સંવેદનશીલ સરકારનો સંવેદનશીલ નિર્ણય!!!
પોલીસ તંત્ર માટેની યોજનાને વિસ્તારતી રાજય સરકાર; હવે કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવતા આરોગ્ય, સફાઈ, પૂરવઠા, સસ્તા અનાજના દુકાનદારોનાં અવસાન થશે તો તેમના પરિવારજનોને પણ સહાય અપાશે
લોકોને સ્પર્શતા પ્રશ્ર્નોમાં નિયમોની જડતાને બાજુમાં રાખીને સંવેદના પૂર્વક નિર્ણયો લેનારી રાજયની રૂપાણી સરકારની ગણના સંવેદનશીલ સરકારમાં થાય છે. હાલ દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી હાહાકાર મચ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સદીને પાર કરી ગઈ છે. ત્યારે તેને કાબુમાં લેવા રાજયનાં સરકારી કર્મચારીઓ ખડેપગે કાર્યરત છે. ઉપરાંત જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન પૂરવઠો નિયંત્રિત કરવા સહિતની સરકારી તંત્રની કામગીરી સાથે હજારો લોકો સંકળાયેલા છે. મહામારી જેવા કપરા કોરોના વાયરસના સમયમાં પોતાની ચિંતા કર્યા વગર સેવા બજાવતા લોકો માટે સંવેદનશીલ રૂપાણી સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે. જેમાં કોરોનામાં ફરજ બજાવતા લોકોને ૨૫ લાખ રૂા.નું સુરક્ષા કવચ આપવામાં આવનારૂ છે.
રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે આ અંગે જણાવ્યું હતુ કે કોરોના વાયરસના આ મહામારી જેવા સમયમાં પોતાના અને પોતાના પરિવારની આરોગ્યની ચિંતા કર્યા વગર રાજય સરકારના હજારો સરકારી અધિકારી, કર્મચારીઓ ઉપરાંત અનેક અન્ય લોકો ખડેપગે લોકસેવા કરી રહ્યા છે. આવી લોકસેવા કરનારાઓનાં આરોગ્ય અને તેના પરિવારના ભવિષ્ય ચિંતા રાજય સરકાર કરી રહ્યું છે. જેના ભાગ રૂપે આવા તમામ લોકોનું સેવાકાર્ય દરમ્યાન મૃત્યુ થશે તો રાજય સરકાર તેમના પરિવારજનોને રૂા.૨૫ લાખની સહાય ચૂકવશે. સુરક્ષા કવચમાં મહાનગરપાલીકા અને નગરપાલીકાઓનાં આરોગ્ય અને સફાઈ કર્મચરીઓ ઉપરાંત મહેસુલ, પુરવઠા વિભાગના કર્મચારીઓ તથા સરકારી પુરવઠાનું વિતરણ કરતા સસ્તા અનાજના દુકાનદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતુ કે આ પહેલા રાજય સરકારે કોરોના વાઈરસને લગતી ફરજ બજાવતા રાજયનાં કોઈ પોલીસ કર્મચારીનું ચાલુ ફરજે અવસાન થાય તો તેમના પરિવારજનોને ૨૫ લાખ રૂાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ સહાયનો વિસ્તારીને મહાનગરપાલીકા, નગરપાલીકાના આરોગ્ય, સફાઈ કર્મચારીઓ, મહેસુલી અધિકારી- કર્મચારીઓ, અન્ન અને નાગરિક પુરવઠાના અધિકરી-કર્મચારી અને સસ્તા અનાજના દુકાનદારોને પણ તેમાં આવરી લેવાયા છે. ઉપરાંત, મુખ્યમંત્રી દ્વારા લોકડાઉનના કારણે ઓઈલમીલો બંધ હોવાથી તંગીના કારણે ખાધ તેલોનાં ભાવના વધે તે માટે અને ખેડુતોને સરળતા રહે તે માટે ઓઈલ મિલો અને જીનીંગ મિલો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. ખેડુતો તેમની જણસો ઓઈલમિલો સુધી પીલાણ માટે લઈ જઈ શકે તે માટે તેના પરિવહન માટે વાહનો ચલાવવા માટે તેના ડ્રાઈવરો ખેત પેદાશોનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડુતોને લોકડાઉનમાંથી મૂકિત આપવાનો નિર્ણય કરાયો છે. પરંતુ, મૂકિત મેળવનારા તમામ લોકોએ સોશ્યલ ડીસ્ટન્ટ અને સેનેટાઈઝર સહિતના સુરક્ષાત્મક પગલા રાખવા પડશે તેમ જણાવીને અશ્ર્વિનીકુમારે ઉમેર્યું હતુ કે કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરતા સરકારી ડોકટરો, નર્સો, પેરામેડીકલ સ્ટાફ, ઉપરાંત પ્રાયવેટ પ્રેકટીસ કરતા ડોકટરોને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે રાજય સરકારે ૨૫,૦૦૦ એન-૯૫ માસ્ક નિ:શુલ્ક વિતરણ કરશે. પ્રાઈવેટ ડોકટરોને માસ્ક વિતરણ માટે ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની મદદ લેવામાં આવશે.
ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના ગુજરાત પ્રમુખ ડો. મોના દેસાઈને આ વિતરણ રાજય સરકારે ૨૫ હજાર એન. ૯૫ માસ્ક આપી દેવાયા છે. જેમાંથી ૭૫૦૦ એન. ૯૫ માસ્ક સુરત અને રાજકોટના જયારે ૫૦૦૦ એન.૯૫ માસ્ક વડોદરાના પ્રાઈવેટ ડોકટરો માટે આપવામાં આવ્યા છે. રાજયસરકારે પ્રાઈવેટ ડોકટરો માટે ૪૫૦૦૦ એન. ૯૫ માસ્ક નિ:શુલ્ક પૂરા પાડવાની તૈયારી કરી લીધી છે. તેમ જણાવીને અશ્ર્વિનીકુમારે ઉમેર્યું હતુકે લોકડાઉનના ૧૨મા દિવસે રાજયમાં ૪૫.૭૯ લાખ લીટર દૂધ સપ્લાય કરવામાં આવ્યુંહતુ. જયારે અઠવાડીક રજાના કારણે રાજયની ૧૨ શાકભાજી માર્કેટ બંધ હોવા છતા ૫૮૯૦૩ કિવન્ટલ શાકભાજી અને ૬૯૬૯ કિવન્ટલ ફૂટનું વિતરણ ગઈકાલે કરાયું હતુ રાજયમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા નાના વેપારઓ માટે ૨.૫ લાખ પાસ ઈશ્યુ કરાયાનું તથા લોકડાઉનના કારણે ભુખ્યા રહેતા વૃધ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા લોકો માટે ૩૪ લાખ ૩૭ હજાર ટીફીન રાજયભરમાં પૂરા પાડવામાં આવ્યાનું ઉમેર્યુ હતુ.