સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં જેલ હવાલે થયેલા કાચા અને પાકા કામના કેદીઓને ૬૦ દિવસની જેલમુક્તિ
માંદગીના બહાના હેઠળ વચગાળાના જામીન માંગતા કેદીઓનો ધરખમ વધારો
કોરોનાની મારામારીને નાથવા સરકાર દ્વારા ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું જેમાં ઘરમાં રહો સુરક્ષીત રહો અને કોરોનાને હરાવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે સુપ્રિમ કોર્ટના આદેશથી અને હાઈકોર્ટની ગાઈડ લાઈન મુજબ સાત વર્ષથી નીચેની સજાના ગુનાના કાચા અને પાકા કામના કેદીઓને છોડી મુકવાના નિર્ણયથી જેલમાં રહેલા અન્ય કેદીઓ બિમારી સહિતના બ્હાના હેઠળ વચગાળા કે રેગ્યુલર જામીન અરજી કરી રહ્યાનું બહાર આવ્યું છે.
કોરોનાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળતા સુપ્રિમ કોર્ટમાં સુઓ મોટો રીટ પીટીશન દાખલ કરવામાં આવતા જેમાં ત્રણ જજની ખંડપીઠ દ્વારા કેદીઓના આરોગ્યને ધ્યાને લઈ જેલમાં કેદીઓની સંખ્યા ઓછી કરવા નિર્દેશ આપવામાં આવતા જેના પગલે હાઈકોર્ટ દ્વારા હાઈપર કમીટીની રચના કરવામાં આવી હતી.હાઈકોર્ટના ન્યાયાધીશ એ સી એસ હોમ અને રાજ્યના જેલ વડા કે એલ એન રાવ સહિતની સમિતિની મળેલી બેઠકમાં સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ સાત વર્ષની નીચેના સજાના ગુનાના કાચા અને પાકા કામના કેદીઓને માત્ર ઘરેલું હિંસાના ગુનામા આ સરકયુલેશન લાગુ પડી શકશે અને રાજ્યની જેલમાં રહેલા સાત વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને લાભ મળ્યો છે તેમાં બે માસના કામચલાઉ જામીન મળ્યા છે.કોરોનાના વાયરસના કારણે કેદીઓ માટે દાખવવામાં આવેલી રહેમ લાણીઓનો લાભ આતંકવાદી પ્રવૃત્તિ, ડ્રગ્સની હેરાફેરી, મનીલોન્ડ્રીંગ અને સ્ત્રી અને બાળકોના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હશે તેવા કેદીઓને લાભ આપવામાં આવશે નહીં તેઓને જરૂરી કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે.
સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં લાંબા સમયથી જેલમાં રહેલા કાચા કામના કેદીઓને બે માસના શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે સજા ભોગવતા પાકા કામના કેદીઓને બે માસના પેરોલ મંજૂર કરવામાં આવતા કાચા અને પાકા કામના કેદીનો પોતાના પરિવાર સાથે રહી શકે તેવો મહત્વનો નિર્ણય કરાયો છે. જો કે બે માસમાં કેદીઓ પરત જેલમાં હાજર નહી થાય તો તેઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
કોરોના વાયરસના ઓઠા હેઠળ જેલ મુક્ત થવા કાચા અને પાકા કામના કેદીઓ દ્વારા મોટી સંખ્યામાં માંગણી થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ક્યાં પ્રકારના કાચા કામના કેદીને જામીન મંજૂર કરવા અને કયાં પ્રકારના પાકા કામના કેદીઓને પેરોલ મંજૂર કરવા અંગેની માંગ કરવામાં આવી છે ત્યારે અદાલત અને જેલ સત્તાવાળા કેદીઓ દ્વારા માંદગીના બહાના હેઠળ માંગેલી જેલ મુક્તિ યોગ્ય છે કે કેમ તે અંગે તબીબો દ્વારા ચકાસણી પણ કરવામાં આવશે અને યોગ્ય કારણ વિના જેલમાંથી બહાર નિકળવાનો મનસુબા પર પાણી ફરી વળશે.