ છે. આઈઓસીનાં આંકડા પરથી જણાય છે કે માર્ચમાં ૧૭ ટકા વેચાણ ઘટયું હતુ ડિઝલની માંગ ૨૬ ટકા અને પેટ્રોલની માંગ ૧૭ ટકા ઘટી હતી.
વિમાનના બળતણની માંગમાં ૩૩ ટકાનો ઘટાડો થયો છે. જોકે રસોઈ ગેસની માંગમાં વધારો જોવા મળ્યો હતો.