છારોડી અને રીબડામાં ગુરૂકુળના સંતો દ્વારા હજારો લોકો માટે દૈનિક ભોજનની વ્યવસ્થા કરાઈ
ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને લોકડાઉનને લીધે હજારો લોકોને જીવન નિર્વાહની સામગ્રીની મુશ્કેલીઓ ઉભી થઇ છે. સરકાર આ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રચંડ પુરુષાર્થ કરે છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ આમાં મદદરુપ થવાની જરુર છે.
આ દ્રષ્ટિ ખ્યાલમાં રાખીને એસ. જી.વી.પી. ગુરુકુલના શા. માધવપ્રિયદાસજી સ્વામી અને મેમનગર ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી જરુરિયાતમંદોને ભોજન સહાય માટે દરરોજ એસ.જી.વી.પી. ગુરુકુલના સંતો મોટા પાયા પર ભોજન તૈયાર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સેવક સંઘના ભાવિક કાર્યકર્તાઓ ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. એસ.જી.વી.પી. ગુરુકુલ છારોડીમાં રોજ બે હજાર માણસોનું ભોજન બની રહ્યુ છે.
એજ રીતે એસ.જી.વી.પી. સ્વામિનારાયણ ગુરુકુલ રીબડાના ઘર્મવત્સલદાસજી સ્વામી તથા સાથેના સંતો મોટા પાયા પર ભોજન તૈયાર કરી બોલબાલા ટ્રસ્ટ રાજકોટના સેવાભાવી સ્વયંસેવકોના સહયોગથી ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ગુરુકુલ પણ વિતરણ વ્યવસ્થામાં સહભાગી થયું છે. એસ.જી.વી.પી. ગુરુકુલ રીબડામાં રોજ એક હજાર માણસો માટે રસોઇ બની રહી છે. આ રીતે એસ.જી.વી.પી. દ્વારા કુલ ૩ હજાર લોકો માટે દૈનિક ભોજન વ્યવસ્થા ચાલું થઈ છે. આવતા દિવસોમાં જેમ જરુરિયાત વધશે તેમ તેમાં વધારો કરવામાં આવશે. આ સેવાકાર્ય આપત્કાળ પૂરો નહીં થાય ત્યાં સુધી ચાલું રહેવાનું છે. તેમ યાદીમાં જણાવાયું છે.