રાજકોટમાં સતત ૧૮ કલાક સુધી એકધારો અનરાધાર વરસાદ વરસતા રાજકોટના વતની અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભારે ચિંતિત બની ગયા હતા. ભારે વરસાદમાં શહેરની સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે તેઓ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના સતત સંપર્કમાં રહ્યા હતા અને રજેરજની માહિતી એકત્ર કરી હતી. શહેરમાં વરસાદના કારણે કોઈ આફત સર્જાય તો તેને પહોંચી વળવા માટે રાજય સરકાર તમામ સહાય પુરી પાડશે તેવી ખાતરી પણ મુખ્યમંત્રીએ આપી હતી. દરમિયાન રાજયમાં ભારે વરસાદને લઈ ઉભી થયેલી સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને આજે આપતકાલીન બેઠક બોલાવી હતી.