લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા સાથો સાથ આર્થિક મદદ કરવા માટે પણ વીજ અધિકારીઓ અને કર્મચારીઓ આગળ આવ્યા
કોરોનાના પગલે લોકડાઉનની સ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહતનિધિ ફંડમાં દાન કરવા અનુરોધ કર્યો હતો. જેના પગલે રાજ્યભરમાંથી દાન કરવામાં આવી રહ્યું છે. હવે ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની ચારેય વીજ વિતરણ કંપનીઓના કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપશે. રાજ્ય સરકારની જીયુવીએનએલ અને તેની સલંગ્ન તમામ ૬ કંપનીઓ સાથે મળી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૬.૫૦ કરોડનું અનુદાન કરવાનો પણ નિર્ણય કર્યો છે.
આ અનુરોધના પગલે ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) અને તેની ચારેય વીજ વિતરણ કંપનીઓ – ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને યુજીવીસીએલ વીજ ઉત્પાદન કંપની જીએસઈસીએલ અને વીજ પરિવહન કામગીરીમાં જોડાયેલ જીઈટીસીઓના કુલ ૫૪૦૦૦ જેટલા કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા કોરોના (કોવિડ ૧૯) વાયરસ સામેના આ જંગમાં તેમનો એક દિવસનો પગાર – રૂ. ૬.૫૦ કરોડ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી આ મહામારી સામેની લડાઈમાં સહકાર આપવાનું નક્કી કર્યું છે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, કોરોના મહામારીને નાથવાના જંગ સામે જ્યારે સમગ્ર દેશ અને રાજ્ય લોકડાઉન હેઠળ હોય રાજ્યમાં દરેક ખૂણામાં ચોવીસ કલાક વીજ પૂરવઠો યથાવત રાખવા વીજ ઉત્પાદન, વીજ પરિવહન અને ફિલ્ડમાં વીજ વિતરણ ક્ક્ષાએ આવતા કોઈપણ ફોલ્ટને તાત્કાલિક અસરથી રીપેર કરી વીજ પૂરવઠો યથાવત કરવા જીયુવીએનએલ સલંગ્ન તમામ ૬ કંપનીઓનો સ્ટાફ ખડે પગે કાર્યરત છે.
ઊર્જા મંત્રીએ જણાવ્યું છેકે, સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકો જ્યારે ઘરમાં રહી આ મહામારીની હરાવવા તેમનો સહકાર આપી રહ્યા છે એક બાજુ જ્યારે હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના રોગ સામે મોરચો સંભાળ્યો છે ત્યારે વીજકંપનીનો સ્ટાફ ઓફિસમાં અને લાઇન સ્ટાફ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી દેશસેવાને પ્રાથમિકતા આપી પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠાથી બજાવી રહ્યા છે.