વીજ પુરવઠાને લઇને ગ્રાહક સુવિધા કેન્દ્ર કાર્યરત: વોટ્સએપ ઉપર પણ ગ્રાહક ફરિયાદ નોંધાવી શકશે
કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા અને સાવચેતીના ભાગરૂપે હાલ લોક ડાઉન છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સતત વીજ પૂરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અસુવિધા ન થાય તે માટે ગુણવત્તાયુક્ત સેવાઓને ધ્યાનમાં રાખીને ટોપ ટુ બોટમ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હાલની કોરોનાની પરિસ્થિતિમાં લોક ડાઉન છે ત્યારે સૌરાષ્ટ્રમાં સતત વીજપુરવઠો મળે તે માટે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર સુશ્રી શ્વેતા ટીઓટીયાના માર્ગદર્શન હેઠળ ટીમ વર્કથી કામ કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને સરકારી અને ખાનગી હોસ્પિટલો, સરકારી પ્રાથમિક દવાખાના તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જ્યાં દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ અને સેન્ટર બનાવવામાં આવ્યા છે ત્યાં સતત વીજ પૂરવઠો જળવાઈ રહે તે માટે મોનીટરીંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના શહેરો અને ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાય નહિ અને ટેકનિકલ કારણોસર ખોરવાય તો તાત્કાલિક વીજ લાઇન કે ફોલ્ટ દૂર કરીને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તે માટે દરેક ક્ષત્રિય કચેરીઓને સૂચના આપવામાં આવી છે. રાજકોટ પી.જી.વી.સી.એલ કોર્પોરેટ ઓફિસના વિશેષ મુખ્ય ઇજનેર (ટેક) ના જણાવ્યા અનુસાર પીજીવીસીએલ હેઠળ આવેલ ૨૪૮ સબડિવિઝનના ટેકનિકલ સ્ટાફને ૨૪ *૭ કલાક માટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. આ માટે દરેક સ્ટોરમાં જરૂરી સાધનસામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. દરેક જિલ્લામાં ઉચ્ચ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાન્સફોર્મર અને ફીડર પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વીજ પુરવઠો પૂરો પાડવા માટેની જરૂરી સાધન સામગ્રીનું વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. વીજ વપરાશકારને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળે અને વીજ પુરવઠાની દેખરેખ માટે પેટા વિભાગીય કચેરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
પીજીવીસીએલના અધિકારીઓએ ખેતીવાડી ક્ષેત્રના ગ્રાહકોને વિનંતી કરી છે કે પ્રવર્તમાન સંજોગોમાં ટ્રાન્સફોર્મર બદલવાનું મુશ્કેલ હોય વીજ ટ્રાન્સફોર્મર ને નુકસાનથી બચાવવા કરારીત વીજભારની મર્યાદામાં વીજભાર વાપરવા સલાહ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈપણ વિસ્તારમાં વીજ વિક્ષેપ સર્જાય તો કોઈ પણ વીજ ગ્રાહક પીજીવીસીએલના ગ્રાહક સુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. જેના નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩ ૩૩ અને ૧૯૧૨૨ છે. આ ઉપરાંત વોટ્સએપ મોબાઈલ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ ઉપર પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. વીજ સેવા જાળવવા માટે જોડાયેલ પીજીવીસીએલ ના કર્મચારીઓ સેવા પર જઈ રહ્યા છે ત્યારે પૂરતી કાળજી અને સાવચેતી અને જરૂરી તકેદારી રાખવા પણ આપની સૂચના આપવામાં આવી છે.